Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા : ૫૯ : ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો – એન્ટૉનિયો મકાડો

Last night when I was sleeping

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.

– Antonio Machado
(Trans: Vivek Manhar Tailor)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને
જે મેં ક્યારેય પીધું નથી?

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે
મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો
મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.

– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્વપ્નમાં ઊઘડતો શાશ્વતીનો દરવાજો

સપનાં અતૃપ્ત ઇચ્છાઓના દસ્તાવેજ છે. દિવસના અજવાળામાં છાતીના પિંજરામાં સંતાઈ રહેલું કબૂતર રાતના અંધારામાં પાંપણના દરવાજે ટકોરા મારે એનું જ નામ સપનું. સપનું પ્રેયસી છે જે રાતના કાજળમાં આલિંગનનો અજવાસ પાથરે છે. યાદ રહી જતાં સપનાં જ જીવનનું ખરું ચાલકબળ છે. સ્વપ્ન જોઈને ભૂલી જનાર પથારીથી આગળ વધતા નથી પણ એને ફળીભૂત કરવા મથનાર જીવનના ઉન્નત શિખરો સર કરે છે. ‘ભવિષ્ય એમના માટે જ છે જેઓ પોતાના સ્વપ્નોના સૌંદર્યમાં વિશ્વાસ રાખે છે.’ (એલેનોર રુઝવેલ્ટ) ખલિલ જિબ્રાન કહે છે, ‘સપનાંઓમાં ભરોસો રાખો કેમકે એમાં જ શાશ્વતીનો દરવાજો છૂપાયેલો છે.’ પ્રસ્તુત રચનામાં એન્ટૉનિયો મકાડો સ્વપ્ન, વાસ્તવ અને બેની વચ્ચે રહેલા આત્મશ્રદ્ધાના પ્રદેશની મુસાફરીએ આપણને લઈ જાય છે.

એન્ટૉનિયો મકાડૉ. આખું નામ Antonio Cipriano José María y Francisco de Santa Ana Machado y Ruiz. ૨૬-૦૭-૧૮૭૫ના રોજ સેવિલે, સ્પેન ખાતે જન્મ. પિતા વકીલ, પત્રકાર અને લોકકથાકાર હતા. પાછળથી પ્રોફેસર બન્યા. નવાઈ લાગે પણ એમના પિતાનું જે નામ હતું એ જ નામ એનું પણ પાડવામાં આવ્યું. પિતાને ૧૮ની કુમળી વયે ગુમાવ્યા પછી આર્થિક સંકડામણનો શિકાર બન્યા. અભિનેતા, અનુવાદક જેવી જાતજાતની નોકરી કરી. શાળામાં શિક્ષકોના પ્રોત્સાહન અને ફાન્સમાં રહ્યા એ ગાળામાં સાહિત્યકારો સાથેના સંસર્ગના પરિણામે સાહિત્ય મનમાં ઘર કરી ગયું. સાહિત્યમાં ડૉક્ટરેટની પદવી મેળવી. ફ્રેન્ચશિક્ષક-પ્રોફેસર બન્યા. ૩૪ની વયે ૧૫ વર્ષની લિઓનોર ઇઝ્કિએર્ડો સાથે લગ્ન કર્યા. પણ એ ત્રણ જ વર્ષમાં મકાડોને ડિપ્રેશન ભેટમાં આપીને ટીબીના કારણે અવસાન પામી. સ્પેનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મા-દીકરાએ નાદુરસ્ત તબિયત સાથે આમથી તેમ ભાગવું પડ્યું. કાર, ટ્રેન, પગપાળાં એમણે સરહદ પાર કરી ફ્રાન્સ પહોંચ્યાં પણ જે મદદની રાહમાં હતાં એના અભાવે અને ન્યુમોનિયાના કારણે એન્ટોનિયોનું ૨૨-૦૨-૧૯૩૯ના રોજ દેહાવસાન થયું. મૃત્યુસમયે એના જેકેટમાંથી એમની અંતિમ કવિતા ‘ધીસ બ્લ્યુ ડેઝ એન્ડ ધીસ સન ઑફ ચાઇલ્ડહુડ’ જડી આવી હતી. ‘દીકરો જીવશે એટલું જીવીશ’ કહેનાર માતા પણ ત્રણ જ દિવસમાં દુનિયા ત્યાગી ગઈ. કોઇલ્યુરના એક નાગરિકે જ બંનેને સાથે દફન કર્યાં. મૃત્યુના બે વર્ષ બાદ સ્પેનની ઉગ્રવાદી સરકારે એમનું નામ શિક્ષકોની યાદીમાંથી કમી કરી નાંખ્યું અને છે…ક બીજા ચાળીસ વર્ષ પછી ૧૯૮૧માં લોકશાહી સરકારે એમને એ ગૌરવ પરત કર્યું.

એન્ટૉનિયો વીસમી સદીના શ્રેષ્ઠ કવિઓમાં મોખરે બિરાજે છે. ૧૮૯૮ના સ્પેન-અમેરિકા વચ્ચેના યુદ્ધ વખતે કવિ, નવલકથાકાર, નિબંધકાર અને ફિલસૂફો – જે સિત્તેરના દાયકામાં જન્મ્યા હતા અને ૯૮ પછીના બે દાયકા સુધી કાર્યરત્ હતા-નો એક સમૂહ હતો જે ‘જનરેશન ઑફ ૧૮૯૮’ (૯૮ની પેઢી) તરીકે ઓળખાયો. યુદ્ધમાં સ્પેનની હાર પછી આ ઘવાયેલ સ્વમાનીઓએ રાજાશાહીની પુનર્સ્થાપના (રિસ્ટોરેશન મૂવમેન્ટ) અને તત્કાલિન પ્રચલિત સાહિત્ય અને શૈક્ષણિક મૂલ્યોનો વિરોધ કરી સ્પેનિશ સાહિત્યને એક નવો જ ચહેરો આપ્યો. એન્ટોનિયો આ ચળવળના અગ્રણીઓમાંના એક હતા. મકાડૉની શૈલી સરળ ભાસે પણ એ આકરી તપશ્ચર્યા અને કૃતનિશ્ચયીપણાનો ગુણાકાર છે, જે પ્રવર્તમાન ફિલસૂફી અને કોમન સેન્સથી રસાયેલ છે. એની ઉક્તિઓ અને ગીતો સ્પેનના સાહિત્યકારો અને નાગરિકોના હોઠે વસે છે. કોબ અને સમય અને સ્મૃતિનો કવિ કહી ઓળખાવે છે. ગેરાર્ડો ડિએગોના શબ્દોમાં એન્ટૉનિયો ‘ગીતોમાં બોલતા અને કવિતામાં રહેતા’ હતા. એમના સમસામયિકોના આધુનિકતાવાદને ફગાવીને એમને ‘શાશ્વત કવિતા’ની આરાધના કરી, જેમાં બુદ્ધિમતા કરતાં સ્વયંસ્ફુરણ વધુ મહત્ત્વનું હતું. શરૂની કવિતાઓ પર રોમાન્ટિસિઝમનો પ્રભાવ દેખાય છે. પછીનો તબક્કામાં પ્રકૃતિ અને માનવસંવેદનને ઝીલતો કેમેરા નજરે ચડે છે. એ પછીના કાવ્યોમાં અસ્તિત્વવાદ અને એકાંત પડઘાય છે. એ પોતે કહેતા, ‘કવિતા લખવા માટે, પહેલાં તો તમારે એક કવિનો આવિષ્કાર કરવો પડે જે એ લખે.’

મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.

મૂળ કવિતા લયબદ્ધ ગીતસ્વરૂપે છે અને ABAB CDCD પ્રકારની પ્રાસરચના ધરાવે છે. ચાર અંતરાની રચના ૮-૮-૮-૪ પંક્તિયોજનાથી થઈ છે. કવિતાનું શીર્ષક કવિતાના ચારેય અંતરાની પ્રથમ પંક્તિ પણ છે. એટલે ગઈ રાત અને સૂવાનો સંદર્ભ સતત પુનરાવર્તિત થઈ દૃઢીભૂત થાય છે. નિદ્રા અને મૃત્યુ વચ્ચે એકમાત્ર ફર્ક એ છે કે નિદ્રામાંથી જાગી શકાય છે. નિદ્રા એ રિવર્સિબલ ડેથ જ છે ને! એન્ટૉનિયો કહે છે: ‘મૃત્યુ એવી વસ્તુ છે જેનો આપણે ડર ન રાખવો જોઈએ, કેમકે જ્યારે આપણે છીએ, મૃત્યુ નથી, અને જ્યારે મૃત્યુ છે, આપણે નથી.’ અહીં વાત ગઈકાલની છે પણ એ આજના ખોળામાં છે, ગઈ કાલની નિદ્રાની છે પણ ઈશારો આજની જાગૃતિ તરફ છે.

દિવસ દરમિયાન માણસ જાતથી દૂર રહે છે એટલે આંખો વિસ્ફારિત રહે છે, રાત્રે માણસ એક પછી એક વિચારની ગાંસડી ઊતારતો જઈ જાત તરફ વળે છે. બધી જ ગાંસડી માથેથી ઊતરી જાય કે તરત સમાધિ લાગી જાય છે. જે લોકો ગાંસડીત્યાગ નથી કરી શકત, એ લોકો સ્લિપિંગ પિલ્સ કે દારૂનો સહારો લઈ આભાસી ઊંઘની કબરમાં રાતવાસો કરી આવે છે. અધૂરી મનોકામનાઓનો સૂર્ય ઊંઘના આકાશમાં સપનું થઈને ઊગે છે ને નસીબદાર લોકોની સ્મૃતિમાં દુનિયાનો સૂર્ય ઊગી ગયા પછી પણ સપનાના સૂર્યનો પ્રકાશ જળવાઈ રહે છે. નાયકને એના ગઈ રાતના સપનાંઓ યાદ છે એમાંથી આજની કવિતાનું ગૂંફણ થાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘ગઈકાલ એ આજની યાદ છે, આવતીકાલ આજનું સ્વપ્ન.’ તો સપનાંઓનો સાચો સોદાગર વૉલ્ટ ડિઝની છાતી ઠોકીને કહી ગયો: ‘આપણાં દરેક સ્વપ્ન સાચાં પડી શકે છે, જો એને આંબવાની હિંમત હોય તો.’ સાચું છે. એન્ટૉનિયો જ કહે છે: ‘જીવવા અને સ્વપ્ન જોવા વચ્ચે એક ત્રીજી વસ્તુ છે. વિચારી જુઓ.’ આ કવિતા એ ત્રીજી વસ્તુની કવિતા છે…

ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. લગભગ પંદરસો વર્ષ પહેલાં ગૌડપાદે કહ્યું હતું એ યાદ આવે: ‘સ્વપ્નમાં જે કંઈ દેખાય છે, એ શરીરની અંદર જ સ્થિત હોય છે.’ સ્વપ્નમાં કવિ જુએ છે કે એમના હૃદયમાં એક ફુવારો ફૂટ્યો છે. કઈ ખાનગી નીકમાં થઈને પાણી હૃદયની ભીતર આવીને જીવનજળના ફુવારા તરીકે પ્રગટ્યું છે એ પ્રશ્ન છે. કવિને આ પહેલાં આ ફુવારાનો સાક્ષાત્કાર પણ થયો નથી એટલે આ નવજીવનનું અમૃત પીવાનું પણ આ પહેલાં કદી બન્યું નથી. કવિવર ટાગોરની ગીતાંજલિમાં ઠેરઠેર આ વાત જોવા મળે છે. એક ગીતમાં એ કહે છે: ‘મારા પ્રભુ, મારી જિંદગીના આ ઊભરાતા કપમાંથી કયું દિવ્ય પીણું આપ લેશો?’ મકાડો એક કવિતામાં કહે છે: ‘કશા માટે ઉતાવળા ન થાવ: કેમ કે કપના ઉભરાવા માટે, પહેલાં તો એ ભરવો જરૂરી છે.’ હૃદયનો આ કપ જીવનજળથી છલકાઈ રહ્યો છે. આ જીવનજળ એ આશા સિવાય બીજું કશું નથી. જે માણસ નવજીવનની આશા પી લે છે, એ ભવસાગર તરી જાય છે. મકાડો કહે છે: ‘માનવજાતના મારા બૌદ્ધિક વિશ્લેષણ કરતાં એમાંનો મારો ભરોસો વધુ બળવત્તર છે; અને ત્યાં જ યૌવનનો ફુવારો છે જેમાં મારું હૃદય અનવરત ન્હાય છે.’

આગળ એ કહે છે કે એના હૃદયમાં એક મધપૂડો છે, જેમાં સોનેરી મધમાખીઓ ગઈકાલની કડવાહટ, ગઈકાલના અપમાનો, ગઈકાલની તકલીફો, ગઈકાલની નિષ્ફળતાઓ, દુઃખો વાપરીને સફેદ મીણ અને મીઠું મધ બનાવી રહી છે. માનવજીવન આખાની કવિતા કદાચ આ એક અંતરામાં જ સમાયેલી છે. મધમાખીના પીળા રંગને કવિ સોનેરી રંગ તરીકે જુએ છે. સોનેરી રંગ આશાનો રંગ છે, ઊગતા સૂરજનો રંગ છે, મૂલ્યોનો રંગ છે. ભૂતકાળની વિડંબનાઓને સીડી બનાવીને આગળ વધવાની, ઊંચે જવાની આ વાત છે. મીણ સફેદ છે અને મધ મીઠું, મતલબ ગઈકાલની સમસ્યાઓનો સામનો કરવાથી આજ કાલિમા અને કડવાશરહિત બની છે. નિષ્કલંક શુભ્ર મીણમાં નવો પ્રકાશ આપવાની ગુંજાઈશ ભરી પડી છે. તકલીફોમાં રડતા રહીએ તો જીવન કદી મધમીઠું નહીં થાય. એક કવિતામાં એ આવું જ કહે છે: ‘મને લાગ્યું કે મારું ફાયરપ્લેસ મૃત છે/અને મેં રાખ ફંફોસી./મેં મારા આંગળાં દઝાડ્યાં.’ જે ચાલ્યું ગયું છે એ પણ કદી ચાલ્યું ગયેલું હોતું નથી કેમકે ગઈકાલના ગર્ભમાંથી જ આજનો જન્મ થાય છે.

ત્રીજો અંતરો સંકુલ છે. એ તરત ઊઘડતો નથી. ઈશ્વર પણ ક્યાં સીધો હાથ ચડે જ છે? કવિ જુએ છે કે એક બળતો સૂર્ય એના હૃદયમાં પ્રકાશી રહ્યો છે. અહીં કવિએ Hogar શબ્દ પ્રયોજ્યો છે, જેના બે અર્થ થાય છે – એક ફાયરપ્લેસ કે સગડી, ને બીજો ઘર. આપણી ભાષામાં એવો કોઈ શબ નથી જે ઘર અને સગડીનો સમન્વય કરી શકે. અનુવાદની આ મર્યાદા છે. સૂર્ય ક્યારેક ઘરની જેમ ઉષ્મા આપે છે તો ક્યારેક એની ગરમી સળગતા નરકની બળતરાનો અહેસાસ પણ કરાવે છે. એ પ્રકાશે છે અને અજવાળું પણ આપે છે ને એની સામે જોવા જઈએ તો આંખમાં આંસુ પણ આવે છે. ઈશ્વરની વાત છે- એ પ્રેમાળ પિતા પણ છે ને નજર મેળવી ન શકાય એવો ડર પણ. એન્ટૉનિયો એની આગવી શૈલીમાં પૃથ્વી અને સ્વર્ગ-નર્કને એક લસરકે ઊભા કરી આપે છે ને એ પણ એના દિવ્ય માયા જેવા સપનામાં.

અને જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. મકાડોના જ શબ્દોમાં આપણે યાદ રખવાનું છે કે ‘વટેમાર્ગુ, તારા પદચિહ્નો જ માર્ગ છે, બીજું કશું જ નહીં.’ ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’ એન્ટૉનિયો પહેલાં હૃદયની ભીતરના પાતાળઝરાની વાત કરે છે, પછી એ ધરતી અને આકાશ વચ્ચે લટકતા મધપૂડાની વાત કરે છે, એ પછી આકાશમાંના સૂર્યની અને અંતે સૌથી ઉપર બેઠેલા પરમપિતા પરમેશ્વરની. આમ, આખી કવિતા પાતાળથી સ્વર્ગ તરફના ઉર્ધ્વગમનની કવિતા પણ ગણી શકાય. અંતે તો ब्रह्म सत्यं, जगत मिथ्या।

ગ્લૉબલ કવિતા : ૫૮ : ડેફોડિલ્સને – રૉબર્ટ હેરિક

To Daffodils

Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.

We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.

– Robert Herrick

ડેફોડિલ્સને
પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.

તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.

– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)

कल हो न हो…

સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે. એ કહે છે: ‘જિંદગી ટૂંકી છે; શું આશા વધારે હોવી જોઈએ? આપણે વાત કરીએ છીએ એ ક્ષણે, ઈર્ષ્યાળુ સમય ઓસરી રહ્યો છે. આજને ચૂંટી લો; આવતીકાલનો કરી શકાય એટલો ઓછો ભરોસો કરો.’ પ્રસ્તુત રચનામાં રૉબર્ટ હેરિક આજ વાત કરે છે.

રૉબર્ટ હેરિક. એક એવો કવિ જેને ત્રણસો વર્ષ સુધી દુનિયા લગભગ ભૂલી જ ગઈ, નગણ્ય જ ગણતી રહી પણ વીસમી સદીમાં ઘડિયાળનું લોલક ગયું હો એટલા જ વેગથી પાછું આવે એમ જ દુનિયાએ એને લોકપ્રિયતાના ચરમ શિખરે આરુઢ કર્યો. જન્મ લંડનમાં. જન્મતારીખ તો કોઈ જાણતું નથી પણ ૨૪-૦૮-૧૫૯૧ના રોજ એને બાપ્ટાઇઝ્ડ કરાયા હતા. દોઢ વર્ષની પણ વય નહોતી ને એમના સોની પિતાએ બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો. થોડા વર્ષ રાજસોની કાકાને હવાલે રહ્યા. પણ સાચું સોનું એમને ત્યાં ન દેખાયું એટલે કેમ્બ્રિજ ગયા. નાણાંકીય ભીડના કારણે કેમ્બ્રિજ છોડીને ટ્રિનિટિ હૉલમાંથી કાયદામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કાયદા અને સાહિત્યસ્વામીઓની સાથે રહીને એ અસ્તિત્ત્વ ટકાવવા મથ્યા. સત્તરમી સદીમાં મોટું માથું ગણાતા બેન જોન્સનના શિષ્યો- બેન્સ સન્સ-માંના એક પણ સૌથી વધુ મૌલિક અને પ્રભાવક. બેનને એ પિતા માનતા અને પૂજતા પણ. માણસ ભગવાનને પ્રાર્થે એમ એ કવિતામાં એમના ‘માનસપિતા’ બેન જોન્સનને પ્રાર્થતા. બકિંગહામના ડ્યુકના પાદરી બન્યા. ચેપ્લેઇનમાંથી વિકાર (વડા પાદરી) બન્યા. ધર્મોપદેશકની નોકરી લેખક માટે કપરી હતી પણ આર્થિક સવલત વધી એટલે વચ્ચેના એકાદ દાયકાને બાદ કરતાં અંત સુધી તેઓ દેવળ સાથે જ સંકળાયેલા રહ્યા. પાદરી હોવા છતાં એ જીવનના સુખાનંદથી વંચિત રહેવામાં માનતા નહોતા. કદી પરણ્યા નહીં અને એમની કવિતાઓ કોઈ એક સ્ત્રી સાથે અનુબંધ ધરાવતી દેખાતી પણ નથી. ૧૫-૧૦-૧૬૭૪ના રોજ નિધન.

