ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે

ગુરુજીના નામની માળા – હરિહરાનંદ

સદાય ભવાની સહાય કરો, ને સન્મુખ વસો ગણેશ
પંચ દેવ મળીને રક્ષા કરો, હો.. ગુરુ બહ્મા વિષ્ણુ મહેશ

ગુરુ ગોવિંદ દોનો ખડે, ને કિસકો લાગુ પાય..
બલીહારી ગુરુ આપની, જિન્હે ગોવિંદ દિયો બતાય..

સ્વર : ચેતન ગઢવી

kabir

.

ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો… માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા

 

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા

હોલિવુડની ફિલ્મમાં સંભળાશે ગુજરાતી ગરબો.. !!

ગુજરાતી ગરબા અને તેમાં ગવાતા ગીતોની લોકપ્રિયતા હવે ભારતીય સિમાડાને ઓળંગી ગઈ છે. ઘણી હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ગરબાનો ઉપયોગ થોડા ઘણા અંશે થતો આવ્યો છે.પરંતુ હવે હોલિવુડની ફિલ્મમાં પણ ગુજરાતી ગરબો સાંભળવા મળશે. હોલિવુડની ક્લોવરફિલ્ડ નામની સાયન્સ ફિક્સન ફિલ્મમાં ગુજરાતી ગરબો પંખીડા ઓ પંખીડા નો ઉપયોગ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તરીકે થયો છે. આ ફિલ્મ યુએસમાં પ્રદર્શિત થઈ ગઈ છે અને થોડા સમયમાં ભારતમાં પણ આ ફિલ્મ પ્રદર્શિત થશે.

હાલમાં આ ફિલ્મ ચાર એવોર્ડ માટે પસંદગી પામી ચૂકી છે. તેના માટેનો શ્રેય લેખા રત્નાકુમારને જાય છે. લેખા જણાવે છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર ભારતીય સંગીતની શોધમાં હતા, અને તેમણે તેમની ફિલ્મના બેકગ્રાઉન્ડ સંગીત માટે લોકપ્રિય ગુજરાતી ગીત પંખીડા ઓ પંખીડા પર પસંદગી ઉતારી.

ઘણા પ્રોડક્શન હાઉસને વિડિયો અને ઓડિયો પૂરા પાડવા વાળી મ્યુઝીક લાયબ્રેરીમાં આ ગીતને કમ્પોઝ અને રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. ઈન્ડિયા ટૂડે- ભાંગડા એન્ડ ડાંડિયા નામના આલ્બમ માંથી આ ગીત લેવામાં આવ્યુ છે.

તે વિશે જણાવતા લેખાએ કહ્યું હતુ કે મેં આલ્બમને કમ્પોઝ અને રેકોર્ડ કર્યુ હતુ. ફિલ્મના પ્રોડ્યુસરે આ ગીતને મ્યુઝીક લાયબ્રેરીમાંથી લીધુ અને તેનો ઉપયોગ તેમની ફિલ્મમાં કર્યો.

જાહેર છે કે પંખીડા ઓ પંખીડા તુ ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે આ ગીત મોટા ભાગના ડાંડિયા અને ગરબાના કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે.

આભાર : દિવ્ય ભાસ્કર
Read more : Times of India

————————————————-

ગરબાની આટલી બધી વાતો કરીયે, અને ગરબા ન સાંભળીયે, એવું તો કંઇ ચાલે?

ફક્ત ‘પંખીડા’ વાળો ગરબો મને ના મળ્યો :(, એટલા આ થોડા નોન-સ્ટોપ ગરબા સંભળાવું છું, જેમાં તમને ‘પંખીડા’ પણ સાંભળવા મળશે.  🙂 

 

 

નજરુંના કાંટાની ભૂલ – સુરેશ દલાલ

સ્વર : વિભા દેસાઇ

.

નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો
વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…

મેળો આપો તો એક માનવીની સંગ – હરીન્દ્ર દવે

lovers 

મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

અમોને નજરું લાગી ! – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું આ મસ્તીભર્યું ગીત – સુરીલા સ્વર સંગીત સાથે ફરી એકવાર… આશા છે કે આપને ગમશે.

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : આશિત દેસાઇ

najaru laagi

.

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
—————–
અને આ ગીત સાથે વંચિત કુકમાવાલાનું આ મસ્તીભર્યું ગીત પણ સાંભળવા જેવું છે.
તને નજરું લાગી છે મારા નામની !

કોઇ પણ છેડેથી કાપી જો મને – ત્રિલોક મહેતા

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

–  ત્રિલોક મહેતા

દીકરો મારો લાડકવાયો – કૈલાસ પંડિત

આજે મનહર ઉધાસના સ્વરમાં ગવાઇને અમર બની ગયેલા આ મીઠા હાલરડાની મજા લઇએ…

સ્વર : સંગીત – મનહર ઉધાસ

.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ઘણાં ચહેરા, ઘણી વાતો.. – જિગર જોષી “પ્રેમ”

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
હતું મારં જ એ ઘર “પ્રેમ” ! ને લૂટી ગયો છું હું.

– જિગર જોષી “પ્રેમ”