આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના! – ડૉ. મનોજ જોષી ‘મન’

કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..

સ્વર – શૌનક પંડ્યા, જિગીષા ખેરડીયા
સ્વરાંકન – શૌનક પંડ્યા

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું!
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના?…
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના?…
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના?…
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના!
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના!

– ડૉ. મનોજ જોષી ‘મન’

અમે નીકળી નથી શકતા – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

– મનોજ ખંડેરિયા

———————-
આ ગઝલના સંદર્ભમાં કવિ શ્રી ની આ બીજી બે ગઝલો માણવા લાયક છે –
જરા નીકળો – મનોજ ખંડેરિયા 

 

તલવારનો વારસદાર – ઝવેરચંદ મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મજયંતી, ૨૮ ઑગસ્ટ ૨૦૧૨ ના અવસર એ એમનું આ ગીત….

સ્વર : અભેસિંહ રાઠોડ,રાધા વ્યાસ

.

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

મારા બાપુને બહેન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝૂલે રે

મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો
નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર

મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ

મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં
નાનો સજાવે તલવાર

મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર

મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો
નાનેરો સૂતો સંગ્રામ

મોટે રે માડી તારી કુખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં
નાનાની ખાંભી પૂજાય

ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

– ઝવેરચંદ મેઘાણી

પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા

સ્વર – મનહર ઉધાસ

પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિર્ઝા

કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન – અંકિત ત્રિવેદી

પ્રસ્તાવના : અંકિત ત્રિવેદી
સ્વરાંકન – સ્વર : આશિત દેસાઈ

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

– અંકિત ત્રિવેદી

હરે રામ રામ સીતા રામ રામ ધૂન

વ્હાલા માસીને ખૂબ યાદ અને શ્રધ્ધાંજલી સાથે…

સ્વર – મોરારીબાપુ

સ્વર – ?

હરે રામ રામ રામ સીતા રામ રામ રામ
હરે રામ રામ રામ સીતા રામ રામ રામ

સીતા રામ રામ રામ
સીતા રામ રામ રામ

(મોરારીબાપુનાં સ્વરની ઓડ્યો ફાઈલ માટે આભાર – www.moraribapu.org

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

ન લેજે વિસામો…. – વેણીભાઇ પુરોહિત

ગઇકાલે જ ટહુકોના વાચકમિત્ર શ્રી દિગંબરભાઇ સ્વાદિયા એ આ ગીત યાદ કરાવ્યું – એમણે કદાચ ગોપાલકાકાના બ્લોગ પર માણ્યું હશે – તો મને થયું – ટહુકોના બીજા મિત્રો માટે પણ અહીં જ લઇ આવું આ ગીત..! આનું સ્વરાંકન સાંભળ્યાનું મને યાદ નથી – કદાચ આશ્રમ ભજનાવલીમાં મળી આવે..! તમારી પાસે સ્વરાંકન હોય તો અમારી સાથે વહેંચશો? ત્યાં સુધી માણો આ મઝાનું ગીત – અને સાથે થોડી વાતો – સીધેસીધું ગોપાલકાકાના બ્લોગ પરથી કોપી-પેસ્ટ..! 🙂
******
થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો!
ને ઝૂઝ્જે એકલ બાંયે—હો માનવી! ન લેજે વિસામો!

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાના જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તુજ આફતનો ટેકરો,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :
ખંતે ખેડે એ બધાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે :
છોને આ આયખું હણાયે–
હો માનવી ! ન લેજે વિસામો !

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! ન લેજે વિસામો !
તારી હૈયા વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો !
ન લેજે વિસામો….
– વેણીભાઇ પુરોહિત

*************
આ કાવ્ય “વિસામો” પાછળ એક નાનકડો ઇતિહાસ છે. આપણા યુગની મહાન વિભૂતિ—મહાત્મા ગાંધી—ના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવું સ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રી મનુબહેન ગાંધી એ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે. એવાં ત્રણ અવતરણો આ રહ્યા:

“એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું. એમને આ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા:

’થાકે ન થાકે છ્તાંયે

હો માનવી!ન લે જે વિસામો ‘…(વિગેરે)…..

”આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું;અને એમણે તો આવાં આવાં કેટલાંયે ગીતોને જીવનમાં ઉતારી જીવન સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી:

’લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો’

”તેમ એમણે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢ—તડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લા શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.

”એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?

”પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો, પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા?’મને એક કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’.મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાનાઆગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમ કાયમને માટે છોડ્યો.”

(બા—બાપુની શીળી છાંયામાં)

“ હું (ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ; કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસન મળે છે ગુરુદેવના ‘એકલા ચલો’ના ભજનમાં અને પેલા ‘થાકે ન થાકે છ્તાંયે હો માનવી! ન લેજે વિસામો’માં. તેમાંય એક કડી તો બહુ ભારે છે કે:

‘ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધર તેને એકલો વિદારજે;

છોને આ આયખું હણાયે

હો માનવી ! ન લેજે વિસામો.”

(‘ભાવનગર સમાચાર’,તા.28/07/1951ના અંકમાંથી)

“નિયમ મુજબ 30મી એ (30મી જાન્યુઆરી, 1948) સવારના 3.30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા.એક બહેન પ્રાર્થના માટે ઊઠ્યા નહિ,તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જૌં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો છે.પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે. અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.’ અને કહ્યું કે આજે મારે પેલું “થાકે ન થાકે છતાંયે” ભજન સાંભળવું છે એટલે એ ગાજે”

”મેં એ ભજન ગાયું….. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !”

વેણીભાઇ પુરોહિત

જોડે રહેજો રાજ….

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

જોડે રહેજો રાજ
તમે કિયા તે ભાઈની ગોરી કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ઉનાળાના તાપ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ
ચોમાસાની ઝડીઓ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ
મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ
મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જીવલડો વલોવાયો
તમે ઓરા આવો રાજ
જીવલડો વલોવાયો

તમે ઓરા આવો રાજ
જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ

જોડે રહેજો રાજ
ચાંદા-સૂરજની સાખે ભવોભવ
જોડે રહેજો રાજ