Category Archives: કાવ્યપ્રકાર

સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

તળાવમાં – વંચિત ફુકમાવાલા

છોડી મને કૂદી પડયું, બચપણ તળાવમાં
ત્યાં દોડતું આવ્યું સ્મરણનું ધણ તળાવમાં

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડયું હો, મોજનું આંધણ તળાવમાં

વાતાવરણમાં યોગના આસાન કરી કરી
સૂતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં

આઠે પ્રહરમાં લ્યો હવે, ઊજવાય ઉત્સવો
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં

અર્ધા ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં

હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછયા કરે પાંપણ તળાવમાં

શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં

વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કૂદી પડયું બચપણ તળાવમાં

-વંચિત ફુકમાવાલા

કવિ શ્રી સુરેશ દલાલે ‘હયાતીના હસ્તાક્ષર’ (દિવ્ય ભાસ્કર)માં કરાવેલો આ ગઝલનો આસ્વાદ:

શૈશવની સુગંધની ગઝલ

વંચિત ફુકમાવાલા ભુજમાં રહે છે. બનતા લગી નગરપાલિકામાં પાણી ખાતાના ઓફિસર છે. પાણી સાથે સંકળાયેલો માણસ તળાવ વિષે લખે એ સ્વાભાવિક છે. કયારેક ભુજ જાઉ ત્યારે એમને મળવાનું થાય. ઓછાબોલો અને ઓછાલખો માણસ છે. આપણે ત્યાં હમણાં હમણાં ગઝલનો રાફડો ફાટયો છે. એક જમાનામાં એવું કહેવાતું કે સોનેટ ન લખે તે કવિ ન કહેવાય. ઝવેરચંદ મેઘાણી એમાં અપવાદ રહ્યા. ગઝલ કે ગીત કોઈ પણ સ્વરૂપે કાવ્ય આવે તો કોઈને વાંધો ન હોય પણ ગઝલનું પૂર આવ્યું છે, ગઝલનું ગુલાબ મુશાયરાઓની તાળીમાં ભીંસાઈ જતું હોય છે. કાવ્યની અંદર અકાવ્ય એટલી સહેલાઈથી પેસી જાય છે કે કાંકરામાંથી ઘઉ વીણવા જેવી વાત છે.

તળાવની વાત આવે એટલે રાજેન્દ્ર શાહની એક પંકિત અચૂક યાદ આવે. ‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત, પ્રજ્ઞ.’ વંચિતની આ ગઝલ જુદા મિજાજની છે. એની યુકિત સંવેદનથી રસાયેલી છે. ભલે ઓછું લખે પણ કરાયેલી કલમનો કસબ જોવા જેવો છે. રશિયન કવિ યેવટુ શેન્કોએ જંકશન નામનું એક કાવ્ય લખ્યું. એમાં કાવ્યનાયકને કૂવામાં પોતાના શૈશવની સુગંધ આવે છે. વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કૂદી પડયું છે. જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે પણ સ્મરણરૂપે તો રહે જ છે. કવિએ સ્મરણને ધણ સાથે સરખાવ્યું છે. બચપણનું કૂદી પડવું અને સ્મરણના ધણનું દોડતું આવવું આ બે ક્રિયાની વરચે કાવ્યની પ્રક્રિયા છે.

મોજાંના આંધણની વાત પણ ગમે એવી છે. પાણીની થપથપાટમાં જળના સ્પર્શનો અનુભવ થાય છે. કવિ કયાંથી કયાં પહોંચી જાય છે. એમાં છલાંગ છે પણ કૂદાકૂદ નથી. શવાસનમાં પડેલા રજકણો જાણે યોગના આસન કરી રહ્યા હોય એવું લાગે છે. આ કવિની મૌલિકતા સ્પર્શે એવી છે. આઠે પ્રહર ઉત્સવ હોય ત્યારે જળ જાણે કે રંગીન વસ્ત્રો ધારણ કરે છે. સમગ્ર ગઝલમાં એક શેર તો નજર લાગે એવો છે. એ શેર જ ટાંકવો પડે.

‘અર્ધી ડૂબેલી ભેંસનો પણ મંચ જયાં મળ્યો/લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.’

આપણા ભાષણખોર વકતાઓ મંચ મળ્યો નથી કે તૂટી પડયા નથી. ગઝલની ખૂબી એ છે કે એનો કેમેરા તળાવને કેન્દ્રમાં રાખીને આસપાસના અનેક પદાર્થોપર પડે છે. કયારેક પાત્રો પર પણ પડે છે. તળાવ હોય અને પનિહારીઓ ન હોય એ તો કેમ બને? પનિહારીઓ હોય અને પાંપણમાં પાણી વધારે છે કે તળાવમાં પાણી વધારે છે એની સમસ્યા હજી એકવીસમીમાં સદીમાં પણ પૂરેપૂરી ઉકેલાઈ નથી. જળ જળને ધોતાં હોય છે. પ્રદૂષણથી દૂર થતાં હોય છે. કદાચ ગામલોકમાં જેટલી સમજણ નથી એટલી જળતત્ત્વમાં છે. જળનું કામ જ સ્વરછ અને શુદ્ધ કરવાનું. વરસાદના ભાંભરાં જળ બૂમ પાડે છે એ કવિના કાન સિવાય અન્ય કોઈને સંભળાય એવું નથી.

