
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.
Category Archives: કવિઓ
આપણે – ‘જટિલ’
આપણે હવે મળવું નથી -જગદીશ જોષી
વાત કહી ના જાય – જયંત પાઠક
વાત કહી ના જાય
મનની વાત સહી ના જાય.
રાતદિવસના જડ જંતરમાં
અંતર મુજ કંતાર,
ઝંખે નયનો તે તો પાંપણ
પછવાડે સંતાય.
એકલું એકલું અંતર બેઠું
હેઠળ દુ:ખની છાંય
હે અણદીઠ ઇંગિત તારાં ના
કેમ અહીં વરતાય ?
ગીત ઘણાં આ કંઠ રાત’દિ
ઘૂંટી ઘૂંટીને ગાય,
જીવનગીતની ધ્રુવપંક્તિનો
પ્રાસ મળે ના ક્યાંય.
———————-
જંતર =યંત્ર (તાંત્રિક આકૃતિ, તાવિજ વગેરે), કંતાર=અરણ્ય, જંગલ અને ઇંગિત=ઇશારો, સંકેત.
સિન્ધુ – પૂજાલાલ
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ
.
મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… રસિયાએ…
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
હળવેથી ગુલાલને ઉછાળ્યો રે…
મારગડો રોકીને રંગ ઢાળ્યો..
મારો મારગડો રોકીને …..
રંગદાર પામરી (?) પગમાં પૈજણીયા
સૂરત સાંવરી… નૈણ રે આંજણીયા
કેટલો એ સાંવરિયાને ટાળ્યો રે…
હો… મારગડો રોકીને રંગ ઢાળ્યો..
મારો મારગડો રોકીને …..
વારતા.. વારતા… હું યે ગઇ હારી
રસિયાએ તો યે મારી વાત ના વિચારી
એને આવો ના રંગીલો કદી ભાળ્યો રે..
હો…. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
મારો મારગડો રોકીને …..
પાલવનો છેડલો કેટલો યે ઢાંક્યો
તો યે ગુલાલ મારે કાળજળે વાગ્યો
મારુ કાળજળુ તોડીને એ તો હાલ્યો રે…
હો…. મારગડો રોકીને રંગ ઢાળ્યો..
મારો મારગડો રોકીને …..
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર
સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત
( આ એક જ ગીત બે અલગ અલગ સ્વરમાં સાંભળવું ચોક્કસ ગમશે. )
.
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….
રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….
રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ… – મેઘબિંદુ
સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ… માતૃભૂમિથી દૂર રહેતા મારા જેવા લોકોને આવા સમયે ઘર સૌથી વધુ યાદ આવે… પણ એમ ઉદાસ થવાને બદલે જરા મલકાઇએ આજે…. ફાગણનો ફાગ.. અને કેસુડાના કામણ કદાચ અમેરિકા અને બીજા દેશોમાં ન જોવા મળે… પણ ટહુકાનો સાદ તો પહોંચે છે ને ??
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
(બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ…. )
.
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
————-
એક જાહેરાત : આવતી કાલે ધૂળેટીના પર્વ નિમિત્તે રાગો ના રંગે રંગાવા… અને સૂર સંગીતની પિચકારીથી ભીંજાવા માટે ટહુકો.કોમ તરફથી આપને ભાવભર્યુ આમંત્રણ છે. 🙂
સુરાલયની પ્યાસ – રાજેન્દ્ર શુક્લ
તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !
ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !
મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !
ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !
એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી
સ્વર : ભુપીન્દર
.
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
————————–
તમારે પણ જો કંઇક ધારવું હોય અને એના પર કંઇક લખવુ હોય તો સહિયારુ સર્જન પર આમંત્રણ છે. સાથે સાથે વાંચો એક સંકલિત, સાંજ અને જગદીશ જોષી.








