Category Archives: મેહુલ સુરતી

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

Continue reading →

બારડોલી, we love you…!

બારડોલી..
ખરેખર તો પપ્પા બારડોલી પાસેના એક નાનકડા ગામમાં મોટા થયા, પણ જ્યારે કોઇ પૂછે કે ‘તમે ક્યાં ના?’ તો ‘પથરાડિયા’ ને બદલે બારડોલી જ કહેવાતુ..

અને જેમ હું આજે ‘અતુલ – કલ્યાણી’ એવું બધું યાદ કરું અને વાતો કરું, એમ પપ્પા પાસેથી બારડોલી – પથરાડિયા – સરભોણની ઘણી વાતો સાંભળી છે.

અને હા, આમ તો બારડોલીની ઘણી flying visits લીધી છે.. અમુક યાદગાર પ્રસંગો પણ જોડાયા છે બારડોલી સાથે.. પણ આજે આ ગીત સ્પેશિયલી પપ્પા માટે….

Happy Birthday Pappa…!! 🙂

lyric: યુનુસ પરમાર
singer and composer: સંકેત પટેલ
music arranged : મેહુલ સુરતી

.

શેરડી જેવા મીઠા લોકો, મીઠી જ્યાંની બોલી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!

બારડોલીના પટેલ USA માં ધૂમ મચાવે
મોટેલના ધંધામાં એની આગળ કોઇ ના ફાવે
ભલે રહે વિદેશમાં પણ પરણવા દેશમાં આવે
પોતાના વતનને NRI નહીં ભુલાવે

માંગે કોઇ દાન તો ભરાઇ જાય એની ઝોળી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!

સોના જેવી શેરડી, ખેતરે ખેતરે લહેરાઇ,
હે બારડોલી સુગર ફેક્ટરી દુનિયા ભરમાં વખણાઇ

સરદારે બનાવી સત્યાગ્રહની કર્મભૂમિ
દિલ કહે એ પાવન ધરતી ને લઉં હું ચૂમી
મીંઢોળા છે માતા જેની જલારામ છે બાપા
કેદારેશ્વરની બારડોલી પર છે અસીમ કૃપા

ભોળા દિલના ભોળા લોકો વાત કરે દિલ ખોલી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!

બારડોલીના પાતરા મોઢામાં પાણી લાવે
બારડોલીની ખીચડી આહા સૌનું મન લલચાવે
રિધ્ધિ સિધ્ધિ હશે સદા આપે એ શુભ સંકેત
સૂરગંગા છે બારડોલીની મહામૂલી એ ભેટ

એક થઇ સૌ ઉજવે દિવાળી ઇદ ને હોળી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી – મુકુલ ચોક્સી

સ્વર : નુતન સુરતી, અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી

.

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી

અહીં વસંત વ્હાલની, અહીં ખુશી કમાલની
અહીં કદીક પાંગરે છે, મૌસમો ટપાલની

અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી
અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી

હ્રદયમાં એનું છે સ્મરણ, હવામાં એનું છે રટણ
ભલે મળું હજારને, મને ગમે બસ એક જણ

ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી

ભૂલી શકું તો – ઊર્મિ

ગઇકાલે ૧૦ -જુન એટલે આપણા ગુજરાતી બ્લોગજગતના લાડીલા ‘ઊર્મિસાગર.કોમ’ નો જન્મદિવસ…

અછાંદસથી શરૂ થયેલી ઊર્મિની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.  એમના પોતાના અવાજમાં તમે ‘તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?‘ સાંભળ્યુ ને ?  ટહુકો પર પણ ભવિષ્યમાં એમના અવાજનો ટહુકો કરશું જ, પણ આજ માટે આપણે એમની સ્વરબધ્ધ થયેલી આ ગઝલ (જે એમના બ્લોગ પર તો છે જ..!) સાંભળીયે…

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા 

 waves

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી

સૌને મારા તરફથી ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ…

સ્વર : નરેશ ખંભાતી
સંગીત : મેહુલ સુરતી

રઢિયાળી ગુજરાત
અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત
અમારી રઢિયાળી ગુજરાત!

કીર્તિ તણી સૌરભ પ્રસરતાં ગરવાં તારાં બાળ,
ગાંધી વલ્લભ સપૂત તારા, ભારતતારણહાર!
દેશ થયો રળિયાતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

દયાનંદ સ્વામીએ સ્થાપ્યો રૂડો આર્ય સમાજ,
દલપતરામ-કવિ નર્મદને કર્યાં કીર્તિનાં કાજ;
કૂખ દીપાવે માતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

———————————————————

સાથે સાંભળો :

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…

જિંદગીનો આ ટુંકસાર… – મુકુલ ચોક્સી

સ્વર : મેહુલ – નુતન સુરતી
સંગીત : મેહુલ સુરતી

kinaro.jpg

.

જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

—————

આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને ભરતભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

હે વીણાવાદિની – હીના મોદી

સંગીત : મેહુલ સુરતી

સ્વર : અમન લેખડિયા , સત્યેન જગીવાલા

saraswati.jpg

.

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
ધવલ ધવલ વસ્ત્રધારીણી
વંદુ તુજને શીશ નમાવી

બ્રહ્મ કમંડળમાંથી પ્રગટી
વસંતપંચમી દિન તું જન્મી
થઇ તું ગંગાની જન્મોત્રી
તવ કૃપા આ ઋષી સંસ્કૃતી

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી

આદ્યદેવી તું જ્ઞાનીઓની
લક્ષ્મીજીની પ્રિય સહેલી
દીપ જ્ઞાનના તું પ્રગટાવે
જગમાંથી અંઘાર મીટાવે

___ વસનારી તું મધુરી
સુવાસ જ્ઞાનની તેં ફેલાવી
જ્ઞાનધાર અવનીમાં વહાવી
ન્યાલ કરે તુજ અમૃતવાણી

સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે

વીણાવાદિની, મયુરવાહીની…

( સરગમ… )

વેલેન્ટાઇનમાં…. – મુકુલ ચોક્સી

14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન દિવસ હતો એ તો બધાએ પોતાની રીતે મનાવ્યો  હશે…!!  બજારમાં તો જોકે હજુ એ કોઇ કોઇ જગ્યાએ એની અસર દેખાય છે…  ( ચોકલેટ હવે ‘સેલ’ પર આવશે. !! 🙂 )
અરે ચિંતા ના કરો, હું કંઇ ‘વેલેન્ટાઇન ડે’ પર નિંબધ નથી લખી રહી.. પણ આ જ વેલેન્ટાઇન પર આપણા મુકુલભાઇએ એક મસ્ત કટાક્ષ ગીત લખ્યું છે. અને સંગીત આપ્યું છે – મેહુલ સુરતી..

સ્વર : મયંક કાપડિયા
સંગીત : મેહુલ સુરતી

dlval01main.jpg

પ્રેમની પાછળ છે ચોક્કસ એઇમ વેલેન્ટાઇનમાં,
પ્રેમીઓ જબરી રમે છે ગેઇમ વેલેન્ટાઇનમાં
બાકીના ત્રણસોને ચોસઠ દી સખત ઝગડી શકે,
એટલે દર્શાવે અઢળક પ્રેમ વેલેન્ટાઇનમાં.

બંગડી બુટ્ટી, વીંટીં ને ગ્લાસ વેલેન્ટાઇનમાં,
ગીફ્ટ થઇ વેચાય છે ચોપાસ વેલેન્ટાઇનમાં,
પ્રેમમાં કંઇ પણ ચલાવી લે છે લોકો એટલે
આમ વસ્તુઓ ય થઇ ગઇ ખાસ વેલેન્ટાઇનમાં.

પ્રેમ પરના રાખશો જો ટાંચ વેલેન્ટાઇનમાં
સાચ ઉપર આવવાની આંચ વેલેન્ટાઇનમાં
નૃત્ય થઇ જાશે નક્કામો નાચ વેલેન્ટાઇનમાં
એકની પાછળ પડે જો પાંચ વેલેન્ટાઇનમાં.

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો – રઇશ મનીઆર

આજે સાંભળો આ ઉત્તરાણ પરનું ગુજરાતી ગીત. ગયે વર્ષે તો હિંદી ગીતો સાંભળ્યા હતા, પણ આ વર્ષે મેહુલ સુરતીનું આ પતંગ ગીત સાંભળીને ઉત્તરાણની મઝા બેવડાય જશે…!!

સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, નુતન સુરતી, ધ્રવિતા ચોક્સી

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

સરગમ…

એ હે… સનસનન…
ચગે રે ચગે… ચગે રે ચગે…
હે કાયપો છે…!!

અલગ અલગ રંગોના પતગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગળમાં રંગોળી ભરતા
કોઇ સનન.. ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતા
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડુ ઉડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી

Once again, Happy Birthday to Dr. Mukul Choksi..!!

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

.

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી