રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! ( જન્મ – August, 17, 1896 :અવસાન – March 9, 1947 ). અને સાંભળીયે આ સુંદરગીત..!
સાથે આજે તમારા માટે એક કામ લઇને આવી છું. મકરંદ દવે એ ઝવેરચંદ મેઘાણી માટે લખેલું કાવ્ય ‘મેઘાણીને’ – શોધી આપશો?
સ્વર : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
.
મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.
ઇંન્દ્રધનુષ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !
મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.
ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોક :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.
રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધકાર – પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.

