આજથી તો નવરાત્રી શરૂ.. પણ અમારા અમેરિકા (અને કદાચ દેશ સિવાય બીજી ઘણી જગ્યાઓ)માં નવરાત્રી ખરેખર ૪ weekends જેટલી લાંબી હોય છે.. શ્રાધમાં જ શરૂ થતી ‘નવરાત્રી’ દિવાળીના ગરબા સુધીની હોય ઘણીવાર…
ચલો.. એ બધી વાતો વધારે કરવા જઇશ તો મોટાભાગના લોકો માટે નીરસ એવો નિબંધ લખાઇ જશે.. કદાચ અતુલ જેવા ‘ગામડા’ની નવરાત્રી બાળપણમાં માણેલી એ મગજમાંથી નીકળતી નથી, એટલે આ મોર્ડન નવરાત્રી વર્ષોથી જોઉં છું તો યે એટલી જામતી નથી…!! (તો યે પાછું ગરબા રમવા જવાનું તો ખરું..!!)
આજે, જેમણે કલ્યાણી શાળા (અતુલ)માં ગણિત પણ શીખવાડ્યું છે – અને સુવિધા કોલોનીમાં પડોશી તરીકે જેમની સાથે જાબુંડીના ઝાડના પાંદડાવાળો રસ્તો વાળીને એનું તાપણું પણ સાથે સાથે કર્યું છે – એવા દીપિકાબેનની ખાસ ફરમાઇશ પર – નવરાત્રીના પહેલા દિવસે માતાજીને ગરબો ગાવા બોલાવીએ…
સ્વર : હેમા દેસાઇ અને વૃંદ
Audio Player
.
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે…
ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ
દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે…
ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ
સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ
અસવારી તે માની વાઘે શોભતી રે લોલ
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
———-
અને હા, કવિ શ્રી હરીન્દ્ર દવેને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!