મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે. – મુકેશ જોષી

પવન માનતો નથી નહીં તો એની સાથે સરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

પાણીમાં ઓગાળી તડકો પી જાવાનું સહેલ નથી,
સુગંધનો દીવો જ કહે છે મારી પાસે તેલ નથી.
પીળા શ્વાસે લીલાં સ્વપ્નો ઉછેરવાં કૈં ખેલ નથી,
ધગ ધગ સૂરજ સામે હો ને એક જ શ્વાસે ઠરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

મળે ધરાનો ખોળો અંતે શું મોટી મિરાત નથી?
મરણ પછી પણ હૂંફ મળે એ નાનીસૂની વાત નથી.
ઝળહળ પાંખે ઊડી જવાનું એ બાજુ, જ્યાં રાત નથી.
જીવન જેણે આપ્યું એનાં દર્શન કાજે ફરી જવું છે,
સાચું કહું તો મારે મારી ડાળ ઉપરથી ખરી જવું છે.

– મુકેશ જોષી

ગઝલની સુગંધ – આદિલ મન્સૂરી

ગઝલની સુગંધ

શબ્દોનાં સર્વે બારણાં અંદરથી બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

ઉપવન સુધી જવાના જો રસ્તાઓ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાના ઊંડે ઊંડે સકલ શ્વાસ બંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કાળું ડિબાંગ મૌન ખરેખર તો અંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

વીતી જવાય ક્ષણ બની એવો પ્રબંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

સુકાયેલી વસંતની પર્ણોમાં ગંધ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

કવિતાની બાબતે તો બીજી પણ પસંદ હોય
ચારે તરફ છતાંય ગઝલની સુગંધ હોય

– આદિલ મન્સૂરી

સંકલન – ‘ગઝલ નામેગઝલ’ – રમેશ પુરોહિત

मधुशाला 6 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 6

मदिरालय जाने को घर से चलता है पीनेवाला,
‘किस पथ से जाऊँ’ असमंजस में है वह भोलाभाला;
अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूँ.
‘राह पकड़ तू एक चला चल’, पा जाएगा मधुशाला।

डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 6

મદિરાલય જાવાને ઘરથી નીકળે છે પીવાવાળા,
કિયે મારગે જાવું એની અવઢવમાં ભોળાભાળા;
અલગઅલગ પથ દેખાડે સૌ પણ હું એક જ વાત કહું
‘એક જ મારગ પકડ ગતિ કર’, મળી જવાની મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

હવા પર લખી શકાય – શોભિત દેસાઈ

દ્વારે ત્વચાના તાર ઉતારીને આવજો !
ભીતરના સર્વ ભાર ઉતારીને આવજો !

વિચાર-નિર્વિચાર ઉતારીને આવજો !
ઇચ્છાઓ પેલે પાર ઉતારીને આવજો,

મનગમતા ઘાવ મૌન અહીં ધરશે આપને !
શબ્દોની સારવાર ઉતારીને આવજો.

તૈયારી રાખજો કે સમયથી થવાય પર
શું રાત…શું સવાર…ઉતારીને આવજો

વાતાવરણ પ્રશાંત છે, રંગોવિહીન છે,
કાચીંડા! કારોબાર ઉતારીને આવજો

આશ્ચર્યો અવનવાં છે, નવું થાય છે શરૂ
આખા જીવનનો સાર ઉતારીને આવજો !

આસક્તિ, મોહ, લાગણી, ખેંચાણ, આશરો
વરવા બધા વિકાર ઉતારીને આવજો !

જ્યાં પહેલું ડગ ભર્યું કે રચાશે અનન્ય યોગ,
મંઝિલ બધી ઉધાર ઉતારીને આવજો !

એવું ઊડો કે નામ હવા પર લખી શકાય,
આવાસના ખુમાર ઉતારીને આવજો !

– શોભિત દેસાઈ

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા… – અનિલ ચાવડા

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…

વાદળમાંથી વર્ષા વર્ષામાંથી ઝરણું ઝરણાંમાંથી?
સરિતા વત્તા દરિયો વત્તા વરાળ વત્તા વાદળ વત્તા…

વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…

પત્રો વત્તા પ્રેમી વત્તા સમાજ વત્તા રિવાજ વત્તા,
મળવું છૂટ્ટા પડવું વત્તા આંખોમાંથી ખળખળ વત્તા…

રસ્તા વત્તા ખાડા વત્તા પગ છે સૌના આડા વત્તા.
જીવન વત્તા સ્પર્ધા વત્તા થાવું આગળ-પાછળ વત્તા…
– અનિલ ચાવડા

લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

તારે નામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ,
લે, તારે નામ કરી દઉં!
એક અજાણ્યા શહેરમાં તું જશે, તો,
તો લે, મારી પોતીકી પરખનું આખુંયે જગત
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, આ આકાશ સાથે
જેની નીચે વિતાવ્યાં વર્ષોનાં વર્ષો સંગાથે,
લઈ જા, આ જમીન, આ રસ્તા, આ નદી ને આ દરિયો!
જેની સાક્ષીએ, કેટકેટલા મઘમઘતા મોગરા મૈત્રીના મ્હોર્યા,
તો લે, વિતેલી અને આવનારી મોસમોની મહેક તારે નામ કરી દઉં
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

લઈ જા, મારા શ્વાસોનો પ્રાણવાયુ
એ અજાણ્યા શહેરની હવામાં,
લઈ જા, રેશમની દોરીથી ગૂંથાયેલા
સંબંધોનાં મુલાયમ પોત,
લઈ જા, અહીં ગુજારેલા
સઘળા સમયની ક્ષણો સમેટીને પાલવમાં
તો લે, મારા પાલવનો તા૨-તા૨
બસ, હવે તારે નામ કરી દઉં!
આ ચંદ્ર, વૃક્ષ, તારા, વાદળ
તારે નામ કરી દઉં.

– જયશ્રી વિનુ મર્ચન્ટ

નથી દેતી – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કવિની આ કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !

કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી

અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી

જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ના થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,
હૃદય વાગતું કે મંજીરાં કૃષ્ણ બધુય જાણે છે.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થયો ખંડેર હશે,
ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.
હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું સેકાયું નહીં
મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.
પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુય જાણે છે.

પીંજારાના નામે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું.
ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું
કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

– મુકેશ જોષી

मधुशाला 5 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 5

मधुर भावनाओं की सुमधुर नित्य बनाता हूँ हाला,
भरता हूँ इस मधु से अपने अंतर का प्यासा प्याला;
उठा कल्पना के हाथों से स्वयं उसे पी जाता हूँ;
अपने ही में हूँ मैं साकी, पीनेवाला मधुशाला |

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 5

મધુર ભાવનાઓની સુમધુર રોજ બનાવું છું મદિરા,
જે મદિરાથી ભરતો મારા અંતરના તરસ્યા પ્યાલા;
હાથ કલ્પના વડે ઉપાડી ખુદ એને પી જાઉં છું;
હું પોતે પીનારો, સાકી, ને હું પોતે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી