થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો
પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો
ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો
————–
આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર