Category Archives: કાવ્યપ્રકાર

શિલાલેખ – કૃષ્ણ દવે

તાજીમાજી પાંપણમાંથી ટગર ટગર આ નીરખ્યા કરતી આશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …
કેમ કરીને તોડી શકશો? પા પા પગલી ભરતાં ભરતાં આંગળીએ વળગેલા આ વિશ્વાસને,
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું,
હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું,
હજુ મને હમણાં ઝરણાએ ખળખળખળ વ્હેવાનું આપ્યું,
હજુ મને હમણાં શબ્દોએ આ કોરુંકટ પાનું આપ્યું,

હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

મા જેવી આ ધરતીને તો સરહદના ખીલાઓ ઠોકી ઠોકી તોડો !
તેમ છતાંયે આ વ્હેતા ઝરણાના જળને,
લ્હેરાતા વાયુને અથવા ફૂંફાળા આહાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

પથ્થરથી પાંપણ નંખાવો કે રેતીનાં જંગલ વાવો,
કાં આંસુનાં મ્હોરાં પહેરી કીકીમાં વિસ્ફોટ કરાવો,
અને છતાં અકબંધ જ રહેતી સંવેદનના શિલાલેખશી

આંખોમાં છલકાતી આ ભીનાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

ક્યાંક કોડિયે ટમટમતા રહી આખ્ખેઆખ્ખી રાત પી ગયા,
ક્યાંય હલેસાં થઇ બેઠા તો આખ્ખો ઝંઝાવાત પી ગયા,
ક્યાંય અંજલિ ભરી ઊભા તો પળમાં સમદર સાત પી ગયા,
ક્યાંક બની મુસ્કાન હોઠ પર ઘટ્ક દઇ આધાત પી ગયા,

પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાશને
બોલો, કેમ કરીને તોડી શકશો ? …

Shilalekh – krushna dave

તને ગમે તે મને ગમે – વિનોદ જોષી

સ્વર : સુરેશ વાડકર
સંગીત : સમીર ગોખલે

.

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એકવાર તું મને ગમે તે મને જ પૂછી જોને !

તું ઝાકળનાં ટીપાં વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું કૂંપળથી અડું તને તું પરપોટો થઇ જાતી;

તને કહું કંઇ તે પહેલાં તો, તું કહી દેતી : છોને !
તને ગમે તે….

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઈ બેઠું,
હું ઝળઝળિયાં પહેરાવી એક શમણું ફોગટ વેઠું;

તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તોને!
તને ગમે તે….

Tane game te mane game – vinod joshi

તડકાનો માણસ… ધ્રુવના પ્રદેશે કેદ ! – ભગવતીકુમાર શર્મા

alaska

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

( કવિ પરિચય )  

Tadaka no maanas dhruv na pradeshe – bhagavatikumar Sharma, bhagavati kumar

ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા

સ્વર : મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
(વર્ષ : ૧૯૪૯, બિન-ફિલ્મી)

(Originally uploaded by JRR. )

.

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ સાથે

રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…
મને તારી…(2) ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરું….

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2) ઓ નીલગગનનાં પંખેરું….

ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી

સ્વર : ભારતી કુંચલા, પ્રફુલ દવે, વત્સલા પાટિલ
આલ્બમ : ગુર્જર પ્રભાત

rural_painting_PF33_l

.

ઘરરર રે ઘમ ઘંટી, બાજરો ને બંટી
ઝીણું દળુ તો ઉડી રે જાય,
જાડુ દળુ તો કોઇ ના ખાય..

વિનવે અયોધ્યાના નર અને નાર
પધારો પિયર ભણી
સતી સીતા ને લખમણ વીર
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ભોજન પાન,
કે કઢિયેલા દૂધ
પધારો પિયર ભણી

વનમાં નહીં મળે ઓઢણ પાટ
હિંડોળાની ખાટ
પધારો પિયર ભણી

વનમાં નહીં તેલ-ધૂપેલ
સૈયર કેરો મેળ
પધારો પિયર ભણી Gha ra ra ra re gham ghanti baajaro ne banti vinave ayodhya

વાતોની કુંજગલી – જગદીશ જોષી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

lonely

.

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

Vate vate tane vanku padyu ne main vaato ni kunj gali chhodi didhi – jagdish joshi

ગઢને હોંકારો તો કાંગરાય દેશે – રમેશ પારેખ

gadh ne

સ્વર – વિનોદ પટેલ

આલ્બમ: સંગત
પ્રસ્તાવના :વિનોદ જોશી

.

સ્વર: ઓસમાન મીર
આલબમ: સંગત

.

સ્વરઃ અમર ભટ્ટ

.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

( કવિ પરિચય )

Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh

Taro mevaad meera chhodashe

ઉખાણું – હરીન્દ્ર દવે

ukhaanu

દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડુ રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સહોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.

વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.

ભેદ સમજ તો તને વસાવું,
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;

દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

(કવિ પરિચય)  

Ukhanun – harindra dave