મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

– અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

– મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

– રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

– બાલુભાઇ પટેલ

સાંજ….

સ્વર : ભાસ્કર શુક્લા

.

એક તું નથી અહીં તો સાવ ખાલી ખાલી સાંજ,
જીવન સળગતી પ્યાસ ને તુટેલ પ્યાલી સાંજ.

એક એક શ્વાસ તરબતર છે તારી યાદ થી,
જાહોજલાલી આપની ઉજવે સવાલી સાંજ.

કઇ કઇ રીતે દિલ ને દિલાસા દઉ છું, શું કહું?
ખુશ્બુનો તારી પત્ર લઇ આવે ટપાલી સાંજ.

છલછલતી આંખ તાકી તાકી તારી રાહને,
ચૂપચાપ એ ઘુંટાતી હો મહેંદીની લાલી સાંજ.

રાહ – રિતા ભટ્ટ


હું ફોરસ્કવેર સિગરેટ નહોતી
કે
તમારો ખાલીપો ભરવા બળી શકું,
હું
આકાશમાંની નાનકડી વાદળી યે નહોતી
કે
તમને ભીંજવીને સાવ કોરી થઇ શકું.
હું તો બે કાંઠે ભરપૂર-છલોછલ
વહેતી નદી હતી
કે
જેમાં તમને સમાવી હું ખુદને પામી લઉં.
હું
જે ગઇકાલે નહોતી તે આજે ય હું બની શકી નથી
પણ
બે કાંઠે ભરપૂર વહેતી નદી
લાગણીની-પ્રેમની પ્યાસમાં ઝૂરી ઝૂરી
સૂકાઇ ગઇ છે ક્યારની
પણ હા,
હું ફરી વહી શકુ —
ભરપૂર બે કાંઠે તેની રાહ
સૂકાઇ ગયેલી નદીના રેતીના તટથી
થોડે દૂર ઊભેલાં એક વૃક્ષની ડાળીએ
માળો બાંધીને રહેતાં પંખીઓ
આજે ય જુએ છે અનિમેશ નયને.

બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..

raas_leela_PY99_l

.

બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનુ સુનુ લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે..

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ નાચે ….. (?) મન પંખી શોર કરે.
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે..

શ્યામરંગી આંગડીઓ, ભીની ભીની લાગણીઓ, આવાની(?) ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ, પાદરિયે એક મીટ માંડે.
પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી, માધવ તુ શાને રડાવે મારા વ્હાલા રે…

( ગીત સાંભળીને શબ્દો લખ્યાં છે, ભૂલ હોય ત્યાં ધ્યાન દોરશો તો ગમશે. )

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

(મુદા એટલે અવધિ, સમય મર્યાદા ; અવગાહન એટલે એમાં રસતરબોળ થઈ જવું )

(કવિ પરિચય)  

તારે નહીં – હર્ષદ ત્રિવેદી

surfing

કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં!

આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં!

એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં!

કહે ખરાં, તુજ નામની રટણાં નથી અટકી છતાં –
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં!

છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

લ્યો, અમે તો આ ચાલ્યાં. – તુષાર શુક્લ.

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.

.

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

મળી પણ શકે છે – કિરણ ચૌહાણ

મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે 

ગમે ઊર્ધ્વતા તમારા હ્રદયની
અમારુ હ્રદય તોઢળી પણ શકે છે 

અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે 

માણસનાં હૈયા પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે 

અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે 

 

તમારું જ નામ – અઝીઝ ટંકારવી

 

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ ! 

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.

યાદ છે – અહમદ ગુલ

 

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે