ગુજરાતી ગઝલક્ષેત્રે જેમનો ‘જુદો અવાજ’ છે – એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો આજે જન્મદિવસ. તો આપણા સૌના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!!
સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં…!!
ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ
—————————-
Posted on March 15, 2011
ગઇકાલે શ્રી અતુલ દેસાઇના અવાજમાં વિરાટનો હિંડોળો રચના સાંભળી, તો સાથે એમણે ગાયેલી, અને ટહુકો પર આ પહેલા મુકેલી બીજી બે રચનાઓ પણ સાથે સાથે માણી લીધી..!
અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એ ગઝલ સાંભળતા સાંભળતા જ એમની આ બીજી ગઝલ યાદ આવી ગઇ..! આ ગઝલના બે-ત્રણ શેર – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી ઘણી વાર સાંભળ્યા છે..! આ ગઝલ સ્વરબધ્ધ થઇ છે કે નહીં એ તો યાદ નથી – પણ સ્વરાંકન હશે કે થશે – તો ત્યારે ટહુકો પર ફરી એકવાર માણી લઇશું..! અને કવિના – જુદા અવાજમાં – આ ગઝલનું પઠન મળે તો યે અહીં લઇ આવીશ..! પણ ત્યાં સુધી.. મમળાવો આ મઝાની ગઝલ..!
જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!
રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!
જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.
મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.
ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ આપે પહેલા એમના જ સ્વરમાં અહિં સાંભળી હશે. આજે ફરી એકવાર મોકો આપી દઉં આ ગઝલ સાંભળવાનો – કવિના પોતાના અવાજમાં, અને સાથે None Other Than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકનમાં..!!
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
********
Posted on November 9, 2007
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે ટહુકો પર કંઇક નવું…!! કવિના પોતાના સ્વરમાં એમની રચના… ઘણા વખતથી ઇચ્છા હતી, કે મારા જેવા ઘણાએ કવિ સંમેલનો વિષે સાંભળ્યું જ છે, એમને ઘરે બેઠા કવિ સંમેલનમાં લઇ જવા છે. તો એ કામની શરૂઆત આજથી. આખુ કવિ સંમેલન તો નહીં, પણ એની એક ઝલક તરીકે – કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની આ ગઝલ – એમના જ સ્વરમાં…
ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ
.
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે ?
વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!
આજે માણીએ –
ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!
એ લખે કે –
જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!
રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!
જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.
આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.
એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે