ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

લયસ્તરો પર આ ગઝલ વાંચી અને તરત જ અહીં લઇ આવી… ડૉ. વિવેક કહે છે એમ – દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં ?
***

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ચાલ રમીએ સહિ – નરસિંહ મહેતા

સ્વર – સોલી કાપડિયા, હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ (?)

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.

– નરસિંહ મહેતા

પ્રેમ અને કવિતા – અખિલ શાહ

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

– અખિલ શાહ

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

કાવ્યાસ્વાદ ૧૦ : સ્તુતિનું અષ્ટક – ન્હાનાલાલ કવિ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

*******

સ્વર : રવિન નાયક અને સાથીઓ
કવિ : ન્હાનાલાલ દલપતરામ કવિ

આમ અધવચ્ચે હું થાકી ના શકું – વિવેક મનહર ટેલર

*

છું સૂરજ પણ રાતને ઊગતી તો દાબી ના શકું,
છો રમત મનગમતી હો, કંઈ રોજ ફાવી ના શકું.

ઈચ્છું છું જે કંઈ હું એ સઘળું તો તું દઈ ના શકે,
હું ય જે ઈચ્છું છું એ સઘળું તો માંગી ના શકું.

લાખ ઈચ્છા થાય તો પણ ચાલતા રહેવું પડે,
શ્વાસ છું તો આમ અધવચ્ચે હું થાકી ના શકું.

ફૂલ ને ખુશ્બુની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.

લાખ ગમતો હો છતાં પણ વાતેવાતે રોજેરોજ
હું ગઝલના શેરને સઘળે તો ટાંકી ના શકું.

આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
જો નથી મારા તો મારી પાસે રાખી ના શકું.

-વિવેક મનહર ટેલર

સપનાં – પન્ના નાયક

સેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે – મિલિંદ ગઢવી

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે ....   Photo : Vivek Tailor
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે …. Photo : Vivek Tailor

ફિલ્મ : પ્રેમજી
ગીત : મિલિંદ ગઢવી
સંગીત : કેદાર – ભાર્ગવ
સ્વર : વ્રતિની ઘાડગે

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…

હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…

કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…

કાવ્યાસ્વાદ ૯ : મંગલ મન્દિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
– નરસિંહરાવ દિવેટિયા