વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

– મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

– જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

– ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

– એસ. એસ. રાહી

અંતરપટ – જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ,
પટ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયરો વિપરીત… અરેરે !

તું મારાં હું તારાં ઝીલું,
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે !

આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ,
ઝાકળઝીણું ચીર… અરેરે !

एक ही ख्वाब कइ बार देखा है मेंने… – गुलज़ार

‘કિનારા’ ની કેસેટ પહેલી વાર સાંભળી, ત્યારે જ આ ગીત સૌથી પહેલી વાર સાંભળ્યું. અને ત્યારે તો વગર દિવાળીએ બોનસ મળ્યાની લાગણી થયેલી. કારણકે ‘આંઘી’ અને ‘કિનારા’ની એ કેસેટ લીઘી હતી ‘તેરે બીના ઝિંદેગીસે…, તુમ આ ગયે હો…, નામ ગુમ જાયેગા…, ઇસ મોડસે જાતે હૈ.. વગેરે ગીતો સાંભળવા માટે.

ભુપિન્દર અને હેમા માલિનીના અવાજમાં આ ખરેખર ગીત છે કે વાતચીત, એવો સવાલ થાય.. અને ખરેખર થોડી વાર માં સાંભળવા પણ મળે.. ‘ચિઠ્ઠી હૈ યા કવિતા ? ‘

આમ તો આમાં કઇ ઘણી લાગણીસભર વાતો નથી, જે સામાન્ય રીતે આવા ઘીમા ગીતોમાં હોય છે. પરંતુ આ ગીતની છેલ્લી કડી, ‘જબ તુમ્હારા યે ખ્બાવ દેખા થા…’ એક સાથે ઘણું બધું કહી જાય છે.

(ek hi khwab kai baar dekha hai maine
tune saari main uras lee hai chabiyan ghar ki) – 2
aur chali aayi hai
bus yoon hi mera haath pakad kar
ek hi khwab kai baar dekha hai maine… Continue reading →

એક પ્રણયગીત

આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે,
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

સ્મરણની આ કેવી બલિહારી
જળ છલકછલક છલકે,
અલકમલકની અઢળક માયા
મંદ સુગંઘ મલકે.

સમંદરનાં જળ વાદળ થઇને ઝરમર ઝરમર ઝરે
આંખ સામે એક ચહેરો તારો: તરે અને તરવરે.

ચહેરો તારો સૂરજ જેવો
મહેક મોગરા જેવી,
રાતરાણીની સુગંધ હવામાં
રહે ઘૂંટાઇ એવી.

રાધા-શ્યામ તો એકમેકને આંસુ નિજનાં ધરે
કોઇ પનિહારી ઘડુલો એનો ખાલી કરે ને ભરે.

પહાડો નો સાદ – Call of the Valley

વાદ્યસંગીતનો મારો શોખ મને ભાઇ તરફથી મળ્યો છે (બીજા ઘણા શોખની જેમ જ તો.. ). આમ તો ભાઇ પાસે સારો સંગ્રહ હતો, પણ એમના જન્મદિવસે એક વાર એમને આ Call of the Valley આપી હતી. શિવકુમાર શર્મા, હરીપ્રસાદ ચૌરસિયા, અને બ્રિજભૂષણ કાબરા જેવા દિગ્ગજો એક સાથે હોય, એટલે વાદ્યસંગીતના કોઇ પણ શોખીનને તરત ગમી જાય એવું સરસ આલ્બમ બને જ.

આ જે ટ્રેક અહીં મૂક્યો છે, એમાં સંતુર, તબલા અને વાંસળી એક સાથે સાંભળવાની ખરેખર મઝા આવે એવું છે. એક્દમ ધીમેથી, અને ફક્ત સિતાર(?) સાથે ચાલુ થતો આ ટ્રેક શરૂઆતમાં કદાચ બોરિંગ લાગે… પણ પછી જમણી બાજુ વાંસળી સંભળાય, અને જાણે સામે બેસીને પંડિત શિવકુમાર સંતુર વગાડે છે.

અને લગભગ અડધે પહોંચીને એવો તો સરસ વાંસળીનો અવાજ ગુંજે કે કાનુડાની વાંસળી યાદ આવી જાય.. જમણી બાજુ સંતુર, ડાબી બાજુ સિતાર, અને સામેથી તબલા અને વાંસળી… એક જ સુર પેલ્લા અલગ અલગ વાદ્ય પર સંભળાય, અને પછી બધા એક સાથે… વાહ.. લાજવાબ.

ગઝલ – હરિશચન્દ્ર જોશી

નાટકનો અંત છે હવે ક્ષણમાં જ મંચ પર
પડશે ત્યાં શ્વેત પટ પછી સઘળા ય રંગ પર

જીવનના સાર રૂપ જે પામે તે વહેંચતા
ફૂલોએ નામ કયાં લખ્યાં છે કોઇ ગંધ પર

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

બેસીને પાંખ પર સતત એ વ્યાપતું રહે
જાણે કે નભ નભી રહ્યું કોઇ વિહંગ પર

સંકેલી લે હરીશ, ચરણ, માર્ગ, શ્વાસ પણ
છેલ્લો પ્રવાસ થાય બીજાના જ સ્કંધ પર.

——-

મને આ પંક્તિઓનો અર્થ ના સમજાયો. મદદ કરશો ??

પેસે ને જાય પાર તો પામે પ્રકાશને
અટકે છે મન ફરી ફરી આદિમ રંધ્ર પર

Welcome

Welcome to Jayshree Bhakta’s Morpichchha.

હું જયશ્રી હીરાભાઇ ભક્ત. મારા ‘મોરપિચ્છ’ પર આપનું સ્વાગત કરું છું. ફક્ત શોખને લીધે શરુ કરેલો આ બ્લોગ હવે મારા માટે વ્યસન બની ગયો છે. મોટે ભાગે તો કવિતા, ગીત, ગઝલ મુકુ છું, પણ એ સિવાયની વાતો પણ ઘણી વાર કરી લઉં છું.

બ્લોગ વિષે તમારા અભિપ્રાય અને સુચનો આપતા રહેશો તો મને ઘણો આનંદ થશે.

આ સાથે મારા ‘ટહુકા’ ની પણ મુલાકાત લેશો. કોશિશ કરું છું કે બે અલગ અલગ બ્લોગને બદલે એક જ બ્લોગના બે હિસ્સા તરીકે મોરપિચ્છ અને ટહુકો રજુ થાય.

ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : મનહર ઉધાસ

.

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

( કવિ પરિચય )

સાંજ – પુષ્પા મહેતા (પારેખ)

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે

રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે

છુંદણાંમાં કોણ પીડા આપતું
એ વિચારે દર્દ ભાગી જાય છે

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં
રોમ સૌ ધરતીના જાગી જાય છે

હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે

રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે

ઊગે છે – કૃષ્ણ દવે

કોઇ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે,
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે!

કોઇ માળામાં નાનકડું ગાન ઊગે છે,
મને લાગે કે જંગલને કાન ઊગે છે!

મેં તો માન્યું જે મારું ખોવાઇ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઇ ગયું રે,
કોઇ હમણાં આવીને જરા ગાઇ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઇ ગયું રે,

કોઇ ધરતીનું લીલુંછમ ધ્યાન ઊગે છે,
મને લાગે મોંધેરા મહેમાન ઊગે છે!

મેં તો ટોચે જઇ દરવાજા ખોલી જોયા,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
મારા હોઠે હરખાઇ એને ગીતો ગણ્યાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,

પછી પથ્થરમાં ખળખળ તોફાન ઊગે છે,
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે!