હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો
આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ
– મુકબિલ કુરેશી
—–
જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે
– જયંત શેઠ
—–
ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?
હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે
– ઓજસ પાલનપુરી
—–
મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું
શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?
– એસ. એસ. રાહી