એક શહેરમાં શુદ્ધીકરણની વાત આવે છે ત્યારે રામનારાયણ પાઠકની ચાર પંકિત યાદ આવે છે :

ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વત: સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પીવાય, ન્હવાય, જેમાં.

કવિની આ ગઝલની સાથે એક જળનું ગીત પણ જોઈએ:

લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
કંપ્યું જળનું રેશમપોત
કિરણ તો ઝૂકયું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીઓ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? – અનિલ જોશી

આજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…
અને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે અહીં ક્લિક કરોઃ
Sunheri Yaadein – Soli Kapadia – LA – June 25, 2010
Sunheri Yaadein – Soli Kapadia – San Diego – June 26, 2010

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

(આવળનાં ફૂલ Photo : Internet)

.

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પ્હાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા.

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડ… તમારી નજર જો..

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન.

છણકાની છાલકથી જાશે તણાઇ
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત – રમેશ પારેખ

ટહુકો પર જ્યારે ‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ – ક્ષેમુદાદાની રચનાઓની એક અઠવાડિયા સુધી ઉજવણી કરી હતી, ત્યારે અમરભાઇના અવાજમાં રજુ કરેલી આ રચના, આજે એક નવા સ્વરાંકન – એક નવા સ્વર સાથે ફરી એકવાર..!! આશા છે આ સ્વરાંકન પણ ગમશે..!

સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: સાધના સરગમ
આલ્બમ: હસ્તાક્ષર

***************************

રમેશ પારેખનું આ ઘણું જાણીતું ગીત – અમરભાઇના અવાજ અને શાસ્ત્રીય સંગીત-ગાયકીની અસર સાથે કંઇક અલગ જ નીખરી ઉઠે છે…….

સ્વર : અમર ભટ્ટ
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

અમરભાઇને રૂબરૂમાં સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. કોઇ પણ કવિતા કે ગઝલ રજૂ કરવાની એમની આગવી રીત જાણે આપણને કવિ-કવિતાની થોડી વધુ નજીક લઇ જવામાં મદદ કરે છે.

અને અમદાવાદીઓને એ લ્હાવો અવારનવાર મળતો રહે છે.. વધુ એક એવો જ લ્હાવો મળશે જુન ૧૯મી એ… વધુ માહીતી માટે અહીં ક્લિક કરો.

કાવ્યસંગીત શ્રેણી – મરીઝ (૧૯ જુન, ૨૦૧૦ – અમદાવાદ)

પ્રસ્તાવના, સંગીત અને સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વારાભિષેક

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o

તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o

-રાજેન્દ્ર શાહ

* ‘શબ્દનો સ્વારાભિષેક’ આલ્બમ ખરીદવાની ઈચ્છા ધરાવનાર અમેરિકામાં રહેતા મિત્રો અહીંથી માહિતી મેળવી શકે છે…!

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

એક ઘા -કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

સખે, ગીત ગાવા દે… – શ્રી જે. કે. પટૅલ

મેહુલ સુરતી નામના ‘ખજાના’ નું વધુ એક મોતી… મેહુલના સ્વર-સંગીતમાં આ સરળ પ્રેમકાવ્ય એકદમ ખાસ લાગે અને વારંવાર સાંભળવાનું મન જરૂર થાય…

સ્વર – સંગીત : મેહુલ સુરતી

કવિ : શ્રી જે. કે. પટૅલ

.

સખે, ગીત ગાવા દે મને તારા પ્રેમનું,
સૌરભ પ્રસરાવવા દે મને તારી પ્રિતનું.

બુલબુલ બની વિહરવા દે, ઉધ્ધાત તુજ ઉપવનનું.
ઘંટારવ બની ગુંજી ઉઠું, નિશદિન તુજ મંદિરનું.

નથી શબ્દજાળ કે અલંકાર, મીઠાશ શેની ભરું?
ફક્ત ભાવનાનો ભર્યો કુંજો, છલકાઇ જાય ઓ ભેરું.

પંખી બની, ઊંચે ઊડી, કુંજે કુંજે ગાયા કરું,
ગમે તુજ પ્રિત કેરા ગાનમાં, મસ્ત બની રાચવું.

આ ગીત અંજલિ રૂપે તર્પણ કરી, મુજ સખાને અર્પણ કરું,
ગીત ગાવા દે, સખે, ગીત ગાવા દે.