સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! – ન્હાનાલાલ કવિ

(ઉરના એકાન્ત મારા…  Photo from Flickr)

* * * * * * *

સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.

ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.

– ન્હાનાલાલ કવિ

8 replies on “સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! – ન્હાનાલાલ કવિ”

  1. પ્રિય જયશ્રી,

    સુંદર ગીતની ભેટ બદલ ખૂબ આભાર !

  2. સરસ ગીત.
    એક બે દિવસ પહેલાની રચના (અભિસારે અનંતના)ની કક્ષાનું આ ગીતનું સ્વરાંકન થાય (કે કદાચ થયું પણ હોય) તો આ ગીતની વિશિષ્ટતા વધુ સારી રીતે પ્રગટ થાય એમાં કોઈ શંકા નથી.

  3. ભાવસભર સાહેલીની વાત કવિ નાનાલાલ જ કહી શકે, ડો. વિવેકભાઈએ કહ્યુ તે મુજબ હળવે હાથે માણવૂ પડે એવી રચના, અભિનદન અને આભાર્…..

  4. Hi Jayshree !!!

    Nice wordings but, NRG people like us needs “SUR,GEET & Sangeet”…. Unless u give with music we just can cherish words !!!!

    Try !!! Thanks a ton !!

    Warm Regards,
    RAJESH VYAS

  5. હળવે હાથે વાંચવું પડે એવું લયસભર અને એથીય વિશેષ ભાવસભર ગીત…

    શ્રી હરસુખભાઈ,

    ટહુકો પર માત્ર ન્હાનાલાલની જ નહીં, મોટા ભાગના કવિઓની અજરામર કૃતિઓ તમને જડશે… જરૂર છે એક ડૂબકી મારવાની… વેબજગત પર આ એક એવો સાગર છે જે તમને ડૂબકી મારતાવેંત ખોબલોક મોતી આપવાની ખાતરી પણ આપે છે !!!

  6. Respected Jayshreeben,

    Hats off! I have no comments. I under estimated your collection. Your collection is great. My greetings and congratulations to you.
    I am very much impressed by going through today!s post of Kavi Nanalal.
    yours Truly,
    Harsukh Doshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *