Category Archives: કવિઓ

એક તમારા મતને ખાતર – કૃષ્ણ દવે

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

– કૃષ્ણ દવે

રુમઝુમ પગલે ચાલી – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : પરાગી પરમાર

.

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)

ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

(આભાર : સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ)

ગઝલ – અશરફ ડબાવાલા

મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,
ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.

ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;
મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી.

હું સમયની ધૂપ ખંખેરી થયો’તો ચાલતો;
મેં ક્ષણોની જાતને પણ પારખી લીધી હતી.

ફેણ ને ફુત્કાર દાબી રાફડે રે’વું પડ્યું;
કેમ કે સંબંધની તેં કાંચળી લીધી હતી.

જિંદગી આખી ગઝલની કેદમાં રે’જે હવે;
ગુપ્તચર થૈ તેં હ્રદયની બાતમી લીધી હતી.

– અશરફ ડબાવાલા

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

કારણ – ચિનુ મોદી

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.

સમી સાંજનો ટહુકો… – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : ગાયત્રી રાવળ

.

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો,
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો,
સમી સાંજનો …

સમી સાંજનો ટહુકો, હો જી ચાંદાની આંખડીએ,
નીકળૂં હૂં તો ફરવા ચઢીને, સૂરજની ચાખડીએ,
દૂર દૂર તે નજરે આવી, નાજુક નમણી ચારુ,
ચહું પૂછવા તેને હું તો કોની તું વહુવારું…
સમી સાંજનો ટહુકો…

સ્મિતે એના રહ્યું વેરાઈ, દિશ દિશમાં અજવાળું,
ત્યાં તો મારી દ્રષ્ટિ પર એ, ધીડી ગયું કો’તાળું,
ચિતરાની હું ચીઠ્ઠી- ટહુકો, તાળૂં એ ખખડાવે,
અલક મલકનાં રાગ પર આપ્યા ગીત કંઈથી આવે,
સમી સાંજનો ટહુકો…

ગયો ખોવાઈ ગીત મહીં એ સમી સાંજનો ટહુકો,
અમાસ મારી ગયો ઊજાળી, એ તો અમથો અમથો,
લીલા વનમાં રમે ચૂંદડી, ચાંદો રમવા આવ્યો
ચૂંદડી માથે ફાગ ચીતર્યો, રાગ સમીરણ વાયો..

સમી સાંજનો, સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો (૨)
લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો.

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ

એક પળમાં… – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતના ય ઓરતા
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમોર છોને મ્હોરતા

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી આશાએ અહીં…

મારામાં ઊગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી.

પ્રિયે મને ના છેડ… – ભુપેન્દ્ર વકિલ

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : સુનિલ રેવાર

.

પ્રિયે મને ના છેડ…
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ !

અધવચ્ચે આ જનમેળામાં
ઊરવીણા ના છેડ
પ્રિયે મને ના છેડ…

– ભુપેન્દ્ર વકિલ

કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત
પગરવનો સંચાર થતો
બની જતી લજ્જિત
પ્રિયે મને ના છેડ…

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય
પ્રિયે મને ના છેડ…

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – તુલસીદાસ

બે વર્ષ પહેલા રામનવમીના દિવસે આ ભજન ટહુકો પર મુકેલું – પણ પછી કોઇક કારણસર સંભળાતું નો’તુ. તો આજે રામનવમી અને ભગવાન સ્વામીનારાયણના જન્મદિવસે – આ મારું ગમતીલું ભજન ફરી એકવાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સાથે.. (અને સાથે સ્વામીનારાયણ ભગવાનની સ્તુતિ – જુઓ નીચેની પોસ્ટ)

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

——————————-

સ્વર : અનુરાધા પૌડવાલ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર

કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર

ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર

શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર

————————

श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं .
नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणं ..

कन्दर्प अगणित अमित छवि, नव नील नीरद सुंदरं .
पटु पीत मानहु तड़ित रुचि शुचि नौमि जनकसुता वरं ..

भज दीनबंधु दिनेश दानव दैत्य वंश निकन्दनं .
रघुनन्द आनंद कंद कौशल चंद दशरथ नंदनं ..

शिर मुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणं .
आजानु भुज शर चाप धर संग्रामजित खर दूषणं ..

इति वदति तुलसीदास शंकर शेष मुनि जन रंजनं .
मम हृदय कुंज निवास करि कामादि खलदल भंजनं ..

બીજી તો કોઇ રીતે.. – ઓજસ પાલનપુરી

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
– કવિ (?)

.

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ન દેખાય ચાંદની.

તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

– ઓજસ પાલનપુરી