(કોઈની ઢળેલી નજર……… Photo: http://unpresentable.wordpress.com)
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઈને ફરે એમ પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
– આદિલ મન્સૂરી
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.વાહ વાહ બહુત ખુબ.
આદિલસાહેબની ગઝલો બાબતે એટલું ચોક્કસપણે કહી શકીએ કે,એમની લગભગ તમામ ગઝલોમાં હૈયાની વાત હોઠે આવી હોય એવી જ સહજ અને સરળ બાની હોય છે.
સબન્ધોય કારણ વગર હોય જાણે,
સરસ..
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
આ વાત આદિલ મન્સૂરી જ કરે!
ખુબ જ સરસ ગઝલ….
સરસ ગઝલ…………આપણા સમયનો ઊન્ચા ગજાના શાયરને સલામ….
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
સરસ! બધા શે’ર સારા છે.
સપના
આદિલ સાહેબની ખૂબ જ સુંદર ગઝલ! ફરી અહીં માણવી ગમી.
સુધીર પટેલ.
“ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે”
ગઝલ સરસ છે અને છેલ્લી લાઈનને અનુરુપ ફોટો પણ આબેહુબ અને બહુ સરસ મુક્યો છે.