Category Archives: કાવ્યપ્રકાર

મારા હિસ્સાનો સૂરજ – ગૌરાંગ ઠાકર

મારા હિસ્સાનો સૂરજ જો અંધારે અટવાઇ જશે તો?
નીકળું ઘરથી ફાનસ લઇને રસ્તામાં બુઝાઇ જશે તો?

ઇશ્વર નામે ગોળો ગબડ્યો ને માણસને મળવાથી શું?
અડધે રસ્તે હાંફી જઇને શ્રધ્ધાથી બોલાઇ જશે તો?

સિક્કો સોંપી દઇને પાછું રમવાનું પણ છાપ પ્રમાણે,
રમતાં રમતાં મારો સિક્કો તારાથી ખોવાઇ જશે તો?

ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું?
દ્વાર ઉઘાડે તું પહેલા ત્યાં હૈયું જો ખોલાઇ જશે તો?

પડછાયાની પૂજામાં રમમાણ રહે છે જીવનભર પણ,
તારું તારી વચ્ચે હોવું ક્યાંય તને સમજાઇ જશે તો?

માથે મૂકી જાત અમે સૌ પાદર લગ તો પહોંચ્યા છીએ,
ઝાંખુ પાંખુ ઘર દેખાઇ પણ મારગ લંબાઇ જશે તો?

तु मेरी झिंदगी है..

વર્ષો પહેલા ‘આશિકી’ ના ગીતો ઘણા જ લોકપ્રિય થયા હતા.. એ ફિલ્મમાંથી આજે પણ સાંભળવુ ગમે એવું એક ગીત એટલે – तु मेरी झिंदगी है..

નવાઇ એ છે કે મેં આ ગીત ફિલ્મ આવી ને ભુલાઇ પણ ગઇ, પછી સાંભળેલું, અને ત્યારથી જ આ મારુ ઘણું જ ગમતું ગીત. પણ ગઇકાલે અચાનક ખબર પડી કે – આ તો મેંહદી હસનના એક ગીતની કોપી જ છે.

તો ચાલો – આજે જ તમને પણ સંભળાવું – બંને ગીતો

સ્વર : મેંહદી હસન

 

સ્વર : કુમાર શાનુ , અનુરાધા પૌડવાલ

ન સાંભળે – ભગવતીકુમાર શર્મા

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે

એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.

 

જરા થોડી જગા તારા જીગરમાં દે… – અવિનાશ વ્યાસ

આ ગીતમાં ઉડીને કાને વળગે (!!) એવું કંઇ હોય તો – આશા ભોંસલેની ગાયકી..!! Obviously, આશાજીના અવાજ વિષે કંઇ કહેવાનું બાકી નથી રહ્યું. પણ ગુજરાતી ગીત આવા classical touch સાથે સાંભળવાનો લ્હાવો એમ પણ જરા ઓછો મળતો હોય, એટલે જ્યારે આશાજીના અવાજમાં આવું સરસ ગીત સાંભળવા મળે, તો મજા જ પડી જાય ને..!!

સ્વર : આશા ભોંસલે
સંગીત: અવિનાશ વ્યાસ

couple.jpg

.

જરા થોડી જગા તારા જીગરમાં દે,
બડો અહેસાન થઇ જાશે
નહીં તો ખાલી દિલમાં
દિલના અરમાન રહી જાશે

બડો અહેસાન થઇ જાશે

નજરના એક ખૂણામાં જરી
જો બેસણું તુ દે
ભરી દે દમ મીઠો હરદમ
મને તારા ચરણમાં લે

ભલે બોલે કે ના બોલે
જીવન કુરબાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે..

સૂરા ને સુંદરીની અહીં
મહેફિલ જામી છે
બધુ છે અહીં સદા હાજર
છતાં એક દિલની ખામી છે

લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે

બડો અહેસાન થઇ જાશે

ગઝલ – ખલિલ ધનતેજવી


ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

આજના માણસની ગઝલ – જવાહર બક્ષી

સ્વર : આશિત દેસાઇ
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી

———–

સાથે કવિ જવાહર બક્ષી વિષે થોડી વાતો વાંચવી પણ ગમશે ને ?

ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સોંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું – રમણીક સોમેશ્વર

કારણ મારી ભીતર છે, ને હું કારણ શોધં છું.
ક્યાં શોધું છું ઉપચારો, હું હૈયાધારણ શોધું છું

ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું

મારી આગળ-પાછળ મબલખ સંવેદન ઘેરાયાં છે
ભીતરના સંવેદન સાથે મારું સગપણ શોધું છું

વિરાટના ઝૂલે ઝૂલું એવો હળવો થઇ જાવાને
હું મારા અસ્તિત્વ વિશે કેવળ રજકણ શોધું છું

જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે – ઉર્વીશ વસાવડા

આજ એક ચકલી ફરી ચોખાનો દાણો લાવશે
ને પછી શૈશવ તણાં સ્મરણોનું ટોળું આવશે

એક જુકા પેટ ફૂટા ને નદી લોહિત થઇ
કોણ એમાં નીર નિર્મળ આભથી વરસાવશે

ચાંચમાં પકડી પૂરી બેસી રહ્યો છે કાગડો
કોક આવીને પછી ગીતો નવાં ગવડાવશે

ગાયના ગોવાળને છે શોધ પોપટની હવે
કયાંક આંબાડાળથી સંદેશ એ સંભળાવશે

એ પરી જાદૂની પહોંચી ગઇ ઊડીને આભમાં
ને નથી સંભવ કે કોઇ આભથી ઊતરાવશે.

———–

આ ગઝલની વાંચતા મને ઉદ્દયન ઠક્કરની આ ગઝલ યાદ આવી…

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ

તુષાર શુક્લ – એક એવા કવિ અને વક્તા, કે એ સામે હોય તો બસ સાંભળ્યા જ કરીયે… હસ્તાક્ષરની આખી સિરિઝમાંથી સૌથી પહેલું ખરીદેલું અને સૌથી વઘુ સાંભળેલુ કલેકશન એ તુષાર શુક્લના ગીતોનું !

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. 🙂

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

અમારે કેલિફોર્નિયામાં આજકલ વરસાદની મૌસમ છે.. તો તુષાર શુક્લનું આ વરસાદી ગીત એ જ ખુશીમાં –

અને આ જ વરસાદી મૌસમ વિષે એમનો આ શેર પણ ગમી જાય એવો છે :

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

356561454_25f2d26dfa_m

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

સ્વર: ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકન: આલાપ દેસાઈ
આલબમ :સુરવર્ષા

.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…