Category Archives: કવિઓ

અમે યુ.કે.ના રહેવાસી – ચન્દુ મટ્ટાણી

ટહુકો પર પહેલા આપણે ‘અમે યુ.એસ.એ’ના રહેવાસી… એ ગીત સાંભળ્યું હતુ, એ યાદ છે ને? હજુ ના સાંભળ્યુ હોય તો હવે જરૂર સાંભળી લેશો…   તમે અમેરિકામાં રહેતા હો કે ના રહેતા હો, પણ તો એકવાર સાંભળવા જેવું છે એ ગીત…   અને એજ ગીતની એક બીજી આવૃતિ એટલે આ ‘અમે યુ.કે ના રહેવાસી…’

બ્રિટનમાં વસતા ગુજરાતીઓની લાગણીને આ ગીતમાં ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે… (ચિત્રલેખામાં થોડા વખત પહેલા એક લેખ પ્રસિધ્ધ થયો હતો, જેમાં લેસ્ટરના ગુજરાતીઓની વાત હતી.. કોઇ પાસે હોય તો મોકલશો?)  હાલ માટે આ એક ઓનલાઇન આર્ટિકલથી કામ ચલાવી લો 😀

અને હા….  બ્રિટનમાં વસતા ગુજરાતીઓને કોમેંટમાં પોતાના પ્રતિભાવો અને અનુભવો લખવાનું ખાસ આમંત્રણ છે. 🙂

સ્વર : બાલી બ્રહ્મભટ્ટ, આશિત દેસાઇ
આલ્બમ : મા ભોમ ગુર્જરી

176

અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી..
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…
સ્ટર્લિંગ પાઉન્ડ ને પેન્સ માં ફરતા ફેરા લખ ચોર્યાસી

કચ્છ ચરોતર ખેડા જિલ્લો કે ઉત્તર ગુજરાત
રહ્યા અહીં પણ વતન સાંભરે ભલો એ કાઠિયાવાડ

હે શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત રે
ચોમાસે વાગળ ભલો, ને કચ્છડો બારે માસ

નોકરી ધંધો કરવા આવ્યા, થયા ભલે અહીં સધ્ધર
ઉંચા જીવે રહ્યા છીએ  ને શ્વાસ રહ્યા છે અધ્ધર

અમે ભલે બ્રિટનમાં તો યે ભારતના નિત પ્યાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફીશ એન ચિપ્સ .. .(?)
દુઃખિયાના બેલી જેવા ઇંગ્લિશ પબ ને મેક્ડોનલ  .. BIG Mac..!!

ઉત્સવ કરીયે ધરમ-કરમના મંદીરે પણ જઇએ
હરે ક્રિષ્ન હરે રામ….(2)  જય સ્વામી નારાયણ…

મૂળ વતનના સંસ્કારોને જરી ન અળગા કરીયે
વોર્મથ મળેના વિટંરમાં જાતા વેધરથી ત્રાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

ઓક્સફર્ડ સ્ટ્રીટ ને થેમ્સ નદી વળી બકિંગહામ પેલેસ
બેલગ્રેવ રોડ ને ઇલિંગ રોડ પર ગુજરાતીનો ગ્રેસ  (શોપિંગ કરવા હાલ્યા..!!)
સાડી સોનું કરિયાણું ને તેજ તમાકુ તમતમ
ભજીયા ભાજી ભરે થેલીમાં ગુજરાતી આ મેડમ  (મરચા ક્યાં ?!)

ઓલ રાઇટ ઓલ રાઇટ કરતા ચાલે ગુર્જર યુરોપ વાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી…

દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના – અમૃત ઘાયલ

ટહુકો પર પહેલા ફક્ત પાંચ શેર સાથે રજુ થયેલી આ ગઝલ, આજે બાકીના શેર સાથે ફરીથી પ્રસ્તુત કરું છું.

આવી જ એક ખુમારીભરી હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ – અમે રાખમાંથીયે બેઠા થવાના (જેની વાત ધવલભાઇએ commentમાં કરી) – એ પણ ખાસ વાંચવા જેવી છે. અને થોડા દિવસમાં એ ગઝલને ફરીથી માણીશું – હેમા-આશિત દેસાઇના સુમધુર સ્વર સાથે 🙂

river crossing

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના,
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના.

યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

you and me

.

યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું

————

Happy Birthday Preetinben.. (21st May) તમારો ટહુકો ગુજરાતી સંગીત જગતમાં આમ જ ગુંજતો રહે, અને ગુજરાતી સંગીતને જગતમાં ગુંજવતો રહે એવી અમિત શુભેચ્છાઓ.. 🙂

તારા ગયા પછી – અશ્વિની બાપટ

375361628_e6d7d01307_m

તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ

તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…

એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

અને હવે તો કવિ સાથે વાત કરવાનો લ્હાવો પણ તમે લઇ શકો છો – બસ એક ક્લિક પર : morpichh@yahoo.co.in

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. :)

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

સ્વર: શ્યામલ મુનશી
સંગીત: શ્યામલ – સૌમિલ

(’હસ્તાક્ષર’ આલ્બમમાંથી સાભાર…)448262173_102aa8901d_m

.

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

તો, પપ્પા! હવે ફોન મૂકું? – મનહર ત્રિવેદી

‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર…’ એ ગીતની comment માં મિનાક્ષીઆંટીએ એક કવિતાની ફરમાઇશ કરી, તો, પપ્પા! હવે ફોન મૂકું?’

વધુ માહિતી માટે પૂછતા ખબર પડી કે સંદેશની રવિવારની કોઇ પૂર્તિમાં લગભગ ૩ વર્ષ પહેલા આ કવિતા આવી હતી. પછી તો નિલમઆંટીએ કહ્યું કે ‘દિકરી એટલે દિકરી’ પુસ્તકમા આ કવિતા છે, અને એ પરથી ગોપાલકાકાએ તો કવિતાની સાથે સાથે કવિને શોધ્યા, અને ખુદ કવિ પાસેથી કવિતા લઇને એમના બ્લોગ પર મુકી…

આભાર ગોપાલકાકા, નીલમઆંટી, મિનાક્ષીઆંટી, અને કવિશ્રી..!!

મને મારા અમેરિકાની કોલેજના દિવસો યાદ આવી જાય આ કવિતા વાંચતા. જ્યારે પપ્પા સાથે ફોન પર કયા વિષયમાં કેટલા માર્કસ આવ્યા અને કયા પ્રોફેસરએ શું કહ્યું એવી બધી વાતો કરતી..  એકબાજુ એકલું તો લાગતું, પણ સાથે ખબર હતી કે પપ્પાની આંગળી પકડીને સુવિધા કોલોનીમાં આંટો મારવા નીકળતી ૩-૪ વર્ષની લાડકીને એક દિવસ આમ એકલી અમેરિકાની કોલેજ સુધી પહોંચેલી જોઇને પપ્પા કેટલું ગૌરવ અનુભવતા હશે.  I love you, Pappa…!!

daddy

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનહર ત્રિવેદી

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે – રમેશ પારેખ

કવિશ્રી રમેશ પારેખની બીજી પુણ્યતિથી પર આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..!

લયસ્તરો પર ‘રમેશ પારેખ શબ્દ સપ્તક‘ની પ્રથમ કડી – ‘સોનલ કાવ્ય’ સાથે વિવેકભાઇએ કરેલી વાત અહીં એમના જ શબ્દોમાં

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

રમેશ પારેખના ગીતો ગુજરાતી ભાષાનો જાણે આત્મા છે. 1968 ની સાલ માં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખ ની કેટલીક સર્વકાલીન શ્રેષ્ઠ રચનાઓમાંનું એક. દરેક કવિ પોતાની કૃતિને લાડલા સંતાનની પેઠે ચાહે છે. ચાહતની આ પરાકાષ્ઠાનું અદભૂત ઉદાહરણ એટલે છે…..ક અગિયાર વર્ષ બાદ પોતાની લોકલાડીલી કવિતાનું ગીતમાં રૂપાંતરણ. બંને કવિતા અને ગીત આ સાથે આસ્વાદાર્થે અહીં બીડ્યાં છે.

સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સંગીત : અનિલ ધોળકિયા

1461350781_a4e3262ac0_m.jpg

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
તમને ફૂલ દીધાનું યાદ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
તમને ફૂલ દીધાનું યાદ…

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

——————————

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

કશુંક પૂંછું તને – નયન દેસાઇ

શ્વાસમાં સૂંઘું તને ને સાંજ થઇ ઘૂંટું તને,
યાદરૂપે રોમેરોમે લે હવે ફૂંકું તને.

આંખથી અશ્રુરૂપે ખાલી કરી દિલમાં ભરું
આભ, પૃથ્વી જલ પરિબ્રહ્માંડમાં મૂકું તને.

ફૂલ તાજું બુંદ ઝાકલના સૂરજ કિરણો રમે
તું કહે, આવી ક્ષણે કેવી રીતે ભૂલું તને?

આવ, ઓઢીને મધુરપ સ્મિતકળશો ઝળહળાવ !
ગાઢ એકલતાના આશ્લેષમાં ચૂમું તને.

સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને

મેં જ તો એને સતત ઝંખી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

કવિ હર્ષ બ્રહ્મભટ્ટના ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી’ કાવ્યસંગ્રહમાંથી ચૂંટેલી ગઝલના ચૂંટેલા શેરો અને ચૂંટેલા ગીતો સારસ્વત સ્વરકારોએ ગુજરાતી વાતાવરણમાં પેશ કર્યા…

હંમેશા
ટહુકાથી તરબતર કરનારું
શબ્દનું પંખી…
કાયમ ચૂપ રહેનાર આકાશને
મૌનનો પ્રેમપત્ર લખીને
પાસે બોલાવે છે…
અને સર્જાય છે…
‘પાંખ ફૂટી આભને… ‘

સ્વર – સંગીત : નયનેશ જાની
આલ્બમ : પાંખ ફૂટી આભને…

1

.

મેં જ તો એને સતત ઝંખી હતી
વેદના મારી જીવનસંગી હતી

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા
જિંદગી હમણાં જ મેં રંગી હતી

મેં તરાપો પાણીમાં મૂક્યો અને
એકદમ વ્હેતી નદી થંભી હતી !

અમે – ભાનુપ્રસાદ પંડ્યા

399793875_a89defdcf3_m

અમે શરદનાં વાદળાં
કે નદિયું ને કે’જો કે ઝંખે ના નીર !
હરણાં હવાનાં થઇ હાલીએ
પારધીને કે’જો કે તાકે ના તીર !

હસીએ ટગર ફૂલ જેમ,
કોઇ ડોલરની મશે ના આવજો સમીપ !
અમે અંધારે કેડિયું ઓળખી
માઢ મેડીને ગોખલે મેલો મા દીપ !

ચાર ભીંત્યુંની સંકડાશ મેલી
કે આભ આ લેતું ઓવારણાં !
મ્હેલ, રોશો મા પીંગળાની જેમ
કે વનનાં ઝીલીએ વધામણાં !