હે પુનિત પ્રેમ ! – વિનોદ જોશી

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હે પુનિત પ્રેમ ! પરબ્રહ્મ યોગી રસરાજ !
તવ વિમલ સ્પર્શ થકી મુદિત ચિત્ત મમ આજ …

ધર મુકુલ માલ કર બિંદુ ભાલ
રગ રગ ગુલાલ હે વસંત
ભવરણ અજાણ મહીં કરું પ્રયાણ
લઈ તવ સુચારુ સંગાથ ;
આ સકલ સ્પંદ અવ અધીર અર્ચના કાજ…

અવસર પ્રફુલ્લ પુલકિત નિકુંજ
ઝળહળત પુંજ ચોપાસ,
અવિરત લસંત ભરપૂર વસંત
અંતર રમંત મૃદુ હાસ;

તું અકળ સૂર અવકાશ એ જ તવ સાજ…

– વિનોદ જોશી

Happy 16th Birthday ટહુકો.કોમ

લ્યો કાગળ આપુ કોરો
સોળ વર્ષનો એક જ ટહુકો
લથબથ એમાં દોરો.
લ્યો, કાગળ આપુ કોરો!

આ શબ્દોથી આરંભાયેલી આ ટહુકોની સફરને આજે ખરેખર ૧૬ વર્ષ થયા!

આ સોળ વર્ષમાં આપ સૌનો અઢળક પ્રેમ અને કાયમી સંગાથ રહ્યો છે, અને આમ ભલે સોળ વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ છે, પણ ગુજરાતી કાવ્ય અને સંગીતની પ્રીત થકી આપ હજુ ટહુકો સાથે જોડાયેલા રહો છો એનો વિશેષ આનંદ છે!

એવોય દૂર ક્યાં છે – જાતુષ જોશી

સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

એવોય દૂર ક્યાં છે ? એવો ય પાસ ક્યાં છે ?
મનમાં જ એ વસે પણ મનનો નિવાસ ક્યાં છે.

દીવો બળ્યા કરે છે અંધારનો યુગોથી,
એને હરખથી ભેટે એવો ઉજાસ ક્યાં છે ?

જો પારખી શકો તો પોતીકો શ્વાસ પામો,
આ શ્વાસ છે ને એને કોઈ લિબાસ ક્યાં છે ?

જેની પ્રતીતિ પળમાં પાવન કરે છે સઘળું,
વૈરાગ્યથી સવાયો એવો વિલાસ ક્યાં છે ?

શબ્દોની પાર જાવા શબ્દોને ચાહતો હું,
છે પ્રેમ તીવ્રતમ પણ એવો ય ખાસ ક્યાં છે ?

– જાતુષ જોશી

સાંજ પડે ઘર યાદ આવે – હિતેન આનંદપરા

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંજ પડે ઘર યાદ આવે !
અપલક આંખો હળવે રહીને એક ઉદાસી સરકાવે…

દૂર-સુદૂરના કોઈ દેશે પંખી બાંધે માળો,
ચણને ખાતર મણમણનો વિજોગ ગળે વળગાડો;
ટહુકાઓનો તોડ કરીને બેઠો ઉપરવાળો.
મોસમ એકલતાની ભરચક ડાળીઓ કંપાવે…

એક જગાએ બીજ વવાયું, ઝાડ તો ઊગ્યું બીજે,
પર્ણ અચાનક બર્ફ થઈને લીલમલીલા થીજે.
એકબીજાંને ના ઓળખતાં એકબીજાં પર રીઝે.
તુલસીની આશિષો કોરા આંગણને છલકાવે…

– હિતેન આનંદપરા

સ્વર ગુર્જરી – June 05, 2022 (Milpitas, CA)

This Sunday 5pm at ICC, give a musical kick start to the summer holidays!
Come experience the best flovors of Gujarati music that have been gifted to us by the one and only Shri Avinash Vyas! A special musical tribute to this legend, authentically presented by our very talented team of artists.
Book your tickets now if you haven’t!!

Click here to book your tickets:
https://javanika.com/Events?eventID=4058

તમે મળતા નથી ને – ભાગ્યેશ જહા

સ્વર : ભૂમિક શાહ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

તમે મળતા નથી ને છતાં લાગે કે આપણે કેટલું મળ્યાં !
સાંજના ઢળતાં નથી ને છતાં લાગે કે તે તો કેટલું ઢળ્યા !

સાંજે મળો કે પછી ના પણ મળો છતાં
વૃક્ષની લીલાશ કંઈક બોલતી,
મૌન બની પોઢેલા રસ્તાને કાંઠે
એક ચકલી ભંડાર જેવું ખોલતી;
વાટે વળ્યાં, કદી ના પણ વળ્યાં, છતાં લાગે કે આપણે કેટલું વળ્યાં !

સાગર હરખાય ત્યારે મોજાં પછડાય
તેમાં બુદ્દબુદને કેમ કરી વીણવાં ?
ઝાકળ પર પોઢેલા ક્ષણના કોઈ કિલ્લાને
લાગણીથી કેમ કરી છીણવા ?
શાશ્વતના ભારથી કેટલા જુદા છતાં લાગે કે આપણે કેટલું ભળ્યાં !

– ભાગ્યેશ જહા

સાંયા, એકલું એકલું લાગે – હરિશ્ચન્દ્ર જોશી

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંયા, એકલું એકલું લાગે.
દૂરને મારગ જઈ વળે મન ,
સૂનકારા બહુ વાગે …

સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું;
ઝૂરવું મ્હોર્યા ફાગે …

રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત;
આંખ સોરાતી જાગે …

એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે?

– હરિશ્વંદ્ર જોશી

કોઈ રે ઉતારો મારો અંચળો – દલપત પઢિયાર

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કોઈ રે ઉતારો મારો અંચળો,
અમે અમારાં ઓઢેલાં અંધાર રે ! કોઈ રે …

ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે ! કોઈ રે…

નિત રે સજું ને નિત નિત સંચરું,
અમને આઘે વાગે અમારા ભણકાર રે ! કોઈ રે …

કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
અમે અમારાં ભીડેલાં ભોગળદ્વાર રે ! કોઈ રે …

ભીતર ભેદો ને છેદો મારો છાંયડો,
અમને અમારા ઓળખાવો અપરંપાર રે ! કોઈ રે …

– દલપત પઢિયાર

કૈંક એ રીતે હ્ર્દયને – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,

આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;

મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;

તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;

વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;

ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ

મારા એક વ્હાલા મિત્રે એકવાર કહ્યું હતું – life is 5% what happens to you and 95% how you respond. અહીં મકતાના શેરમાં કંઈક એવી જ વાત નથી? 😊

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા