મીરાં કે પ્રભુ પાછા ક્યારે પધારશો આ પે’ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.
નવેમ્બરની ૩૦ તારીખે ભવન્સમાં ‘સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવના ગીતો’ નો કાર્યક્રમ થયો – એનું ઇન્ટરનેટ પર ‘live streaming’ – એટલે કે ‘સીધું પ્રસારણ’ થયું હતું .
અને એ જ કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલ એક આજે તમારા માટે અહિં… શબ્દો અને સ્વરાંકન સાથે…!! ૨૬મી નવેમ્બર સ્વરકાર શ્રી દક્ષેશભાઇનો જન્મદિવસ – અને ૨૭મી નવેમ્બર કવિ શ્રી રમેશ પારેખનો..!! એટલે એ બહાને પણ ટહુકો પર એમને યાદ કરી એમને શ્રધ્ધાંજલી આપીએ..!!
*****
સ્વર – સમૂહગાન
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!
હમણાં ૧૭ મે ના દિવસે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથી ગઇ. ‘છ અક્ષરનું નામ’ એ આપણી વચ્ચેથી વિદાય લીધીને સાત વર્ષ થયા. એમની ખોટ તો ગુજરાતી કવિતા જગતને હંમેશા સાલશે. આજે કવિશ્રીને એમના પોતાના અવાજમાં એમની આ કવિતા સાંભળીને શ્રધ્ધાંજલી આપીએ.
(હરી પર અમથું અમથું હેત… ફોટોઃ વેબ પરથી)
હરી પર અમથું અમથું હેત,
હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.
‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.
કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!
સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી
(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)
અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:
લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)
સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.