Category Archives: ખલિલ ધનતેજવી

ખલિલ ધનતેજવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ખબર પડશે તને - ખલીલ ધનતેજવી
ગઝલ - ખલિલ ધનતેજવી
જિંદગી - ખલિલ ધનતેજવી
મહેફિલ - 1
સાહેબા ! શી રીતે સંતાડું તને - ખલીલ ધનતેજવી

સાહેબા ! શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી

આજની આ ગઝલ – આખેઆખી ઊર્મિની ગાગરમાંથી .. :)

wlart0004z-sml
(મૌનની મસ્તીથી રંજાડું તને…  ફોટો: વેબ પરથી)

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

- ખલીલ ધનતેજવી

 

Share what you loved...

ગઝલ – ખલિલ ધનતેજવી


ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

Share what you loved...

મહેફિલ – 1

આજે એક નાનકડુ સંકલિત…  કોઇ વિષય વગર…  બસ એમ જ, મને ગમેલા થોડા શેર એક સાથે…  ગમશે ને દોસ્તો ?  :)

flickr1.jpg
દિલ મહીં તુજ ધ્યાન વિણ બીજું કશું પણ હોય શું ?
રાધિકાને ક્હાન વિણ બીજું કશું પણ હોય શું ?
- અગમ પાલનપુરી

હેમ છું મિત્રો કસોટી જોઇને વિહવળ નથી
પારખી લેજો મને સો વાર હું પિત્તળ નથી.
- અઝીઝ કાદરી

એટલે કરતો નથી એની દવા
ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
- અઝીઝ ટંકારવી

ભીંત ઉપર મોર ચીતરો તો ભલે
ત્યાં ટહુકા ટાંગવાનું વ્યર્થ છે.

સાવ નિર્મમ ના કહે ‘ગુડ બાય’ તું
ગુજરાતીમાં ‘આવજો’ બોલાય છે.

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા
અહીંયા આંસુ ટિસ્યુથી લૂછાય છે.
- અદમ ટંકારવી

સરનામું બધે મારું હું તો પૂછતો હતો
છોડી ગયા છે લોકો તારા દ્વાર પર મને.

સ્વપ્નમાં પણ જે કદી આવ્યા નહિ
ઉમ્રભર યાદ આવશે નહોતી ખબર !
- અદી મિર્ઝા

ના, નહીં પહોચી શકું તારા સુધી,
ઉંબરો, પરસાળ જેવુ હોય તો…
- અંકિત ત્રિવેદી

ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી !
- અંજુમ ઉઝયાનવી

છે સુગંધોનો ખજાનો ક્યાંક તારા ભીતરે
પુષ્પના વિન્યાસ પાસે ખંડણી ઉઘરાવ મા.

તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો
તને ટીપું નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે.
-અશરફ ડબાવાલા

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયા
છોડી તને વિહગ ! પીંછાં કરગર્યા કરે.
- આશ્લેશ ત્રિવેદી

તારી ભીતર આખો ઝાકળનો દેશ
તડકાના ટુકડા સંઘરવાનું છોડ
- કાજલ ઓઝા

મારા હ્રદયમાં કો’કના પગરવની આસ છે
વાતાવરણમાં એટલે આવો ઉજાસ છે.
- કાસમ પટેલ

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવો ?

હું જ અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી.

પહેલાં જેવો પ્યારનો માણસ નથી
આ જગતમાં ક્યારનો માણસ નથી

તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું
મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું.
- ખલીલ ધનતેજવી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
- જલન માતરી

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
- વિવેક મનહર ટેલર

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
- મનહરલાલ ચોક્સી

 

Share what you loved...

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

 Photo by philipdyer

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

Share what you loved...

જિંદગી – ખલિલ ધનતેજવી

vruksh

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

Share what you loved...