સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

11 replies on “સાનિધ્ય – ચતુર પટેલ”

  1. આ ગઝલ નથી, ગીત પણ નથી, પઘ્ય સાહિત્ય નો એક પ્રકાર છે, છંદ વગર ની રચના “અછાંદસ” જેમા છંદ કે લય ના હોય છતા તે કાવ્ય હોય, તે આ છે.

  2. દિલ નિ ગહેરાઈ મા થિ નિકળેલિ અને દિલ મા સિધિ ઉતરતિ ગઝલ.. એક સાચા પ્રેમિ નિ નિસ્વર્થ ભવના..

  3. ખુબ સરળ શબ્દો માં સ્વમાન, સંઘર્ષ, હાર, જીત, પ્રેમ, બધુ વ્યક્ત કરી દીધુ,

  4. આનાથી સાવ વિરુધ્ધ ભાવનો પણ મને બહુ જ ગમતો અને સરસ સંદેશો આપતો શ્લોક યાદ આવી ગયો.

    તૃણાનિ નોન્મૂલયતિ પ્રભન્જનો
    મૃદૂનિ નીચૈઃ પ્રણતાનિ સર્વશઃ
    સમુચ્છ્રિતાન્ એવ તરુન્ પ્રબાધતે
    મહાન્ મહત્સ્ત્વેવ કરોતિ વિક્રમમ્

    ‘ નીચે નમી ગયેલાં મૃદુ તરણાંને ઝંઝાવાત કશી અસર કરતો નથી. તે માત્ર ઉત્તુંગ ઊભેલા વૃક્ષોને જ પાડી નાંખે છે. મહાન હોય તે મહાનની સાથે જ બાથ ભીડે છે.”

    મને તૃણ જેવા થઇ, ઠાલું અસ્તિત્વ ટકાવી રાખવા કરતાં ઉત્તુંગ વૃક્ષ થવાનો આ સંદેશ વધારે ગમ્યો.
    શરણાગતિ સ્વીકારવી તે સારી વાત છે, પણ તે ફળની અપેક્ષા ન રાખવા પૂરતી મર્યાદિત હોવી જોઇએ.
    પરાક્રમ કરવાથી આપણને રોકે તેવી શરણાગતિ કદી સ્વીકાર્ય ન હોવી ઘટે. અને ઘટે તો તૃણ જેવા થઇને ગુલામ વત્ રહેવાની તૈયારી રાખવી જોઇએ !

  5. એકવાર ઝંઝાવાતમાં
    સપડાયા પછી –
    તૂટવું, ફૂટવું, ઢસડાવું
    એ તો મારી નિયતિ છે !
    મેં કયાં
    કશીય રાવ કરી છે
    તને કે ઇશ્વરને !

    એકદમ સરળ શબ્દોમાં અંતરને અડી જતી એક ખૂબ જ સુંદર અભિવ્યક્તિ… સુંદર કવિતા!

  6. “એકવાર સાનિધ્ય સ્વીકાર્યા પછી તું હોય કે ઇશ્વર શું ફરક પડે છે મને !”
    “કિનારાના અસ્તિત્વનો સ્વીકાર કરવો કે નહીં એ તો નદીનો પ્રશ્ન છે”

    એક અતિ સરસ રચના. અભિનંદન શ્રી ચતુર પટેલ ને.

  7. સુંદર કવિતા… સરળ ભાષામાં વહી આવતા શબ્દો દિલને વધુ નજીકથી અડી જતા હોય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *