Category Archives: મહેશ સોલંકી

આભલામાં ઘૂમે આખું આભ રે… – મહેશ સોલંકી

ચૈત્ર નવરાત્રી શરૂ થયે આમ તો બે દિવસ થઇ ગયા… તો હવે થોડી ગરબાની મજા લઇએ ને? આમ પણ, ગરબા સાંભળવાની અને સંભળાવવાની મજા હું તો આખુ વર્ષ લેતી હોઉં છું – તો નવરાત્રીમાં કેમ બાકી રહું? 🙂

**

સ્વર : ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

.

ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને
આભલામાં ઘૂમે આખું આભ રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

એક એક ગરબામાં એક એક દીવડો
તાળી તણા તાલ સંગ રમતો લાગે ઘણો
ઘાઘરાના ઘેરમહીં ઘમકે છે ઘૂઘરી ને
ઘૂઘરીમાં ઘૂમે રૂડી ભાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

સેંથીએ ઉષાના રંગ છલકે ઉમંગ અંગ
કોકિલમા કંઠ મહીં સરતો મીઠો તરંગ
કંકણના રણકારે રણકે છે રાગિણી ને
રાગણીમાં ઘૂમે આખી રાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે