Category Archives: દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.

વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,
ઝાડ જેવી આપણી મીરાંત હોવી જોઈએ.

આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.

શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.

જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.

મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

સુખની પરિભાષાઓ બદલી જોઈએ. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

નથી દેતી – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

કવિની આ કૃતિ, જે જિંદગીના વિવિધ રંગોને વ્યક્ત કરે છે. આજકાલ આપણું જીવન એવું થઈ ગયું છે કે હસવાના સમયે હસી નથી શકાતું અને છલોછલ થવાની પળ આવે ત્યારે અશ્રુભીના થઈ નથી શકાતું. ઝાંઝવાના જળ જેવા સુખો પાછળ દોડવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે.. અને જોતજોતાંમાં અધૂરા શ્વાસોને રોકી સ્મશાનમાં સૂવાનો દિવસ આવી જાય છે. દોસ્તો ! કેવી અજબ છે આ જિંદગી !

કદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી
ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી

અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી
હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ
ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી
ઝરણની દોસ્તી એને ફકત વ્હેવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી
કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

મળી એવી ખુશી વેરાનમાં કે ગુલશનો દાઝે
અમીરી આંખની મારી જરા ચૂવા નથી દેતી

જરા રોકી લો આજે જિંદગીભરના અધૂરા શ્વાસ
ધરાની આ બિછાતો એમ તો સૂવા નથી દેતી

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’