સત્તરમી સદીની બીજી પચીસીમાં ગૃહયુદ્ધ દરમિયાન જે કવિઓ ચાર્લ્સ પહેલાને વફાદાર હતા એ કેવેલિઅર્સ કહેવાયા ને સંસદને વફાદાર હતા એ રાઉન્ડહેડ્સ કહેવાયા. એ યુગ મિલ્ટન અને મેટાઝિકલ પોએટ્રીનો પણ યુગ હતો. પાદરી હોવા છતાં હેરિક કવિતામાં લાઘવ, અસ્ખલિત લય, પ્રેમ અને કામકેલિપ્રચુર આકર્ષક ગીતો, તથા ‘કાર્પે ડિએમ’ શૈલીના કારણે કેવેલિઅર પોએટ કહેવાયા. બેન જોન્સનને અનુસરીને પ્રાચીન ક્લાસિકલ રોમન ગીતશૈલીને એમણે પુનર્જીવન આપ્યું. અલ્જેર્નન ચાર્લ્સ સ્વીન્બર્ન તો હેરિકને ‘અંગ્રેજી જાતિમાં જન્મેલ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગીતકાર’ તરીકે ઓળખાવે છે. એમના ગીતોમાં પ્રેમાવેશને અડોઅડ ચિંતન રહેલું છે. હેરિકની કવિતાઓ જીવનને અને આજને ઉજવતી કવિતાઓ છે. એમાં ગ્રામ્યજીવન, ઉત્સવો, મિત્રો, મહેબૂબાઓ, રીતરિવાજો અને પ્રકૃતિ છલકે છે. એમના ગીતો તકનીકની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ છે. એ કદાચ પ્રથમ એવા કવિ હતા જેમણે સ્વરચિત તમામ રચનાઓ (૧૨૦૦થી વધુ) પદ્ધતિસર ગોઠવીને એક જ પુસ્તક હેસ્પેરિડ્સ (Hesperides)માં છપાવી. એની અનુક્રમણિકા –ધ આર્ગ્યુમેન્ટ ઑફ હિઝ બુક- પણ કાવ્યાત્મક છે અને કવિ અને કવિતા બંનેનો પરિચય આપે છે.

‘ડેફોડિલ્સને’ પણ એક કેવેલિઅર પોએમ છે, જે સલાહ આપે છે કે છે ત્યારે સમયનો મહત્તમ ઉપયોગ કરી લો કેમકે એ ત્વરિત ગતિએ ઊડી જાય છે. દસ દસ પંક્તિના બે અંતરા એની અનૂઠી પ્રાસરચના (ABCB DDC EAE)ના કારણે ધ્યાનાર્હ બને છે. વારાફરતી આવતા ગુરુ-લઘુ શબ્દાંશ, અનિયમિત લંબાઈની પંક્તિઓ, ‘હટ કે’ કહી શકાય એવી અંત્યાનુપ્રાસ-ગોઠવણી અને વર્ણસગાઈના કારણે કવિતાનો લય સતત વધઘટ થતો રહે છે અને કવિતાનો બાહ્યાકાર જીવનની અનિયમિતતા સાથે તાલમેલ પુરાવતો હોય એમ લાગે છે. બંને અંતરામાં પાંચમી અને સાતમી પંક્તિ બે જ શબ્દાંશની બની હોવાથી સમયની ઝડપનો અહેસાસ થાય છે. ગુજરાતી અનુવાદમાં પણ પ્રાસરચના અને પંક્તિ લંબાઈ મૂળ રચના મુજબ જાળવવાની કોશિશ કરવામાં આવી છે.

ઈસ્વીસનના બસો-ત્રણ વર્ષ પૂર્વે ડેફોડિલ્સની માહિતી મળે છે. છઠ્ઠી સદીમાં મુહંમદના લખાણમાં પણ ડેફોડિલ્સનો ઉલ્લેખ મળી આવે છે. વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે ડેફોડિલના ફૂલ પાંચથી વીસ દિવસ ખીલેલાં રહે છે પણ આ કવિતા છે અને કવિનું સત્ય વિજ્ઞાનના સત્ય કરતાં અલગ હોઈ શકે એ સર્વસ્વીકૃત છે. અહીં એ ડેફોડિલના ફૂલને અલ્પજીવી કહીને પોતાની વાત ભારપૂર્વક કહે છે. કવિતાની શરૂઆત ડેફોડિલને સંબોધીને જ થાય છે. કવિ કહે છે, વહાલાં ડેફોડિલના ફૂલો, તમે જે ઝડપે મૃત્યુ તરફ દોડી રહ્યાં છો એ જોઈને અમને રડવું આવે છે. હજી તો પ્રભાતનો સૂર્ય મધ્યાહ્ન સુધી પણ પહોંચ્યો નથી ત્યાં જ તમે કરમાવું શરૂ કરી દીધું? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યગીતના સમયે સાથે પ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત… સમજી શકાય છે કે અહીં સવાર, બપોર અને સાંજ બાળપણ, યૌવન અને પ્રૌઢાવસ્થા ઈંગિત કરે છે.

‘ટુ બ્લૉસમ્સ’ કવિતામાં ઝડપભેર ખરી જતાં પાંદડાં વિશે અફસોસ કર્યા બાદ હેરિક કહે છે, ‘પણ તમે પ્યારા પાંદડાંઓ છો, જ્યાં અમે વાંચી શકીએ છીએ કે વસ્તુઓનો અંત કેટલો જલ્દી આવે છે!’ અહીં પણ હેરિક આજ વાત અલગ રીતે કરે છે. કહે છે, તમારી જેમ અમારી પાસે પણ ઝાઝો સમય નથી, અમારી જીવનવસંત પણ ક્ષણભંગુર જ છે. અમે પણ તમારી જેમ જ ઝડપભેર વધીએ છીએ અને ત્વરિતગતિએ અમારોય અંત આવી જાય છે. જે રીતે તમારો સમય મૃત્યુ પામે છે અથવા જે રીતે ઉનાળામાં વરસાદ પડે અને જે રીતે ધરતી તરત જ સૂકી થઈ જાય અને પ્રભાતે ઘાસ-પુષ્પ પર પથરાયેલ મોતી જેવું જાજવલ્યમાન ઝાકળ સૂર્યના આવતાં જ ઊડી જાય એ જ રીતે અમે પણ અલ્પજીવી છીએ. ‘કોરિનાઝ ગોઇંગ અ મેયિંગ’ કવિતામાં હેરિક આજ વાત કરે છે, ‘આપણું જીવન ટૂકું છે; અને આપણા દિવસો સૂર્યની જેમ જ જલ્દી પૂરા થાય છે; અને વરાળ, કે વરસાદના ટીપાની જેમ એક વાર જાય, પછી ફરી કદી જડતા નથી.’

ટૂંકમાં આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. કૌંસમાંનું લખાણ કેટલું લાંબુ છે એ દેખાતું નથી પણ અનંત તો નથી જ એ સમજી શકાય છે. સમયના હાથ તો સોનાની ક્ષણોથી ભરેલા છે પણ હથેળી કાણી છે. સોનેરી ક્ષણની રજ કણ–કણ કરીને સતત આ કાણાંમાંથી સરતી જાય છે. જેટલી ક્ષણ તમે ગજવે ભરી શકો એટલી જ તમારી. સવારે ઊઠીને બ્રશ કરવાથી લઈને રાત્રે સૂઈ જવાની વચ્ચે કશું જ ઉપયોગી કામ ન કરનારના ખમીસમાં ખિસ્સાં જ નથી હોતાં જેમાં આ સોનું ભરી શકાય. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ‘ટુ ધ વર્જિન્સ, ટુ મેક મચ ઑફ ટાઇમ’માં હેરિક આજે કહેવત બની ગયેલી પંક્તિ આપણને આપે છે: ‘Gather ye rosebuds while ye may’ (કરી શકો ત્યાં સુધી તમારા ગુલાબ એકઠાં કરી લો) જોકે ચોથી સદીમાં ઑસોનિયસ આજ વત કરી ગયો હતો: ‘collige, virgo, rosas’, અર્થાત્ ‘ગુલાબ એકઠાં કર, છોકરી’. હેરિકનો જ સમકાલીન કવિ એન્ડ્રુ માર્વેલ એની બહુખ્યાત ‘કાર્પે ડિએમ’ કવિતા ‘ટુ હિસ કોય મિસ્ટ્રેસ’માં નાયિકાને કહે છે કે તારા એક-એક અંગોપાંગની યોગ્ય પ્રસંશા કરવા માટે તો યુગોના યુગો જોઈશે પણ સમયનો સૂર્ય યૌવનના ઝાકળને ઝડપભેર શોષી રહ્યો છે એટલે સમય હાથ પર હોય ત્યારે જ જીવનનો યથાર્થ ઉપભોગ કરી લઈએ. આજ વાત આપણે ત્યાં કબીર કહી ગયા:

काल करे सो आज कर, आज करै सो अब|
पल में परलय होयगी, बहुरी करेगा कब॥

સમયની શીશીમાંથી જીવનની રેતી સતત સરી રહી છે. જામ ગળતું છે ને મદીરા ઓછી છે એટલે જ ‘મરીઝ’ જિંદગીના રસને પીવામાં જલ્દી કરવાનું કહે છે ને?! હેરિક ડેફોડિલના અલ્પાયુને જોઈને રડે છે પણ હકીકતમાં એ રૂદન ડેફોડિલ કરતાં વધારે જાત માટે જ છે. આયખાની ધૂપસળી સતત બળી રહી છે એનો કવિને અંદેશો છે જ. જવાનું નક્કી જ છે પણ થોડું રોકાઈને જઈ શકાય તો સારું. બીજું કશું ન થઈ શકે પણ ઢળતા સૂરજની સાખે દિલથી પ્રાર્થના કરી શકાય તોય જીવન ધન્ય છે. જતાં જતાં ઈશ્વરને યાદ કરી લેવાય એ જ સાફલ્ય. શી ખબર, આપણી ભીતર રહેલા અજામિલે અંતઘડીએ પાડેલો ‘નારાયણ’નો પોકાર મોક્ષના દ્વાર પણ ખોલી દે! સુરેશ દલાલ એક મજાના ગીતમાં ગાય છે:

ગઈકાલ પર મૂકો ચોકડી, આવતીકાલ પર છેકો,
આ ક્ષણમાં તો ફૂલ થઈને વૃક્ષ જેટલું મ્હેકો.

કેવી મજાની વાત! આમેય કહ્યું છે ને, आप मूआ, पीछे डूब गई दुनिया; તો છીએ ત્યાં સુધી આજની જ ફિકર કાં ન કરીએ? કાલ કોણે દીઠી છે એમ કહેનારા કહી ગયા ને સાંભળનારા સાંભળતા આવ્યા છે પણ જિંદગીની પોણાભાગની સફર તો કાલ તરફ ઉદગ્રીવ નજરે તાકવામાં જ પતી જાય છે. વરસાદનું જે ટીપું હજી પડ્યું જ નથી એની સામે તાકવામાં ચાતક બાજુમાં પડેલા પાણીમાં ચાંચ નાખવાનું વિસરી જાય છે. આપણા સૌના જીવનની આ જ કમનસીબ વાસ્તવિક્તા છે. ‘કાર્પે ડિઅમ’ શીર્ષકવાળી કવિતામાં રૉબર્ટ ફ્રોસ્ટ આ વાસ્તવિક્તાની વાત કરે છે: ‘એ (જિંદગી) આજમાં ઓછી ને હંમેશા ભવિષ્યમાં વધુ જીવે છે; અને ભૂતકાળમાં આ બંને કરતાં પણ ઓછી જીવે છે.’ બૌદ્ધ ધર્મમાં પણ અસ્તિત્વના ત્રણ મૂળ સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત છે, ‘અનિત્ય જ નિત્ય છે’. નશ્વરતા વિશેની સમજમાંથી જ શાશ્વતી જન્મી શકે છે.

હેરિક કહે છે કે ‘કવિતા જેવી બીજી કોઈ વાસના નથી’ પણ ‘કવિતાની સનાતન શક્તિ’માં પોતાની શ્રદ્ધા દોહરાવતા એ કહે છે કે ‘કવિતા કવિને શાશ્વત બનાવે છે’, ને એટલે જ એ અન્યત્ર કહે છે, ‘તો પછી સારી કવિતાઓ પર ભરોસો કરો; એ જ માત્ર ઊંચે જશે; જ્યારે પિરામિડો, માણસની જેમ, લુપ્ત થઈ જશે, અંતિમસંસ્કારની આગમાં.’ રૉબર્ટ હેરિકને પણ જમાનો ઉનાળાના વરસાદ કે પ્રભાતના ઝાકળબુંદની જેમ જ બબ્બે ત્રણ-ત્રણ સદીઓ સુધી ભૂલી ગયો હતો પણ એની કવિતાઓમાં દમ હતો એટલે ખરી ગયેલો આ તારો પુનઃ પ્રકાશ્યો… નશ્વરતાને સ્પર્શ્યો તો એ શાશ્વતીને પામ્યો. ગઈ કાલ અને આવતીકાલની ચિંતામાં સૂકાવાના બદલે આજમાં કંઈક એવું કામ કરીએ, કંઈક એવું સર્જન કરીએ જેથી આપણું હોવાપણું સમયના હાંસિયાની બહાર વિસ્તરે અને જીવન લેખે લાગેલું ગણાય… ખરું ને?

ગ્લૉબલ કવિતા : ૫૫ : પાણીની કૂંચી -ઓક્ટાવિયો પાઝ

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
. Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

પાણીની કૂંચી

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
. ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઓક્ટાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

મન ચંગા તો કથરોટ મેં ગંગા

પ્રેમ. અનુભૂતિ તો એક જ છે પણ પ્રેમને નિરખવા માટે દરેકેની પાસે અલગ ચશ્માં છે અને દરેકના ચશ્માંમાંથી એ અલગ દેખાય છે અને વળી એક જ ચશ્માંમાંથી પણ અલગ અલગ સમયે એ અલગ અલગ નજર આવે છે. કેલિડોસ્કૉપ જ જોઈ લ્યો. જેટલીવાર જુઓ, નવી જ ભાત જોવા મળે. સ્ત્રી અને પુરુષને પોતપોતાની જાતીયતાની સમજણ આવી હશે એ પહેલાં આદિમાનવયુગમાં પણ પ્રેમનું અસ્તિત્વ હશે જ. લાગણી, ગમો, પ્રેમ, સમ્-ભોગ –આ બધું એક જ સમયરેખા પરના અલગ-અલગ બિંદુઓ જ છે માત્ર. ઑક્તાવિયો પાઝ એક નાનીઅમથી કવિતામાં એના ચશ્માંમાંથી એની નજરે આપણને એની પ્રેમની વિભાવના અહીં બતાવે છે.

ઑક્તાવિયો પાઝ લોસાનો. ૩૧-૦૩-૧૯૧૪ના રોજ મેક્સિકોમાં લેખક પરિવારમાં જન્મ. પિતા અને દાદા બંને રાજકીય પત્રકાર. દાદાની અંગત લાઇબ્રેરી લોહીમાં ઉતરી. ઑક્તાવિયોએ પારિવારીક પરંપરાનો નિર્વાહ કર્યો. ૧૯ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. ૨૦ની ઉંમરે ‘બરાન્ડલ’ નામનું સાહિત્યિક સમીક્ષાનું સામયિક મિત્રો સાથે મળીને આદર્યું. ૨૪ની વયે ‘ટોલર’ નામનું સામયિક શરૂ કર્યું. કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. રાજદ્વારી સેવામાં જોડાયા. ૧૯૬૨થી છ વર્ષ એ ભારતમાં મેક્સિકોના એલચી બનીને રહ્યા પણ ભારત સાથેનો એમનો સંબંધ છેક ૧૯૫૧થી હતો. ભારતની સંસ્કૃતિ, સભ્યતા, તત્ત્વચિંતન, કળા અને લોકાચાર સાથે પાઝ જે રીતે ભળી શક્યા છે એ અદભુત છે. એલિયટ વાઇનબર્ગરે કહ્યું, ‘બીજો કોઈ પાશ્ચાત્ય કવિ ભારતમાં એટલો ઓગળી ગયો નથી, જેટલો પાઝ. ચાળીસ વર્ષ સુધી ઓક્ટાવિયો પાઝની જિંદગી અને કામમાં ભારત મેક્સિકોનું જોડિયું બનીને રહ્યું.’ ઓલિમ્પિક રમતોની સાંજે, ૦૨-૧૦-૧૯૬૮ના રોજ સરકાર દ્વારા કરાયેલ લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થી દેખાવગીરોના નરસંહારના વિરોધમાં રાજીનામું આપ્યું. ભારત છોડતાં પહેલાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીના આમંત્રણને માન આપીને એમના પરિવાર સાથે ભોજન પણ લીધું. એ પછી પ્રોફેસર અને સંપાદકની જિંદગી. ૧૯૩૭માં એલેના ગારો સાથે લગ્ન. એક પુત્રી. ૧૯૫૯માં છૂટાછેડા. ૧૯૬૫માં મેરી-જૉઝે ટ્રામિની સાથે બીજા અને આખરી લગ્ન. ૧૯૯૦માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. ૧૯-૦૪-૧૯૯૮ના રોજ મેક્સિકો ખાતે જ કેન્સરના પ્રતાપે દેહવિલય. એમના મૃત્યુની ઘોષણા મેક્સિકોના પ્રમુખે ખુદ કરી કરી હતી.

ઉત્તમ કવિ અને લેખક. પદ્યમાં ગદ્યના રંગ અને ગદ્યમાં પદ્યની છાયા સતત આવજા કરતા જોવા મળે એ એમની ખાસિયત છે. એમની કવિતાઓ મુખ્યત્વે અતિયથાર્થવાદ, અસ્તિત્વવાદ ઉપરાંત માર્ક્સવાદ, હિંદુત્વ અને બૌદ્ધત્વના રંગે રંગાયેલી જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમનો, કળા અને વિવેચનાનો અભૂતપૂર્વ સમન્વય એમની કૃતિઓમાં જડે છે. ઑક્તાવિયોની કવિતાઓ મેક્સિકોના સમાજ, પ્રેમ, કામપ્રાચુર્ય, સમય અને બૌદ્ધવાદથી રસાયેલી છે. ફિલસૂફી, ધર્મ, રાજકારણ, કળા, અને મનુષ્યજાત વિશે એ ઝીણું કાંતે છે. મેન્યુઅલ દુરાન કહે છે, ‘સ્વની અને એક જ સાંસ્કૃતિક પ્રથાની ખૂબ જ ધીમી, લગભગ સૂક્ષ્મદર્શક તપાસ અચાનક વિસ્તરીને સાર્વત્રિક બની ગઈ પણ પોતાની આગવી લાક્ષણિકતાનો ભોગ લીધા વિના.’ મેક્સિકો નામના દૂરબીનમાંથી એ બ્રહ્માંડદર્શન કરાવી શક્યા છે એટલે જ એમની કવિતા સર્વકાલીન, સર્વપ્રાંતીય અને સાર્વજનિક બની રહી. એ માનતા કે કવિતા ‘આધુનિક યુગનો ખાનગી ધર્મ’ છે.

પ્રસ્તુત રચનાના શીર્ષક વિશે ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ (layastaro.com)ના સ્થાપક ધવલ શાહ કહે છે, ‘પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે. માટે જ કવિએ પાણીને ચાવી (આધ્યાત્મિકતા માટેની) કહ્યું છે.’ એક રીતે જોઈએ તો શીર્ષકની આ સમજૂતિમાં જ આખી કવિતા પૂરી થઈ જાય છે. એક જગ્યાએ પાઝ કહે છે, ‘કવિતા વાંચવી મતલબ આપણી આંખોથી સાંભળવું; અને એ સાંભળવી મતલબ આપણા કાનોથી એને જોવી.’ એ એવું પણ પૂછે છે, ‘શું એ વધુ સારું નથી કે જિંદગીને કવિતા બનાવવા કરતાં જિંદગીમાંથી કવિતા બનાવાય? અને શું કવિતાનો પ્રાથમિક હેતુ, કાવ્યસર્જન હોવાના બદલે, કાવ્યાત્મક ક્ષણોનું સર્જન ન હોઈ શકે?’ તો આ કવિતાને કોરાણે મૂકીને આપણે પાઝે સર્જેલી કાવ્યાત્મક ક્ષણોને આંખથી સાંભળીએ અને કાનથી જોઈએ તો?

પાઝનું ભારત સાથેનું જોડાણ આ રચનામાં સાફ નજરે ચડે છે. સાવ નાની અમસ્તી રચના છે પણ ગાગરમાં સાગર જેવી. ઋષિકેશ અને ગંગાથી વાતની શરૂઆત થાય છે. ગંગા સાથેનો આપણો સંબંધ આદિથી જ પવિત્રતા, શુદ્ધિકરણ અને મોક્ષનો રહ્યો છે. વિષ્ણુએ વામનાવતારમાં બલિ પાસે માંગેલ ત્રણ પગલાં જમીન મેળવવા માટે સ્વર્ગમાં પગ લંબાવ્યો ત્યારે કહે છે કે બ્રહ્માએ જે પાણી વડે એમનું પાદપ્રક્ષાલન કર્યું હતું એ જ ગંગા. એટલે જ ગંગા બ્રહ્માની પુત્રી પણ ગણાય છે. પછી જ્યારે કપિલમુનિએ ક્રોધવશ સગરરાજાના સાંઠ હજાર પુત્રોને બાળી નાંખ્યા ત્યારે એમના વંશજ ભગીરથે પૂર્વજોના આત્માની મુક્તિ માટે તપશ્ચર્યા આદરીને ગંગાનું પૃથ્વી પર અવતરણ કર્યું અને ગંગાના આવેશથી પૃથ્વી-પાતાળને રક્ષવા માટે શંકર ભગવાને એને પોતાની જટામાં ઝીલી લીધી. ગંગામાં નહાવાથી જનમભરના પાપ ધોવાઈ જાય છે અને મુક્તિ મળે છે એ હિંદુ ધર્મની સનાતન માન્યતા છે. માણસ અવસાન પામે ત્યારે એના મુખમાં ગંગાજળ મૂકવાનો રિવાજ પણ આ જ કારણોસર પ્રચલિત થયો છે અને લાશ પણ મોક્ષાર્થે જ ગંગામાં વહાવવામાં આવે છે. ગંગાનું પાણી વર્ષો સુધી સાચવવા છતાં સડતું નથી એ એની લાક્ષણિકતા છે પણ આજે ગંગા વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં પાંચમા ક્રમે આવે છે એ દુર્ભાગ્ય પણ વાસ્તવિક્તા છે.

