Category Archives: ગાયકો

राम भजन कर मन – લતા મંગેશકર

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ (અને સાથે શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’ – જુઓ નીચેની પોસ્ટ)

સંગીત : શ્રીનીવાસ કાલે
સ્વર : લતા મંગેશકર

.

राम भजन कर मन,
ओ मन रे कर तू राम भजन।

सब में राम, राम में है सब,
तुलसी के प्रभु, नानक के रब्ब।
राम रमईया घट घट वासी,
सत्य कबीर बचन॥

राम नाम में पावत पावन,
रवि तेज्योमय चन्द्र सुधा धन।
राम भजन बिन ज्योति ना जागे,
जाए ना जीय की जरन॥

नाम भजन में ज्योति असीमित,
मंगल दीपक कर मन दीपित।
सकल अमंगल हरण भजन है,
सकल सुमंगल करन॥

નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’

સંગીત : દિલીપ ધોળકિયા
સ્વર : પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઇ અને મુંબઇ BAPS કોરસ

.

નૈનન મેં હો નૈનન મેં રહો, ઘનશ્યામ પિયા…. – ટેક
આય બસો ઘનશ્યામ નૈનનમેં, કાલ કુમતિકું દહો….ઘન – ૧
શ્રી ઘનશ્યામ બિના મેરો મન, સ્વપનેઉ ઔર ન ચહો….ઘન – ૨
શ્રી ઘનશ્યામ નામકી રટના, રસના નિશદિન કહો….ઘન – ૩
તન મન પ્રાન લે શ્યામ ચરન પર, પ્રેમાનંદ બલી જહો….ઘન – ૪

– પ્રેમાનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

ગરબે આવો મા – હસિત બુચ

ગાયિકા : માલિની પંડિત નાયક, રાજેન્દ્ર જોષી
સ્વરકાર : પરેશ નાયક
કવિ : હસિત બુચ
આલ્બમ : ગરબે આવ્યા મા

(ગરબે આવો મા…ચૈત્રી નવરાત્રી… Photo : Navarathri.org)

.

દૂર ડુંગરીયે વાગતી વેણ, ગરબે આવો મા…

રૂડી ધરતીની ગાજતી રેણ, ગરબે આવો મા…

મારી ગાગર પર ચીતરી વેલ, ગરબે આવો મા…

મહીં દીવડીઓ રેલમરેલ, ગરબે આવો મા…

મારી સૈયરની ફોરતી ઘેર, ગરબે આવો મા…

રમે હૈયામાં ઝીણેરી સેર, ગરબે આવો મા…

મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

આજ નવરાતે અમરતના કહેણ, ગરબે આવો મા…

કુંજ-ગુર્જરના નોરતે કહેણ, ગરબે આવો મા…

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!

ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!

સ્વર – માલિની પંડિત નાયક
સંગીત – ક્ષેમુ દિવેટીઆ

.

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

—————————-

આભાર : એ મિત્રનો, જેમણે આ સૂર-સંગીતના રંગો અહીં ટહુકો પર રેલાવવામાં મદદ કરી.. પોતાને ગમતા ગીતોનો ગુલાલ કરીને…

શીંગોડા શીંગોડા….

આવો અમારા ભત્રીજા ઈશાનની બીજી વરસગાંઠ ઊજવતા આજે સાંભળીએ એક બાળગીત શીંગોડા શીંગોડા….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
બાળગીત આલ્બમ – આંગણામાં નાચે મોર

.

શીંગોડા શીંગોડા
અમને આપો થોડા
એક પછી એક આવો
નહિતર પડી જશો મોડા
મોડા મોડા મોડા

એક શીંગોડું એવું મારું
આખો દિવસ રડતું
કજિયા કરતું એં એં કરતું
કહો એ તમને ગમતું ?
ના ના ના !

શીંગોડા શીંગોડા….

એક શીંગોડું એવું મારું
આખો દિવસ લડતું
બટકાં ભરતું ચિંટીયા ભરતું
કહો એ તમને ગમતું ?
ના ભાઈ ના !

શીંગોડા શીંગોડા…

એક શીંગોડું એવું મારું
આખો દિવસ હસતું
ભલે ને દુખ હોય કે
કહો એ તમને ગમતું ?
હા ભાઈ હા ! હા હા હા !

શીંગોડા શીંગોડા….

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

આપણા મલકના માયાળુ માનવી…..

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – ?
ગુજરાતી ફીલમ – આપણા મલકના માયાળુ માનવી

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર – પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ – બ્રિજરાજ જોષી
આલ્બમ – ગીત ગુંજન

.

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર – પ્રીત નાં ગીત)

જનની જગદાધારિણી મા – વિહાર મજમુદાર

સ્વર : વિહાર મજમુદાર, ગાર્ગી વોરા, અનુપા પોટા, ઉમંગી શાહ, નિનાદ મહેતા
સંગીત અને શબ્દ : વિહાર મજમુદાર

.

જનની જગદાધારિણી મા
સકલ ભવભયહારિણી, વરદાયિની

શક્તિ રૂપા તું ભવાની, અંબિકા જગદીશ્વરી
બ્રહ્મ સકલે વ્યાપ્ત તું છે માત તું વિશ્વેશ્વરી

તું પરમ સુખદાયીની, વરદાયિની

સૌમ્યવદની તું સરસ્વતી, મા અમારી શારદે
જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે

તું સુબુધ્ધીદાયિની, વરદાયિની

રૂદ્ર રૂપા સિંહવાહિની, ચંડિકા મહાકાલી મા
તવ પ્રભાવ અનંત વ્યાપ્યો, તું જ આદ્યા ત્રિલોકમાં

તું અસુર સંહારિણી, વરદયિની………….

લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા

આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.

(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)

સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય

.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

– ગની દહીંવાલા

——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર – લયસ્તરો )

રઘુવર ! તુમકો મેરી લાજ – તુલસીદાસ

સ્વર : કૌમુદી મુનશી

.

સ્વર : પંડિત ભીમસેન જોશી

.

સ્વર : પ્રેમજીત કૌર

.

રઘુવર ! તુમકો મેરી લાજ,
સદા સદા મૈં સરન તિહારી, તુમ બડે ગરીબ નવાજ;
પતિતઉધારન બિરુદ તિહારો, શ્રવણન સુની આવાજ….રઘુવર….

હૌં તો પતિત પુરાતન કહિયે, પાર ઉતારો જહાજ;
અઘ-ખંડન, દુઃખ-ભંજન જનકે યહી તિહારો કાજ….રઘુવર….

’તુલસીદાસ’ પર કિરપા કરીયે, ભક્તિદાન દેહુ આજ….રઘુવર….

– તુલસીદાસ

હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી….

આજે ફરીથી એક મઝાનું હોળી ગીત.. વ્હાલકડી ભાભલડી અને લાડકડા દેવરિયાઓ માટે ખાસ..!! (Missing you, Vishu 🙂 )

Holi: The Festival of Colours

(Photo : http://khumukcham.com/)

સ્વર : ગીતા દત્ત – મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
કવિ : અવિનાશ વ્યાસ

.

લાલ રંગના લહેરણીયાને માથે લીલી ચોળી
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી
તોરો મોરો રંગ નીરાળો, હું કાળો તું ધોળી,
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી

લાલ રંગના લહેરણીયાને…

રાતો ચૂડલો, રાતી ઓઢની, રાતી આંખલડી
ભાભી તારે તાણેવાણે રૂપની વાંસલડી
અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી,
હાલ ને દેવરીયા સંગે રંગે રમીએ હોળી

બાંકી પાઘડી મૂંછો વાંકડી આંખ્યુ મસ્તીખોર
આંખેઆંખ પરોવી કહેતુ કોના ચિત્તનો ચોર
તારે તનડે મનડે કિધુ કેસર દીધું ઘોળી
હાલ ને ભાભલડી સંગે રંગે રમીએ હોળી

લાલ રંગના લહેરણીયાને…