Category Archives: નયનેશ જાની

સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા

આજના આ ગીત માટે ઊર્મિનો ખાસ આભાર… 🙂

velvet_painting_pz99_l-sml.jpg
(…મારામાં સંધાયુ કંઈ!)

સંગીત – સ્વર : નયનેશ જાની

સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયુ કંઈ,
છમછમ છાલક સમ છલકાયો પળમાં ને મારામાં બંધાતુ કંઈ.

શ્વાસો તારાથી ને શ્વાસોથી હું, આ બાંધણીને છોડવી તે કેમ?
તસતસતા કમખામાં ગુંગળાતા હોય કદી વ્યાકુળ ધબકારાની જેમ;
નજરોમાં રોપાતી મોગરા-શી તું અહીં મુજમાં સુગંધાતુ કંઈ.

છલકાતા રણ પર સરોવર લખાય પણ એ રેતકણમાં કૂંપળનું ફૂટવું,
ઓગળતો તારામાં સ્થિર થઈ આજ હવે હું જ મને મારાથી ઝૂટવું;
હૈયું કપૂર સમ ઉડતું રહ્યું ને જૂઓ મારામાં ઘેરાતુ કંઈ.

-ડૉ.નિલેશ રાણા

દરિયા સાથે દોસ્તી મારી – સુરેશ દલાલ

ઘણીવાર કોઇ કવિતા.. કોઇ શેર વાંચીને થાય – અરે! આ તો મારી જ વાત…. પણ આ ગીત માટે તો ૧૦૦% નહી, ૨૦૦% એવું જ થાય… આ એક ગીત સાથે તિથલનો દરિયો. અને બીજું કેટકેટલું એક સાથે યાદ આવી જાય..!

સ્વર – સ્વરાંકન : નયનેશ જાની

દરિયા સાથે દોસ્તી....  Mendocino Coast, CA - Nov 2008

દરિયા સાથે દોસ્તી.... Mendocino Coast, CA - Nov 2008

દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો,
છલાંગ મારતાં ઝરણાં સાથે હું તો ગીતો ગાતો.

લીલાંછમ આ વૃક્ષો વ્હાલાં
પ્હાડો મારા ભેરુ,
વ્હાલું મને લાગે કેવું
નાનું અમથું દેરું.

આંસુઓની પાછળ જઈને કયારેક હું છુપાતો,
દરિયા સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.

ફૂલ ને ઝાકળ, દળ વાદળ
ને હર્યુંભર્યું આ ઘાસ,
મારો સૌની સાથે કેવો
સહજ મળે છે પ્રાસ.

સરોવરના આ હંસ કમળની સાથે કરતો વાતો,
દરિયો સાથે દોસ્તી મારી નદીઓ સાથે નાતો.

– સુરેશ દલાલ

એક સાબરકાંઠાનો શાહુકાર….

સ્વરાંકન – નયનેશ જાની
સ્વર – નિશા ઉપાધ્યાય, નિગમ ઉપાધ્યાય

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણુ વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણુ વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણુ વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણુ વરિયાળી

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

This text will be replaced

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

નામ – અંકિત ત્રિવેદી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

– અંકિત ત્રિવેદી

(આભાર : અમીઝરણું)