કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

– જયશ્રી

પ્રભુ, દેજો – સુન્દરમ

પ્રભુ, મારી અંધારી રાત્યું ને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરંતીને દેજો એનાં આભ જી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી.

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એના દૂધ જી.

આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.

કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો.

સાથીયા પુરાવો દ્વારે ……

સ્વર : ? કવિ : ? સંગીતકાર : ?
ફિલ્મ : મેના ગુર્જરી

Rangoli1

.

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave

હરિવરને કાગળ લખીએ રે… – ભગવતીકુમાર શર્મા

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

shiva_parvati_PH40_l

.

હરિવરને કાગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર

કંઇ ભીની ઝળહળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત

કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ

શું હાવાં આગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

( કવિ પરિચય )

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ


– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

( કવિ પરિચય )

ટહુકો – હેમંત ચૌહાણ

આવતા શનીવારથી તો નવરાત્રી શરુ થાય છે. ગુજરાતમાં તો ઘણા સમયથી માહોલ સર્જાવાનું શરૂ થઇ ગયું હશે. નોન-સ્ટોપ ગરબાની નવી કેસેટ ( અને હવે તો સીડી ) બજારમાં આવી જાય, જ્યાં જુઓ ત્યાં નવરાત્રી માટેના કપડા અને ઘરેણા… મેદાનોમાં સ્ટેજ બંધાવાના શરૂ જાય..

આમ તો ઘ્યાન હતું કે નવરાત્રી આવે છે, પણ કાલે એક મિત્ર સાથે વાત કરી ત્યારે ખબર પડી, કે અરે… આ નવરાત્રી તો આવતા શનીવારથી જ છે. અમેરિકામાં પણ નવરાત્રી તો થાય જ છે, અને ગયા વર્ષે સેન ફ્રાંસિસ્કોની નવરાત્રી માણી પણ હતી, પરંતુ.. ફરક ખબર પડી જાય છે. અતુલ કોલીનીની ગણેશ ચતુર્થીની વાત કરી હતી ને, એમ જ એક દિવસ ત્યાંની નવરાત્રીની પણ વાત કરીશ.

આજે તો નવરાત્રી શરૂ થવાની તૈયારી રૂપે થોડા ગરબા સાંભળીયે.

સ્વર : હેમંત ચૌહાણ

The audio file has been removed from this page. Please visit SoorMandir.Net to purchase this and many more albums from Soor Mandir.

સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા… – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.

zarna bani ne

.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા