વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

– મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

– જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

– ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

– એસ. એસ. રાહી

8 replies on “વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…”

  1. વ્યથા,વેદના,દર્દ, જીવનમાં ભરી ઉદાસી, કવિતા માં જગાડેલ દિલમાં ઉમદા પ્રેમ પામવા સુધી ની શરતનો સ્વીકાર કરવામાં કંઈ મુશ્કેલી નથી.
    આવું જીવનમાં ન બને કે ન બીજાને બનાવીએ એ હકીકત શીખવાડી જાય છે આ કવિતાઓ.
    ……. જી.એસ. વાળા…અમરેલી..

  2. હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
    ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
    અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
    સમજદારીપૂર્વકની દિવાનગી છે

    Thanku… for Palanpuriji

  3. સુંદર સંકલન -આભાર .

    કચ્છ ભુકંપ વખતે લખાયેલે કવિતા યાદ આવી ગઈ.

    ચાલ ફરી આ ઉપવન ,મહેકાવવાની, વાત કર,
    ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર,
    અશ્રુઓના ધોધને શું થયું પૂછો નહીં,
    નિ;સહાય આંખ પર બંધ ધરવાની વાત કર.
    જડ થયેલા હૈયાની, જડતા સમાવવા આજ,
    લાગણીથી ફરી ચેતન અવતારવાની વાત કર ..

    જય ગુર્જરી,

    ચેતન ફ્રેમવાલા

  4. ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
    તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
    મને ઉંબરે એકલો છોડી દઈને,
    હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
    -ભગવતીકુમાર શર્મા

    બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
    કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
    લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
    જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
    -વિવેક

  5. વ્યથા, વ્યથા, ઓ વ્યથા !
    કરું હું તારી કેટલી કથા?
    તું અમાપ, તું અનંતમયી,
    જાણે તું એક જીવનપ્રથા !

  6. હે, વ્યથા! હે, વ્યથા! કૂમળા કંઇ કાળજાને કોરતી કાળી વ્યથા!
    ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું સ્મિતથી સભર?
    ક્યાંક ઊની આહ થઇને, નીતરી જાજે તું ના.
    – શેખાદમ આબુવાલા
    હૈ સબસે મધુર વો ગીત, જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ.
    જબ હદસે ગુજર જાતી હૈ ખુશી, આંસુ ભી નીકલતે આતે હૈ.

  7. બધી જ રચનાઓ સરસ છે.

    “જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે” વધુ ગમી.

    આ બધી બાબતો સાચી પણ છે આપણે અનુભવીએ અને સમજીએ પણ છે. પણ, આ જિંદગી માં જો તમે નિરાશાને ત્યજીને પોઝીટીવ વિચારસરણી રાખીને આગળ વધવાનો પ્રય્તન કરશો તો તમને આ બધી “નિરાશાવાદી વિચારો” પાંગળા ના બનાવશે.

    દિલની લાગણી, વ્ય્થા વ્યકત કરતી સુંદર રચનાઓ અમ સમક્ષ પ્રસ્તુત કરવા બદલ જ્યશ્રી નો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *