(તાળીઓની રમઝટ… સરખેસરખી સૈયર…)
સંગીતકાર: પિનાકીન શાહ
સ્વર: આશા ભોંસલે અને કોરસ
ફિલ્મ: ગાજરની પીપૂડી (1978)
.
હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
હે તાળીઓની રમઝટ,
હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય,
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય…
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા…
થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા…
હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે દુધે તે ભરી…
-પિનાકીન શાહ
દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય… એ કદી શક્ય છે ખરું ? બિલકુલ નહીં… તો પછી અહીં કવિ શેની વાત કરે છે? તો મિત્રો, કવિની એ વાત એટલે કે આ સોરઠી ગરબાની ભીતર રહેલી એક દંતકથા. કહેવાય છે કે સોરઠમાં એકવાર જ્યારે માતાજીનું આઠમું નોરતું હતું ત્યારે એક સોરઠી બાઈને પણ ગરબે ઘુમવાનું મન થયું. પરંતુ એના ખોળામાં છએક માસનો દિકરો હતો. ગરબામાં જવા માટે એ જલ્દી જલ્દી ઘરનું કામકાજ પતાવી, છોકરાને ખવડાવી અને સુવડાવીને સહેલીઓ સાથે ગરબે ઘૂમવા જાય છે… એનો પતિ તો આંગણામાં જ હોય છે. બેએક કલાક પછી પેલો બાળ રડવા માંડે છે અને આ બાજુ માતૃત્વને એના ભણકારા વાગતાં જ એ હાંફળી-ફાંફળી દોડતી ઘરે આવે છે અને ઘરમાં જઈને રડતા બાળકને છાતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી અને પોતાના બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે… અને આ દૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાના બાળકને માત્ર દૂધ જ નહીં, પરંતુ જાણે સાક્ષાત પ્રેમ અને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નિનાં ગળામાંની મોતીની માળા એ ધાવતાં બાળકનાં મોં સુધી સ્પર્શતી રહે છે. મા-બાળકનાં વ્હાલનું એ અદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે… “દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…” (આ માત્ર મેં સાંભળેલી દંતકથા છે… જે કદાચ કોઈની અદભૂત કલ્પના પણ હોઈ શકે !)