હાં રે અભિસારે નીસરી હું અનંતના – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

હાં રે અભિસારે નીસરી હું અનંતના
છાયો અંધાર ઘેરીઘેરી રાતલડી
જ્યોતિઓ ઝગે રે દિગંતમાં

મેંદી મુકી’તી મેં તો રાગને વિરાગની
માળા ગુંથી તી મેં તો અશ્રુના બિન્દુની
નૂતન શૃંગાર મારા હંસના… હાં રે..

નુપૂરના નાદ મારે ગાજે બ્રહ્માંડમાં
કંકણના નાદ સરી જાય ખંડખંડમાં
રંગે રંગાઇ હું વસંતના… હાં રે..

સોળસોળ પાંખડીનું પોયણું પ્રફૂલ્લ આ
સૃષ્ટિ સોહાગભર્યો ઉડતો પરાગરજ
પાંખડીયે પાંખડીયે ઝંખના… હાં રે..

– પ્રવીણ બક્ષી

સંબંધોય… – આદિલ મન્સૂરી

(કોઈની ઢળેલી નજર………  Photo: http://unpresentable.wordpress.com)

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી

શ્યામલ-સૌમિલના હસ્તાક્ષર સિરિઝમાં ‘ઉમાશંકર જોષી’ ના આલ્બમનું આ ગીત. એકદમ મઝાના શબ્દો, અને સાથે કર્ણપ્રિય સંગીતમાં ભળીને આવતો ગાર્ગી વોરાનો મીઠેરો કંઠ. જાણે વારંવાર સાંભળયા જ કરીએ.

સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: ગાર્ગી વોરા

.

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

હું અમદાવાદનો રિક્ષાવાળો – અવિનાશ વ્યાસ

આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )

અવિનાશ વ્યાસને એમના સંગીતથી તો ગુજરાત આખુ જાણે છે, પણ એમના થોડા વધુ નજીકથી ઓળખવા હોય તો રીડગુજરાતી.કોમ પર પ્રસિધ્ધ થયેલો આ લેખ :એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી જરૂર વાંચવા જેવો છે. (વીણાબેનની પરવાનગી મળે તો આ આખો લેખ ટહુકો પર જરૂર સમાવીશ)

તો આજે સાંભળીયે અવિનાશ વ્યાસની કલમે લખાયેલ અને એમણે સ્વરબધ્ધ કરેલા કેટકેટલાય સુપ્રસિધ્ધ ગુજરાતી ગીતોમાંનું એક ગીત.. અમદાવાદનો રિક્ષાવાળો…! આ ગીતની સાથે સાથે અમદાવાદની સફર કરવાની પણ એક અનેરી મઝા સાથે..! અને કિશોરકુમારના સ્વરની હાજરી પણ એક રીતે આ ગીતને બીજા ગીતોથી અલગ પાડે છે.

.

હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા

હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…

હું અમદાવાદનો રિક્ષાવાળો…

અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ

————–

અને હા… અવિનાશ વ્યાસનું જ પેલું ‘ અમે અમદાવાદી… ‘ ગીત સાંભળવાનું ચૂકી ન જતા :)

ઝીણી ઝરમર વરસી ! – ઉપેન્દ્ર પંડ્યા

આ ગીત પહેલી વાર વાંચેલું ત્યારે તો મને યોગેશ જોષીનું વર્ષાકાવ્ય- ઝરમર વરસે ઝીણી જ યાદ આવી ગયેલું… અને હા, સાથે સાથે ન્હાનાલાલનું પેલું ખૂબ જ જાણીતુ ગીત-  ઝીણા ઝરમર વરસે મેહ યાદ ન આવે એવું બને?

ઝીણી ઝરમર વરસી !
આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !
એવી ઝરમર વરસી !

વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,
તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?
ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી !
ઝીણી…

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,
મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?
કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.
ઝીણી…

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,
તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઇ પરસી,
ઝીણી ઝરમર વરસી !

– ઉપેન્દ્ર પંડ્યા

ઈશ્વર સાથે નાતો – અમિત ત્રિવેદી

પોતાના ઘરે દીવો થાય એ જ કારણે ઇશ્વર રાતો પાડે, એ કલ્પના જ કેવી સરસ છે.

* * * * *

મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો

– અમિત ત્રિવેદી

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી

કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.

તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.

અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!

અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/

(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )

* * * * * * *

સ્વર – સંગીત : અનંત વ્યાસ

.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી

સાંજ સેવે સ્વપ્નને… – કવિ રાવલ

કવિની એક સુંદર ગઝલ..! અને એમાં છેલ્લા ૨ શેર તો મને ખૂબ જ ગમી ગયા. બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ – સંયોગ, કેટલા સરળ શબ્દોમાં રજૂ કર્યો છે.

( ત્યાં હશે વર્ષા ………     Photo : http://www.everestuncensored.org/)

* * * * * * *

આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે…
આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.

ભાર,ભણકારા,નિસાસો,આહ, ડૂમો ને વ્યથા –
એમ લાગે – કે બધે વાતાવરણમાં શોગ છે..

જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
એ – જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.

ગાઢ સુનકારો, હવા ને સાંજ સેવે સ્વપ્નને…
આ -ક્ષણો- તો સાંચવી અકબંધ રાખ્યા જોગ છે.

ત્યાં હશે વર્ષા – અહીં આબોહવા છે ભેજમય
જો – પરસ્પર આપણી – કેવો સરસ સંયોગ છે.

-કવિ રાવલ

બા – મુકેશ જોષી

મુકેશ જોષીની એક ખૂબ ગમતી કવિતા, એમના જ અવાજમાં…! મારે જો કોઇ ‘બા’ કાવ્ય યાદ કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં વાંચેલું, અને ત્યારથી જ ઘણું ગમી ગયેલું. મુકેશ જોષીનું આજનું આ ગીત જો કે ગામમાં રહેતા ‘દાદીમા’ માટેનું છે..! અને ધવલભાઇ કહે છે એમ, ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરે છે આ ગીત..

સ્વર : કવિ મુકેશ જોષી

.

બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે

કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે

– મુકેશ જોષી

જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)