હરીન્દ્ર દવેનું પેલું ગીત યાદ છે ? ‘સોળ સજી શણગાર, ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરું લાગી..‘ ( થોડા દિવસોમાં આ ગીત સંગીત સાથે પાછું મુકીશ, મજા આવી જાય એવું ગીત છે.. 🙂 )
એ ગીતના જવાબ જેવું આ ગીત પણ સાંભળવા જેવું છે.. કવિની કલ્પનાઓ અમુક વાર ખરેખર દાદ માંગી લે એવી હોય છે. હવે આ જ ગીતમાં, કવિ પ્રિયતમાને કહે છે કે – વાસીદું કરશે તો છાણવાળા હાથ હવે મહેંદી રંગેલ તને લાગશે…!! જેટલીવાર ગીત સાંભળો એટલીવાર એક મુસ્કાન લઇ આવે એવી છે આ કડી..!!
અને હા.. આ ગીત લીધું છે આલ્બમ ‘યાદોનો દરિયો’માંથી. ટહુકો અને આપણા બધા તરફથી શ્રી અનિલભાઇનો ખૂબ ખૂબ આભાર આ આલ્બમ માટે.
સંગીત : અનિલ ધોળકિયા
સ્વર : અનિલ ધોળકિયા , સોનલ રાવલ
ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !
લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું
ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !
વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે
વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !
ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !
તમને થતું હશે કે આ જયશ્રીએ ઉંઘમાં આ ગીતનું શિર્ષક લખ્યું હશે, એટલે एक लडकीको देखा तो ऐसा लगा…. એને બદલે एक लडकेको देखा तो ऐसा लगा.. – કરી નાખ્યું.
અરે ના દોસ્તો, એવું નથી..!! કબૂલ કે હું કોઇક વાર ટાઇપિંગ ભૂલ કરું છું, પણ આ ગીતમાં એવું નથી કર્યું, ‘1942 A Love Story’ નું પેલું એકદમ જાણીતું ગીત – एक लडकीको देखा तो ऐसा लगा…. પરથી બનેલું આ ‘મેહુલ સુરતી – મુકુલ ચોક્સી’ નામના ખજાનાનું જ એક મોતી છે..!!
एक लडके को देखा तो ऐसा लगा..
जैसे भंवरे का रूप, जैसे सर्दीमें धूप
जैसे रेशमी चट्टान, जैसे प्यारकी उडान
जैसे बांहोमें बाग, जैसे पहेलूमें राग
जैसे सहरा में बरखा का मौसम आ गया
एक…
एक लडके को देखा तो ऐसा लगा..
जैसे महेफिलकी जान, जैसे शायरकी शान
जैसे जंगका एलान, जैसे गुंजती अझान
जैसे मीठा झहर, जैसे सुबहकी लहर
जैसे गोरे बदन पे बरसती काली घटा…
दो लफ्झोकी है दिलकी कहानी,
या है मुहोब्बत, या है जवानी !
एक लडके को देखा तो ऐसा लगा..
जैसे प्यारा सा गांव, जैसे झुल्फोंकी छांव
जैसे सपनों का रंग, जैसे वादियोंका संग
जैसे रातमेँ चिराग, जैसे जंगलमें बाग
जैसे धीरे धीरे फैलता हो ख्वाबका धुंवा…
અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતું અને રમતું કર્યું એવું કહેવાય એમાં કંઇજ અતિશયોક્તિ નથી. વર્ષો સુધી હું જેને ગુજરાતના લોકગીતો સમજતી રહી એ ખરેખર તો અવિનાશ વ્યાસ નામના ખજાનાના મોતીઓ છે.
એવો જ એક મોતી સમો ગરબો આજે લઇને આવી છું…. અવિનાશ વ્યાસની કલમ, ગૌરાંગ વ્યાસનું સંગીત, અને એ સોનામાં સુગંધ ઉમેરતો વિભા દેસાઇનો અવાજ…!! વગર નવરાત્રીએ પણ નાચવાંનું મન થઇ જાય, તો નવરાત્રીના દિવસોમાં આવો ગરબો સાંભળીને પગ ના થરકે અને હૈયું ના ડોલે તો કહેજો..!!
સ્વર : વિભા દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
.
લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી પડે ને ઢોલ બોલે સે…
હે ઢોલ બોલે સે ને કાયા ડોલે સે…
દાંડી…
મોટા મોટા માનવીઓની મહેલાતોની વાત સે,
ભાંગના ભજિયાં માથે કાળી ઘમ્મર રાત સે;
હે જોબનાઇનો મેળો જામ્યો ઝૂમે ઝૂમે જાત સે
અંગે અંગે મદ નીતરતો તન-મનિયાનો ઘાટ સે;
કામ કરો સૌ ભેળા થઇને સાકર દૂધ ઝબોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
– લીલમ…
અતુલની કલ્યાણી શાળામાં દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં વાલીદિન ઉજવાય છે. પણ એની તૈયારીઓ 2-3 મહિના પહેલાથી જ શરૂ થઇ જાય… કારણકે એ દિવસે વિદ્યાર્થીઓ પોતાના રાસ – ગરબા – નાટક વગેરે ક્રુતિઓ સ્ટેજ પર રજુ કરે, અને ઓડિયસ્નમાં મોટેભાગે આખુ અતુલ હોય એમ કહો તો ચાલે. 🙂 જે વિદ્યાર્થીઓએ કોઇ કૃતિમાં ભાગ લીધો હોય, એને કોઇ પણ સમયે practice ના નામે ક્લાસમાંથી ગુટલી મારવાની વણલખી પરવાનગી મળી જતી.
હું જ્યારે primary schoolમાં હતી, ત્યારથી મને High Schoolની છોકરીઓને લઇને જે ગરબો થતો તે જોવાની ઘણી મજા આવતી. મને એ બેનનું નામ યાદ નથી આવતું, ( હા.. અમે ત્યારે મેડમ કે મિસ નહીં પણ બેન શબ્દ વાપરતા ).. પણ એમના ગરબાને હંમેશા સૌથી વધારે ઇનામ મળતા. એમના ગરબા હંમેશા ધીમા રહેતા, અને છોકરીઓ પાસે એવી સરસ રીતે તૈયાર કરાવતા કે મારા જેવા ઓડિયન્સમાં બેઠેલાને પણ એ લોકો સાથે જોડાઇ જવાનું મન થઇ જાય.
મારા નસીબમાં કલ્યાણીની High School માં ભણવાનું નો’તુ લખ્યું, ( 8મા ધોરણની દિવાળી વખતે અમે અતુલ છોડેલું ) એમાં હું એ ગરબામાં ભાગ લેવાની પણ રહી ગઇ 🙁 પણ હા, મેહુલભાઇના સંગીત સાથેનો સોનાલી વાજપાઇ જેવી ગાયિકાના સ્વરમાં આ પ્રસ્તુત ગરબો સાંભળું, તો ખબર નહીં કેમ, પણ એ કલ્યાણી શાળાના વાલીદિનનો સ્ટેજ નજર સામે આવી જ જાય…!!