Category Archives: કાવ્યપ્રકાર

ગઝલો વાંચજો – વિવેક મનહર ટેલર

આજે મિત્ર વિવેકની બે ગઝલો…. એક કમ્પ્યુટરના કી-બોર્ડ થકી લખાયેલી, અને બીજી એના કેમેરા થકી..!! Enjoy..!


(પીળું સોનું….                                 …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા

મારી ગઝલમાં – મકરંદ દવે

અમરભાઈ પાસે કવિ શ્રી મકરંદ દવેના આ અને બીજા સ્વરાંકનો સાંભળવાની અમૂલ્ય તક અમદાવાદીઓને -આવતી ૧૮મી ડિસેમ્બરે મળશે – એની માહિતી માટે અહીંયા ક્લિક કરો:

કાવ્યસંગીતશ્રેણી : કવિ શ્રી મકરન્દ દવેના કાવ્યોની અમર ભટ્ટ દ્વારા પ્રસ્તુતિ : 18 December – Ahmedabad

એક ગઝલ ગાન સ્વરૂપે –
‘અનાદિ મથામણ છે મારી ગઝલમાં
નશીલું નિવારણ છે મારી ગઝલમાં

ઓછા ગવાતા રાગ સાલગ વરાલી તોડી પર આધારિત આ ગઝલમાં શ્રી પ્રદીપ બારોટની સરોદની સંગત પણ માણો.

https://youtu.be/rBhDZxIzag8

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

.

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

…. – જ્યોર્જ સેફરિસ

મને વસવસો છે કે મેં પહોળી નદીને મારી
આંગળીઓમાંથી
પસાર થવા દીધી એક પણ બિંદુ પીધા વિના.
હવે હું પથ્થર થઈને ડૂબતો જાઉં છું.
મને જો કોઇ સંગાથ હોય તો તે કેવળ
નાનકડા પાઇન વૃક્ષનો.

જે કંઇ હું ચાહતો હતો
તે બધાંનો જ નાશ થયો મકાનો સહિત
જે ગઇ ગ્રીષ્મમાં નવાનકોર હતાં
તે પાનખરના પવનમાં ભાંગી પડ્યાં…

– જ્યોર્જ સેફરિસ
(અનુવાદ – સુરેશ દલાલ)

અમારી પાસે – મરીઝ

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે.

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે.

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે.

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે.

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે.

– મરીઝ

પતંગિયાએ ઘર કર્યું હતું – મનોજ ખંડેરિયા

આજે માણીએ મનોજ ખંડેરિયાના આ જાદુભર્યા શબ્દો… અને કલ્પકભાઈનું એવું જ મઝાનું સ્વરાંકન..!!

*******

સ્વર અને સ્વરાંકન :- કલ્પક ગાંધી
આલ્બમ :- શાલ્મલિ

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

નથી ગમતું – રુસ્વા મઝલૂમી

કવિ શ્રી રુસ્વા મઝલૂમીને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ખૂમારીથી છલોછલ ગઝલ..!

****

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે? – નીતિન વડગામા

કવિ શ્રી નીતિન વડગામાને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!

(Dream Destination for May 2011 – Half Dome, Yosemite National Park)

*****

પંડને પણ ક્યાં પમાતું હોય છે?
તોય અળગું ક્યાં થવાતું હોય છે?

હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે
રિક્તપાણિ થૈ જવાતું હોય છે!

પગ ભલેને હોય પોલાદી છતાં
એક ડગલું ક્યાં ચલાતું હોય છે?

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે?

હાથમાં પાસા નથી તો શું થયું?
જૂગટું મનમાં રમાતું હોય છે!

– નીતિન વડગામા

મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!

સ્વરાંકન – રસિકલાલ ભોજક
સ્વર – હિમાલી વ્યાસ

(ચિત્ર માટે આભાર – Krishna.Com)

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?

– હરીન્દ્ર દવે

મેંદી તે વાવી માળવે (યુગલગીત) – ઇન્દુલાલ ગાંધી

‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…

આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?

અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)

અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?

સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો

હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ
મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ
મેંદીના રંગમાં છૂપ્યો અનંગ..
તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

– ઇન્દુલાલ ગાંધી

તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

આજે આપણે માણીએ, યામિની વ્યાસનાં નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? ફોટો : વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