કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા

 

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા

4 replies on “કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા”

  1. નીતિનની સરસ ગઝલ
    તેમાં આ શેર
    વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
    ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.
    વાહ્

  2. દરેક શેર ખૂબ મજાનાં …

    કોઈ આવીને ઊભું છે આંગણામાં,
    થાય છે મારું રૂપાંતર બારણામાં.

    આ રાહ જોવાનું ઘણું કષ્ટદાયક લાગે છે ?
    કોઇ બારણું કોઇ ઉંબર તો કોઈનું ડેલીમાં રુપાંતર થઈ જાય છે.. ?!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *