Category Archives: કવિઓ

પતંગિયાએ ઘર કર્યું હતું – મનોજ ખંડેરિયા

આજે માણીએ મનોજ ખંડેરિયાના આ જાદુભર્યા શબ્દો… અને કલ્પકભાઈનું એવું જ મઝાનું સ્વરાંકન..!!

*******

સ્વર અને સ્વરાંકન :- કલ્પક ગાંધી
આલ્બમ :- શાલ્મલિ

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

નથી ગમતું – રુસ્વા મઝલૂમી

કવિ શ્રી રુસ્વા મઝલૂમીને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ખૂમારીથી છલોછલ ગઝલ..!

****

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે? – નીતિન વડગામા

કવિ શ્રી નીતિન વડગામાને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!

(Dream Destination for May 2011 – Half Dome, Yosemite National Park)

*****

પંડને પણ ક્યાં પમાતું હોય છે?
તોય અળગું ક્યાં થવાતું હોય છે?

હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે
રિક્તપાણિ થૈ જવાતું હોય છે!

પગ ભલેને હોય પોલાદી છતાં
એક ડગલું ક્યાં ચલાતું હોય છે?

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
પ્હાડથી તો ક્યાં ઝુકાતું હોય છે?

હાથમાં પાસા નથી તો શું થયું?
જૂગટું મનમાં રમાતું હોય છે!

– નીતિન વડગામા

મારગે મળ્યા’તા શ્યામ – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવેનો કૃષ્ણપ્રેમ આમ તો કોઈથી અજાણ્યો નથી..! એમની અનુભૂતિના કૃષ્ણ વિષે કવિ શું કહે છે – એ તો આ ગીત ‘આ એ જ હશે વૃંદાવન‘ ની પ્રસ્તાવનામાં તમને જણાવ્યું હતું. અને એ પ્રસ્તાવના જે પુસ્તકમાંથી લેવાઈ હતી – ‘મારગે મળ્યા’તા શ્યામ’ – નું શિર્ષકગીત આજે આપણે માણીએ – હિમાલી વ્યાસના મઘ ઝબોળ્યા સ્વરમાં..!

સ્વરાંકન – રસિકલાલ ભોજક
સ્વર – હિમાલી વ્યાસ

(ચિત્ર માટે આભાર – Krishna.Com)

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?

– હરીન્દ્ર દવે

મેંદી તે વાવી માળવે (યુગલગીત) – ઇન્દુલાલ ગાંધી

‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…

આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?

અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)

અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?

સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો

હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ
મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ
મેંદીના રંગમાં છૂપ્યો અનંગ..
તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

– ઇન્દુલાલ ગાંધી

તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

આજે આપણે માણીએ, યામિની વ્યાસનાં નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? ફોટો : વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

 

એક સુખ નીક્ળ્યું કવિતાનું – ભરત વિંઝુડા

શ્વાસ લીધો નહીં હવામાંથી,
હું વિખૂટો પડ્યો બધામાંથી.

બારીએથી મેં વિશ્વ જોયું છે,
ઓસરી જોઈ બારણામાંથી.

કંઈ અકસ્માત જેમ બનવાનું,
કંઈ નહીં થાય શક્યતામાંથી

આભમાંથી પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ઘરામાંથી.

એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી

– ભરત વિંઝુડા

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

.

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

સ્મરણ જો એમનું થાશે – નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.

અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.

– નીતિન વડગામા