‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર…’ એ ગીતની comment માં મિનાક્ષીઆંટીએ એક કવિતાની ફરમાઇશ કરી, તો, પપ્પા! હવે ફોન મૂકું?’
વધુ માહિતી માટે પૂછતા ખબર પડી કે સંદેશની રવિવારની કોઇ પૂર્તિમાં લગભગ ૩ વર્ષ પહેલા આ કવિતા આવી હતી. પછી તો નિલમઆંટીએ કહ્યું કે ‘દિકરી એટલે દિકરી’ પુસ્તકમા આ કવિતા છે, અને એ પરથી ગોપાલકાકાએ તો કવિતાની સાથે સાથે કવિને શોધ્યા, અને ખુદ કવિ પાસેથી કવિતા લઇને એમના બ્લોગ પર મુકી…
આભાર ગોપાલકાકા, નીલમઆંટી, મિનાક્ષીઆંટી, અને કવિશ્રી..!!
મને મારા અમેરિકાની કોલેજના દિવસો યાદ આવી જાય આ કવિતા વાંચતા. જ્યારે પપ્પા સાથે ફોન પર કયા વિષયમાં કેટલા માર્કસ આવ્યા અને કયા પ્રોફેસરએ શું કહ્યું એવી બધી વાતો કરતી.. એકબાજુ એકલું તો લાગતું, પણ સાથે ખબર હતી કે પપ્પાની આંગળી પકડીને સુવિધા કોલોનીમાં આંટો મારવા નીકળતી ૩-૪ વર્ષની લાડકીને એક દિવસ આમ એકલી અમેરિકાની કોલેજ સુધી પહોંચેલી જોઇને પપ્પા કેટલું ગૌરવ અનુભવતા હશે. I love you, Pappa…!!
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..
હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?
– મનહર ત્રિવેદી