Category Archives: જયદીપ સ્વાદિયા

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ

ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!

સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ

——————————

Posted on October 16, 2007

રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!

મને ખૂબ જ ગમતું આ બાળગીત, તમને પણ એટલું ગમશે.. !!

સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : મેઘધનુષ (શ્યામલ – સૌમિલ મુનશી)

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…

( આભાર : લયસ્તરો )

Happy Birthday, Rashi..!!

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

Continue reading →

પ્રગટ થયા પ્રભુ… – પ્રેમાનંદ સ્વામી

આજે ચૈત્ર સુદ નોમ – એટલે રામનવમી.. અને સાથે સાથે ભગવાન સ્વામીનારાયણનો પણ જન્મદિવસ.

સ્વર – સંગીત : જયદીપ સ્વાદિયા

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે
ભક્તિ માતા, ધર્મ તાતનું નામ રે
કૌશળ દેશમાં ધર્યો અવતાર રે
નોમ અજવાળી, રૂડો ચૈતર માસ રે

તેડાવો જોષી ને પૂછાવો નામ રે
નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે
મુખડું શોભે અતિ બાલુડે વેશ રે
સુંદર ભુરા માથે નાના શા કેશ રે

હરખે ઝૂલાવે માતા દૂધ-સાકર પાય રે
માતાને મન વ્હેલા કેમ મોટા થાય રે
રડતા રમાડતા પારણીયે પોઢાડે રે
રેશમી દોરી લઇ હીચકાવે રે

પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે
પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાયે રે

– પ્રેમાનંદ સ્વામી

કટ્ટ્મ કટ્ટી કટોકટી… – અવિનાશ વ્યાસ

કાલે લયસ્તરો પર રમેશ પારેખના શબ્દોમાં ઉત્તરાણ માણવાની ખરેખર મઝા આવી…
અને ઉત્તરાણની સાથે તો એેટએટલું યાદ આવે છે કે આખો નિબંધ લખાઇ જાય.. (School ની પરિક્ષામાં લખતી એવો ગોખણપટ્ટીવાળો નહી…!!)

ગયા વર્ષે જ્યારે ગુજરાતનો પતંગ ટહુકો પર ઉડાડ્યો.. ત્યારે એમ હતું કે આવતા વર્ષે આ જ ગીત ફરી સંભળાવવું પડશે. (એ સિવાય કોઇ ગુજરાતી ઉત્તરાણ ગીત મારા ધ્યાનમાં જ નો’તુ.) પણ થોડા દિવસ પહેલા આ ગીત મનગમતો પતંગ ઉડીને અગાશીએ આવે એમ મારા inbox માં આવી પહોંચ્યું. તો તમે પણ પતંગ ચગાવો.. તલના લાડુ ખાઓ.. ઊંધિયું-જલેબીની મઝા લો.. અને સાથે આ ગીત સાંભળો..! દર વર્ષે ધાબા પર હિન્દી ગીતો વાગે છે ને? – આ વખતે થોડા ગુજરાતી ગીતો પણ વગાડજો.. 🙂

સ્વર : જયદીપ સ્વાદિયા

( Photo from Flickr )

* * * * *

.

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..

પટ્ટાદાર…
જાનદાર મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..

કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર…
કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…

કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે

કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,

આ રંગીન જન્મ-મરણની દુનિયાનો
કોઇ ન પામ્યુ પાર
પતંગનો પરિવાર જગતમાં
પતંગનો પરિવાર…

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

હે.. કાપ્યો…!!!!!!!!

લો કરું કોશિશ ને ફાવે તો કહું – રાજેન્દ્ર શુક્લ

ટહુકો પર પહેલા મુકેલી આ ગઝલ, આજે એક નવા સૂર-સંગીત સાથે ફરી એકવાર.. રાજેન્દ્ર શુક્લની આ સદાબહાર ગઝલ ફરી સાંભળવી ગમશે ને?

સ્વર ઃ જયદીપ સ્વાદિયા (Read more about Artist)

.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!