કવિશ્રી રમેશ પારેખની બીજી પુણ્યતિથી પર આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..!
લયસ્તરો પર ‘રમેશ પારેખ શબ્દ સપ્તક‘ની પ્રથમ કડી – ‘સોનલ કાવ્ય’ સાથે વિવેકભાઇએ કરેલી વાત અહીં એમના જ શબ્દોમાં
ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.
રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ! સોનલ 1 સોનલ 2
રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.
2 દિવસ પહેલા ધવલભાઇએ આ ગીત લયસ્તરો પર મુક્યું, એટલે આ ગમતીલું ગીત ફરીથી યાદ આવ્યું. જ્યારે પહેલીવાર સાંભળ્યુ, ત્યારે કદાચ આખો દિવસ આ એક જ ગીત સાંભળ્યું હતું. ખરેખર ઇચ્છા થઇ ગઇ હતી કે ગોફણમાં ચાંદો ઘાલીને ફેંકુ એના ફળિયે.. 🙂
આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!
સ્વર : રમેશ પારેખ
————————————————
Posted on July 4th, 2007
ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )
આપણા ગુજરાત – મુંબઇમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે, અને કેટલીક જગ્યા તો વરસાદ એકાદ ડોકિયું પણ કરી ગયો છે. અને આ વરસાદની મોસમમાં આપણે વરસાદના ઘણા ગીતો સાંભળવાના છે, પણ આજે શરૂઆત થોડી સંકલિત પંક્તિઓથી.
આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
– બાલુભાઇ પટેલ
પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
ાટીના ભીના શ્વાસમાં જઇએ
– શોભિત દેસાઇ
ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
– હરીન્દ્ર દવે