ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ

લાપરવા – મકરંદ દવે

કોક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિન્દગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર
કોઈ ચીજ તણી નહીં જિન્દગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રુદે હસે રંગ નહીં દૂજા
કો’ક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી,
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિન્દગીનાં મોજાં
આવો તમે ઈદ અને આવો તમે રોજા. 
– મકરંદ દવે

હું એક અનામી નદી – સુરેશ દલાલ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ
આલબમ : હસ્તાક્ષર

.

હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.
– સુરેશ દલાલ

ટપકે છે લોહી આંખથી – અમૃત ઘાયલ

શાયર અમૃત ઘાયલ:
જન્મ: 19/8:
કોઈકે કહેલું કે રાંધણ છઠ તે ઘાયલસાહેબનો જન્મદિવસ।.
તારીખ પ્રમાણે 19/8. ગઝલમાં તળપદા ગુજરાતી શબ્દો લઇ આવનાર ને મુશાયરા ગજવનાર શાયર તે ઘાયલસાહેબ। એમણે ને કવિ મકરન્દ દવેએ સંપાદિત કરેલું ગઝલનું પુસ્તક-‘છીપનો ચહેરો ગઝલ’તે મારૂં પ્રિય પુસ્તક છે ને એની પાસે વારંવાર પહોંચું છું, અટકું છું.
આજે એમની આ ગઝલ માણો.
દરેક શેરમાં તુલના છે એમ લાગે।
કાવ્યો અને કહાણી, લોહી અને પાણી,મૌન અને વાણી, ઉદાસી અને ઉજાણી, દાસી અને રાણીમાં તુલના horizontal છે. આ તુલના vertically પણ વિચારી શકાય?તો આમ બને-
કાવ્યો – કહાણી
લોહી – પાણી
મૌન – વાણી
ઉદાસી – ઉજાણી
દાસી – રાણી
મારૂં પ્રિય સ્વરનિયોજન ઓસમાણ મીરે અદભુત ગાયું છે.
– અમર ભટ્ટ

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઓસમાણ મીર
આલબમ: સ્વરાભિષેક:4

.

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં
-અમૃત ઘાયલ

તો હું માનું શું? – મકરંદ દવે

એટલે આજે કહો, બસ એટલું જ કહો જરા
કે અરે મકરન્દ, જા, તું માગ તે મંજૂર છે;
તો હું માંગુ શું તમે કલ્પી શકો છો હેં ભલા !
આંખ મારી જોઈને જે કલ્પના–ઘેઘુર છે !
તાગ ના પામી શકો હો! લેશ ના ફાવી શકો
મેં અજાણ્યા સ્વપ્નની છાયા તહી ભરપૂર છે.

પણ કહું છું વાત હું આજે તમે એવું કહો
માગ તે મળશે અને ફળશે, ન કાંઈ દૂર છે
તો પછી, હા, તો પછી આ માંયલું મન ઊઠશે
પાડતું તાળી હસીને કે હવે ચકચૂર છે
આંખ ને હૈયું મળી મોંઘા મનોરથ માણવા
સાંભળો, કેવું ખરેખર કાળજું આતુર છે !

એક હો પટ વિસ્તર્યો સામે અફાટ અને પગે
ચાલતાં કેડી મહીં જ્યાં ફૂટતા અંકુર છે
હાથ લાઠી, કામળી ખમ્ભ અને કંઠે કડી
ગીતની એકાદ ના બીજી કંઈ જ જરૂર છે
ગીત કોને ? પ્રેમપાગલ સાદ પાડી જાઉં છું
કો’ અનામી કુંજમાં જ્યાં નિત્ય બંસી–સૂર છે
‘એ અલ્યા મકરન્દ’, બોલે આખરે કોઈ હસી
‘આવ, જો જેને જપે તે હાજરાહજૂર છે !’
 – મકરંદ દવે

ડાળ તૂટીને – વિનોદ જોશી

મારાં ઘરે ગુજરાતી સુગમ સંગીતની કેસેટ હતી જેમાં મેં આ ગીત સાંભળેલું છે,મને યાદ છે ત્યાં સુધી આરતી મુન્શી નો અવાજ છે અને શ્યામલ સૌમિલનું સ્વરાંકન છે.મને આ ગીત ખુબ ગમે છે,એમાં કેટલી સુંદર સંવેદના ઝીલાઈ છે.એ સ્વરાંકન તો જયારે મળશે ત્યારે મૂકીશ પણ કવિના અવાજમાં એનું પઠન પણ એટલું જ સુંદર લાગે છે,જે અહીં મુકું છું.

પઠન:વિનોદ જોશી

.

ડાળ તૂટી ને ઝાડ એક રોયું
પછી કૂંપળ ફૂટી ને પછી પાંદડું થયું ને પછી
પાંદડે હસીને એને જોયું…

જોત રે જોતામાં ઝીણો છાંયડો ખર્યો ને
એણે માંડી કલરવની ભીની વાતું,
પરબારું પાલખીમાં હોંકારા દઈને આભ
અડખેપડખેથી સરી જાતું,

ઘડી તડકાને ઓઢી ઘડી પડછાયે પોઢી પછી
ખળખળતું ભાન એણે ખોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…

એકલી હવા ને જરા ઊભી રાખીને એનું
સરનામું ખાનગીમાં પૂછ્યું,
શરમાતું એક પાંદ પડખું ફર્યું ને એણે
ઝાકળનાં ઝૂમખાંને લૂછ્યું.

જરી ભણકારા વીંટયા જરી પગરવને લીંપ્યા પછી
ટહુકે ટહુકેથી એને ટોયું
ડાળ તૂટી ને ઝાડ એક રોયું…
-વિનોદ જોશી

હવે આ મળવાનું! – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન : જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

.

અમસ્તુંયે હવે ક્યાં થાય મળવાનું ?
સમયની ધારથી વ્હેરાય મળવાનું

ભલે સામે જ હો, પણ ના મળે નજરો
છતાં આને જ તો કહેવાય મળવાનું!

તું ઝાલી હાથ મારો ચાલ પળ બે પળ
ભલે ને બે’ક પળ જીવાય મળવાનું

કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !

અમે તો રાહ જોઈ શ્વાસ આખર લગ
હજી પણ ‘ભગ્ન’ જો હિજરાય મળવાનું!
-જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

સ્વતંત્રતા, દે વરદાન આટલું – ઉમાશંકર જોશી

15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ

પઠન:અમર ભટ્ટ

.

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી

મેં એક અચંબો દીઠો – સુન્દરમ

જન્માષ્ટમી:
કૃષ્ણમય થવાના દિવસે કવિ સુંદરમ્ નું એક ગીત માણો.

સુન્દરમે એક પદમાં ગાયું છે-
‘ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં
રો રો કર મોરી થક ગઈ મતિયાં’
અહીં કવિને ઘર ઘર કૃષ્ણ કનૈયો જોવા મળે છે. એ માટે મુગ્ધ નરસૈંયો બનવું પડે.
સ્વરાંકનમાં બીજી પંક્તિ પ્રથમ સ્વરબદ્ધ થઇ-
‘હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યો મુગ્ધ નરસૈંયો’-
વૈષ્ણવજનના ઢાળનો સહજ સંદર્ભ લઈને મુગ્ધતાથી તદ્રુપ થયાનો ભાવ તાર સપ્તકના શુદ્ધ ગંધાર (ગ) પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ ને અંતરાનું સ્વરનિયોજન થયું. કવિની તલ્લીનતાનું ગીત, કવિના અચરજના ઐશ્વર્યનું ગીત માણો.

કવિ: સુંદરમ્
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ:શબ્દનો સ્વરાભિષેક:4

.

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા ,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા ,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા
-સુન્દરમ

નિરધાર – મકરંદ દવે

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી;
સંકટો, દુ:ખો, પધારો સ્વાગતમ!
લેશ પણ આ માર્ગથી ચસવું નથી.

જૂઠની જીતે ચણેલા માંડવે
પ્રાણ મારા લાલચે રમવું નથી;
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી.

મર્દની મોકાણમાં જાવું ભલે
કાયરોની જાનમાં ચડવું નથી,
મોતની મુસકાન મીઠી માણશું
જિંદગીમાં જીવવા રડવું નથી.

પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, “ના, હવે ડરવું નથી’.
જંપ ક્યાં છે? ચેન ક્યાં છે? દંભનાં
દંગલો તોડ્યા વિના ઠરવું નથી ;
સાચને પડખે પરાજય હો ભલે
તે છતાં પાછું હવે ફરવું નથી.
 – મકરંદ દવે