Category Archives: ડો. દિનેશ શાહ

ઓ રેતી બેઠી કેમ અબોલ ? – દિનેશ ઓ. શાહ

આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના ૭૫મા (75th) જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..!  Happy Birthday Dinesh Uncle!  Wishing you great time ahead!

ગીતની શરૂઆત થોડું કુતુહલ કરાવે એવી છે. પહેલી પંક્તિ સાંભળીને એવો વિચાર આવે કે રેતી પરનું આ ગીત કવિ ક્યાં લઇ જશે? અને આગળ ગીત સાંભળો, તો કવિની પહોંચને સલામ કરવાનું મન થઇ આવે – કાચશીશીથી લઇ ને સિલિકોન ચીપમાં રહેલી રેતી – અને જીવનમાં વણાઇ ગયેલી રેતી (જે આપણે મોટેભાગે નજરઅંદાજ કરતા હોઇએ છીએ) એ કવિ બખુબી આપણી સામે લઇ આવે છે.

અને હા, ગયા વર્ષે દિનેશઅંકલના જન્મદિવસે જે ગીત મૂક્યું હતું – એ બળદગાડા વાળું ગીત યાદ છે? એ ગીત સાથે જે pop quiz મૂકી’તી – એના જવાબમાં આવેલી comments વાંચવાની ખૂબ જ મઝા આવી’તી! (એના જવાબ હજુ પણ ત્યાં આપી શકો છો!)

તો આજે બીજી pop quiz .. રેતી સાથેનો બીજો કોઇ સંબંધ યાદ હોય કે ન હોય, પણ રેતીના મહેલ નાનપણમાં ઘણાએ બનાવ્યા હશે, એના કોઇ સ્મરણો અમારી સાથે વહેંચશો? ચલો, શરૂઆત હું જ કરું! અમે અતુલ સુવિધા કોલોનીમાં રહેતા, ત્યારે ઘરની સામે જ મોટ્ટું મેદાન. પહેલો વરસાદ પડે ત્યારે એ મેદાનમાં મન ભરીને નાહવાનું! અને મોટેભાગે જે રેતીના મહેલ દરિયા કિનારે બનાવાતા, એવા રેતીના મહેલ પહેલા વરસાદથી ભીની થયેલી માટી – રેતી માંથી બનાવતા..!!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

YouTube Preview Image

યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..

કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……

જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..

કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ

વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …

– ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)

લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે – દિનેશ ઓ.શાહ

સ્વર : અનુપા પોટા
સ્વર નિયોજન : કર્ણિક શાહ

લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
લાખો કરોડો ઘરમાં….

જ્યાં બાળપણના ખેલો રમવા ફરી મળે છે
જ્યાં નાનપણની મસ્તી જોવા ફરી મળે છે
લાખો કરોડો ઘરમાં….

વરસાદની હેલીમાં કોઈ મસ્ત થઇ ફરે છે
કાગળની હોડી લઈને કોઈ પાણીમાં તરે છે
લાખો કરોડો ઘરમાં….

સાચું છે મારું ધન આ સ્મૃતિઓ મહી રહે છે
હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
લાખો કરોડો ઘરમાં….

– દિનેશ ઓ.શાહ

હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે – દિનેશ ઓ.શાહ

આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..! મને તો ગીતની શરૂઆતનું સંગીત જ ખૂબ ગમી ગયું. કોયલની વાત સાથે સ્વરકારે ટહુકો પણ કેવો મઝાનો પૂર્યો છે આ ગીતમાં..! અને ગીતના શબ્દો પણ એટલા જ મઝાના છે.

બળદ વિનાનું ગાડું... Photo: discoverperiyar.com

સ્વરાંકન અને સ્વર: કર્ણિક શાહ

હે જી મારું બળદ વિનાનું દોડે જુનું ગાડું રે
પ્રભુજી તારી લીલાને હું તો નવ જાણું રે! ….હે જી મારું

ગોળ રોટલો મૂકી તેં ભરી દીધું મુજ ભાણું રે
અમૃત જેવો સ્વાદ તારી થાળીનો હું માણું રે… તારી લીલાને

રુદયે ટહુકે કોયલને આકાશી રંગો લ્હાણું રે
દુનિયાના કોલાહલ વચ્ચે ગાતો તારું ગાણું રે…તારી લીલાને

ખુબ કમાયો ખુબ ગુમાવ્યું શું રે બચ્યું નાં જાણું રે
જીવનની સોનેરી સાંજે તું જ હવે મુજ નાણું રે…તારી લીલાને

સઘળી ચિંતા છોડીને કરતાલ હું વગાડું રે
તારા ભરોસે આગળ હાકું હું બળદ તું બળ મારું રે …તારી લીલાને

દિનેશ ઓ.શાહ, ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ,એસ.એ.

*****

ચલો, આજે એક pop quiz – 🙂 તમારામાંથી બળદગાડામાં કોણ બેઠું છે? હું ઘણી જ નાની હોઇશ ત્યારે કદાચ મમ્મી સાથે બેઠી હોઇશ. પણ મને તો કંઈ યાદ નથી. તમારી પાસે કોઇ સંભારણા છે વહેંચવા માટે?

આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૨મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત…..”આંબે આવ્યા મ્હોર…”

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

– ડો. દિનેશ ઓ. શાહ

(શબ્દો માટે આભાર – ગુજરાતી સાહિત્ય સરિતા)