આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?
‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –
” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”
અને આવા કરુણાસભર શબ્દોને ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…
.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….