Category Archives: જયેન્દ્ર શેખડીવાળા

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણ માં – જયેન્દ્ર શેખડીવાળા

ટહુકોના ‘અમર ગુર્જરી’ કાર્યક્રમમાં વિજય ભટ્ટે સુંદર ડાયસ્પોરા ગઝલની રજૂઆત કરી હતી.વિજય ભટ્ટનું જ સ્વરાંકન અને એમના જ સ્વરમાં માણો.

સ્વર અને સ્વરાંકન:વિજય ભટ્ટ

.

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણમાં
પડછાયો વસે જેમ કે તેમ ભીનાશ કેરો રણમાં

ભીનાશ જેવું ક્યાં છે આ દેશની હવામાં
આંખો પલળતી મારી જઈ ગામના ઝરણમાં

લોચન બબડતી માં ના વાવે મને વતનમાં
ઉગી હું જઉં છું પરદેશ ભીની ક્ષણમાં

ઘર ગામ કે વતનથી છૂટો નથી પડ્યો હું
જીવું છું હું વિદેશમાં ગુજરાતી વ્યાકરણમાં

આંગણની ધૂળ લાવી કોઈ શુકન કરાવો
રસ્તે હું નીકળ્યો છું પરદેશી આચરણમાં
– જયેન્દ્ર શેખડીવાળા

સાથે મૂકીને જો – જયેન્દ્ર શેખડીવાળા

અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો

પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો

તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો

ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો

લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો