Category Archives: ચતુર પટેલ

સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.