Category Archives: આશિત દેસાઇ

આપણે માનવી, મનના રે મેલા

પરમેશ્વરે પિંડ ધડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્રેસ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે. ખુબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે.

નરેશન : આપણે માનવી by મેહુલ

સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
ગુજરાતી આલબ્મ : ભવતારણમ “Bhav Taranam”

બુરા, જો દેખન મેં ચલીયો, હો…
બુરા, જો દેખન મેં ચલીયો, બુરા ન મિલયો કોઇ
જો તન ઢુંઢ્યો આપનો હો…
જો તન ઢુંઢ્યો આપનો, મુઝસે બુરો ન કોઇ

મનના રે મેલા હો…મનના રે મેલા
આપણે માનવી…હો..મનના રે મેલા…

મુક મીઠેરી, ભો માં તો યે
મુળ તો કડવા મેલા હો…
આપણે માનવી હો…

કઇ ધાતુ થી, ધડનારા યે
આપણા ધાટ ધડેલા હો…

ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
રોજ ના કાટ ચઢેલા…
મનના રે મેલા હો…

વણનારા એ, વણતી વેળા
તાર કેવા વણેલા હો…

ઉજળા એવા…હો…રંગ ચઢાવો
તો યે સદા ફટકેલા…
મનના રે મેલા હો…

અંધ કહે, કદરૂપ જીવ ને
વાહ સા રૂપ તમારા હો…

આપણે અરે રે…હો..હો…મુરખ કેવા
આપણા પર થયા ઘેલા…
મનના રે મેલા હો…

पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..


(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)

સ્વર – લતા મંગેશકર

સ્વર – આશિત દેસાઇ ?

पायोजी मैंने राम-रतन धन पायो.

वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने

जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने

खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने

सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने

मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने

– मीरांबाई

મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર / સંગીત – આશિત દેસાઇ

મને આપો આંખ મુરારી
પ્રભુ એક જ આશા મારી

રંગભરેલી રચના તારી
મારે કાળી કાળી
મને આપો આંખ…

જીવન કલ્પના જગત કલ્પના
કાળી આભ અટારી
કાજળ છાયા ડગલે ડગલે
જિંદગી જ્યાં અંધારી
મને આપો આંખ…

પ્રભાત કાળા સંધ્યા કાળી
કાળી સૃષ્ટિ સારી
હર અંધારે રોજ ભટકતો
દુનિયા લાગે ખારી
મને આપો આંખ…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

જેવી તેવી વાત નથી – સંદીપ ભાટિયા

૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….

21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)

(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

– સંદીપ ભાટિયા

નૈયા ઝૂકાવી મેં તો

ગુજરાતી શાળાઓમાં ગવાતું આ સુંદર પ્રાર્થના…..


(નૈયા ઝૂકાવી મેં તો…..દિવો મારો….)

સ્વર – ?
સંગીત – ?

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો….

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો….

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો દીવો….

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે. (આભાર – લયસ્તરો.કોમ)

સ્વર : હેમા દેસાઇ, આશિત દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

રેડિયો 17 : આશિત – હેમા – આલાપ દેસાઇ

આવતી કાલે અમારા Bay Area ના ગુજરાતીઓને આશિત – હેમા – આલાપ દેસાઇને સાંભળવાનો લ્હાવો મળવાનો છે..! તમે પણ આવશો ને? અહીં સિલિકોન વેલીમાં રહેતા તમારા મિત્રોને પણ જાણ કરવાનું ભૂલશો નહી..! વધુ માહિતી – અહીંથી મળી રહેશે…!

આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

For Bay Area Event – http://bayvp.org/

અને આજે અહીં આપણે માણીએ એમના ગીતોનો ગુલાલ….!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

અમેરિકા – કેનેડા ના ગુજરાતીઓ માટે ગુજરાતી સંગિત-સાહિત્યને આશિત-હેમા-આલાપ દેસાઇના સાનિધ્યમાં માણવાનો એક વધુ અવસર.. ! એમના હૈયામાં એમણે પાળેલા મોરના ટહુકાઓ સાંભળવાનો આ મોકો ચૂકશો નહીં. 🙂

આ રહી એમના હમણા સુધી નક્કી થયેલા કાર્યક્રમોની જાણકારી. વધુ માહિતી માટે જે તે શહેર સાથે આપેલા ફોન નંબર પર સંપર્ક કરી શકશો.

6th august in Toronto, at the Rose theatre. Contact – Jay Bhavsar – (647).308.0157

12th august in Boston Area, MA. Through Pallavi Nikhil Gandhi..-(978).264.0039 / (978)621-5588

18th august in rancho cucamonga, CA – Hiren Majmudar – (909).268.8467

19th august in LA – vijay Bhatt- vijaybhatt01@gmail.com

27th august in San Francisco – saumil shah -(510).676.1842.

2nd sept in Phoenix. -pranav mehta – (480).961.1260

5th sept – philadelphia – mukesh Dave….(267).342.4524..

એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા