અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!
મુસાફરીના વિઘન – અનિલ જોશી
(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
Well known Gujarati poet Shri Anil Joshi reciting his ‘gray laughter’ tinted poem/geet ‘મને ડેન્ચર આપો તો’ in a private bethak in London (28 July 2010).
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;
પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઇ મ્હાલી !
ઐ કાચો કુંવારો….
નાના હતા ને તૈ ખાટલા ટ્પ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઇ ગલઢા થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઇ ખાલી !
ઐ કાચો કુંવારો….
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં
પછી પાણીનો રંગ મને લાગી ગિયો
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી દરિયાની ઓસરીમાં પીંજારો બેઠો
ને રૂથી ભરાઇ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઇ, લાગી !
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
કવિ શ્રી અનિલ જોશીને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું વર્ષાકાવ્ય…
સાથે એમના વિષે થોડી વાતો… (લયસ્તરો પરથી સાભાર)
અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. (જન્મ: ૨૮-૭-૧૯૪૦) વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ’સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)
આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.
ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!
સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
—————————-
Posted on : April 24th, 2007
સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..
ફેબ્રુઆરી ૨૦૦૯ માં ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત – આજે સોલીભાઇના સ્વર – સંગીત સાથે ફરી એકવાર.. અને આજે નહીં પૂછું કે ગમશે ને? – આજે તો મને ખબર છે કે આ મઝાનું ગીત ફરી ફરી માણવું તમને ગમશે જ 🙂
સ્વર : સોલી કાપડીયા
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
(સુક્કી જુદાઇ……Lassen Volcanic National Park, CA – Sept 09)
દે તાલી… દે તાલી… દે તાલી….
આ હા હા.. આજે તો ખરેખર તમારા માટે ખજાનો લાવી છું..! વેલ, તમારા માટે એ કેટલું સાચું હોય એ તો તમે જાણો, પણ મને જ્યારે આ ગીત પહેલીવાર હાથ લાગ્યું, ત્યારે ખરેખર ખજાનો મળ્યાની જ લાગણી થયેલી..!!
ઘણી નાની હતી ત્યારે પપ્પા પાસે આ ‘દે તાલી’ કેસેટ હતી, અને અમને બધા ને દે તાલી.. દે તાલી દે તાલી.. દે તાલી.. દે તાલી દે તાલી.. કરવાની ખૂબ જ મજા આવતી..! કેસેટના બીજા કોઇ ગીત મને યાદ નથી, અને આ ગીત નો બીજો એક પણ શબ્દ યાદ નથી… પણ બસ આટલા શબ્દો જાણે ઊંડે સુધી મનમાં કોતરાઇ ગયા છે..મને યાદ છે કે હું ગીતમાં આ શબ્દો આવવાની રાહ જોતી..!
કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..
અને પછી તો કેસેટ ઘસાઇને ક્યાં ગઇ કે કોઇ લઇ ગયું એ કંઇ જ ખબર નથી..! પણ ‘ગામને મેળે ખોવાઇ ગયેલા છોકરાઓ’ને અમે ઘરમાં બધા જ ઘણીવાર યાદ કરતા.. નાનપણની નાની-નાની યાદ કેટલી મઝાની અને કેટલી અનમોલ હોય છે..! આટલા વર્ષે આ ગીત સાંભળીને ફરીથી જાણે સુવિધા કોલોની (અતુલ) પહોંચી જવાયું..!!
કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યા ફોતરા, દે તાલી..
કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..
કે સમડીના ચકરાવા વિસ્તરતા ખોરડે, દે તાલી..
કે સાતરંગ પડતા ખડિંગ દઇ ઓરડે, , દે તાલી..