Category Archives: અચલ અંજારિયા

હાથોમાં હાથ લઈ લે – જયશ્રી વિનુ મર્ચન્ટ | અચલ અંજારિયા ~ મ્યુઝિક આલ્બમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૪: ગઝલ
હાથોમાં હાથ લઈ લે
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: અચલ અંજારિયા
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:
હાથોમાં હાથ લઈ લે, રસ્તો કપાઈ જાશે
સાથે હશે જો તું તો, ગીતો ગવાઈ જાશે

છે આ હવાનાં પગલાં, જોઈ શકાય ક્યાંથી?
ખોલે તું દિલની આંખો, તો સંભળાઈ જાશે

પૂછે મને વસંત આ, “રાખીશ શું મને તું?
મારી સુગંધ તુજમાં, આવી સમાઈ જાશે”

કેવટ તું પાર કરજે, છે રામની આ નૈયા
રાજા ને રંકના ભેદો, સૌ ભૂલાઈ જાશે

ફૂલો બની ખીલું છું, પીંછું બની ખરું છું
કોમળ આ મન છે મારું પળમાં ઘવાઈ જાશે!

મનોજ પર્વ ૨૩ : હાથમાં કારોબાર રાખ્યો તેં

કવિ શ્રી મનોજ ખંડેરિયાની ખૂબ જ મઝાની અને જાણીતી ગઝલ – સાંભળીએ અને માણીએ એની રજૂઆત અચલ અંજારિયાના સ્વરમાં. બે વર્ષ પહેલા – માતુદિનના દિવસે ટહુકો ફાઉન્ડેશન તરફથી અમર ગુર્જરી કાર્યક્રમ કર્યો હતો – એમાં અચલભાઇએ કરેલી રજૂઆતનું રેકોર્ડિંગ!

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

(ગાયક સ્વરકાર શ્રી શ્યાલમ મુન્શીના સ્વરમાં રજૂઆત અને કવિ શ્રી મનોજ ખંડેરિયાના પોતાના અવાજમાં આ ગઝલનું પઠન સાંભળવા અહીં ક્લિક કરો – https://tahuko.com/?p=769)

લ્યો આવી ગઈ દિવાળી – અનિલ ચાવડા

સમગ્ર ટહુકો પરિવાર, અને San Francisco Bay Area ના કલાકારો તરફથી એક ખૂબ જ પ્રેમભરી દિવાળીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદ. અને સાથે માણીએ કવિ શ્રી અનિલ ચાવડાનું આ મઝાનું દિવાળી ગીત!

Music : Asim and Madhvi Mehta
Music Arrangement : Asim Mehta
Vocals:
Darshana Bhuta Shukla, Asim Mehta, Madhvi Mehta, Neha Pathak, Sanjiv Pathak, Bela Desai, Hetal Brahmbhatt, Ameesh Oza, Parimal Zaveri, Aanal Anjaria, Achal Anjaria, Palak Vyas, Ashish Vyas, Ratna Munshi
Photography and Videography:Narendra Shukla and Achal Anjaria

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

(આભાર – અનિલચાવડા.કોમ)