કારણ મારી ભીતર છે, ને હું કારણ શોધં છું.
ક્યાં શોધું છું ઉપચારો, હું હૈયાધારણ શોધું છું
ટેબલ ઉપર પુસ્તક માફક આમ હથેળી ફેલાવી
વિખરાયેલા પૃષ્ઠોમાંથી મારું પ્રકરણ શોધું છું
મારી આગળ-પાછળ મબલખ સંવેદન ઘેરાયાં છે
ભીતરના સંવેદન સાથે મારું સગપણ શોધું છું
વિરાટના ઝૂલે ઝૂલું એવો હળવો થઇ જાવાને
હું મારા અસ્તિત્વ વિશે કેવળ રજકણ શોધું છું
જ્યારે જ્યારે ભીંજાવાને મન આ તલપાપડ થાતું
કાગળની હોડીમાં તરતું મારું બચપણ શોધું છું