કવિ કહે છે, ઋષિકેશથી આગળ નીકળ્યા પછી પણ ગંગા હજી લીલી જ છે. નિર્મળ આધ્યાત્મિકતા અને જાતીયતાના બે ધ્રુવ વચ્ચે સમતુલન જાળવતી આ લઘુરચનામાં કવિ રંગોની નાજુક પીંછી ફેરવીને એક મજાનું ચિત્ર ઊભું કરે છે. ગંદા કપડાં પાણીમાં ધોવામાં આવે તો પાણી ગંદુ થઈ જાય છે પણ ગંગા ઋષિકેશમાં હજારો-લાખો લોકોના પાપ ધોઈને આગળ વધે છે એ છતાં હજી લીલી છે. લીલો રંગ મોટાભાગે અહીં ફળદ્રુપતાની નિશાની છે. આટઆટલા પાપ ધોવા છતાંય ગંગા હજી પણ જેટલા શ્રદ્ધાળુઓ આવે એ બધાના પાપ ધોઈ શકે એટલી ફળદ્રુપ છે. એવુંય ગણી શકાય કે શહેર પૂરું થયા બાદ આરંભાતી વનરાજીનો હરિતવર્ણ ગંગાજણ ઝીલતું હોય. એક શક્યતા એવી પણ છે કે લીલો રંગ ગંગાનું પ્રદૂષણ ઈંગિત કરતો હોય. જો કે જોકે કવિતામાં આવતા બધા જ સંદર્ભો સ્વચ્છતા અને પવિત્રતા સાથે સંબદ્ધ છે એટલે આ અર્થઘટન સાચું નથી લાગતું. પાઝ ભારતીય સંસ્કૃતિથી વાકેફ હતા એટલે એવું પણ વિચારી શકાય કે લીલો રંગ આગળ નિર્દિષ્ટ થતી કામકેલિનો નિર્દેશ પણ કરતો હોઈ શકે. બને. કવિતાની મજા જ એ છે કે દરેક ભાવક એને પોતાની દૃષ્ટિએ મૂલવીને આનંદ લઈ શકે. પાઝ પણ કહે છે, ‘કવિતાનો હેતુ માનવજાતમાં આશ્ચર્યની શક્યતાને પુનર્સ્થાપિત કરવાનો છે.’

ઋષિકેશ પછી ગઢવાલ હિમાલય શરૂ થઈ જાય છે અને આ પર્વતોની ટેકરીઓમાં કાચ જેવી સ્વચ્છ ક્ષિતિજ જાણે ટુકડા-ટુકડા થઈ જતી હોય એમ લાગે છે. કાવ્યનાયક અને નાયિકાનો અહીં ‘અમે’થી કાવ્યપ્રવેશ થાય છે. બંને જણ સાથે સ્ફટિક ઉપર સાથે ચાલે છે. ‘સ્ફટિક’ શબ્દ શુદ્ધતા અને સૌંદર્ય છતા કરે છે. પ્રેમમાં બે જણ સાથે હોય ત્યારે સૃષ્ટિ આખી બદલાઈ જાય છે. પાઝ કહે છે, ‘પ્રેમ કરવો યાને યુદ્ધ કરવું, દરવાજા ખોલવા. દુનિયા બદલાઈ જાય જો બે જણ એકમેક સામે જોઈ શકે અને જુએ તો.’ પ્રેમ દુનિયા બદલી શકે છે. બે અલગ-અલગ વ્યક્તિ જેમ પ્રેમમાં એકમેકમાં ભળી જાય એમ ભારતની ગંગાની અડોઅડ મેક્સિકોની ખાડીઓ મૂકીને કવિ બે સંસ્કૃતિઓને એકમેકમાં ઓગાળી દે છે. જેમ ગંગા આપણા માટે પવિત્ર છે એમ કોઈપણ મેક્સિકન માટે એમના દેશની ખાડીઓ મહાન અને શાંતિદૂત જેવી પવિત્ર છે.

બંને પ્રેમીઓ સંબંધની શુદ્ધતામાં વિચરી રહ્યાં છે. ઉપર-નીચે, મનોમસ્તિષ્કમાં બધે જ સમુદ્રખાડી જેવી નિશ્ચલ શાંતિ પ્રવર્તી રહી છે. ભૂરો અવકાશ સંબંધની વિશાળતા, સફેદ પથ્થરો સાફ નિયતની દૃઢતા અને કાળાં વાદળો પ્રેમભર્યા વરસવા આતુર હૈયા સૂચવતા હોય એમ લાગે છે. પાઝના મતે ‘પ્રેમ અન્યના અસ્તિત્વ સોંસરા જવાની કોશિશ છે, પણ એ ત્યારે જ સફળ થાય જ્યારે સમર્પણ પારસ્પરિક હોય.’

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. દેશ સર્વનામ હવે સરહદ વળોટી ચૂક્યું છે. પૂર્વ અને પશ્ચિમ હવે એક થઈ ચૂક્યાં છે. બે પ્રેમીઓ ‘અમે’ થઈને મ્હાલી રહ્યાં છે અને અહીં પુણ્યઝરાઓનો તોટો નથી. ખરાબ કામો, ખરાબ સ્વભાવ, ખરાબ ભૂતકાળ – બધું જ જેમાં ઝબોળીને શુભ્ર-શુદ્ધ થઈ શકાય એવા ઝરણાંઓથી આ દેશ ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ પંક્તિ પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે. એટલે જ અનુવાદ કરતી વખતે આ પંક્તિને અલગ તારવવા માટે હિંદી ભાષાનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે મૂળ કવિ અને કવિતાનો હેતુ માર્યો ન જાય.

પાઝ કહે છે, ‘પ્રેમ કરવો એટલે આપણા નામને અનાવૃત્ત કરવાં.’ એ એમ પણ કહે છે, ‘પ્રેમ એ સૌંદર્યની કામના નથી, એ સંપૂર્ણતા માટેની તડપ છે.’ આ વાત આખરી પંક્તિમાં નજરે ચડે છે. આખી વાત વીતી ગયેલી એક રાતની છે. કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પાઝ કહે છે, ‘મનુષ્ય ક્યારેય એ નથી જે એ છે, પણ એ છે જે એ શોધે છે.’ અહીં પણ કવિ સેક્સભૂખ્યો પ્રેમી નથી, એ પ્રેયસી સાથે સાયુજ્યતા ઝંખતો પૂજારી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીએ પાઝને ફરી આમંત્ર્યા હતા પણ ઇંદિરાની હત્યા થઈ. પછી ૧૯૮૫માં રાજીવ ગાંધીના આમંત્રણને માન આપીને પાઝ છેલ્લીવાર ભારત આવ્યા હતા. ભારત સાથેનો એમનો અનુબંધ એક પ્રવાસી કે રાજદ્વારીનો કદીય હતો નહીં. પહેલવહેલીવાર ભારત આવ્યા ત્યારે પહેલા જ દિવસે તાજ હોટલમાં કપડાં બદલીને એ સીધા શેરીઓમાં વસતા ભારતને આલિંગવા દોડી ગયા હતા. એક સમયે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનુંય વિચાર્યું હતું. લેટિન અમેરિકાની નસોમાં વહેતું ભારતીય રક્ત પ્રેમને પૂજાની કક્ષાએ લઈ આવે છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

ખ્રિસ્તી ધર્મમાં પણ પાણીનો એવો જ મહિમા છે. બાપ્ટિઝમ વિના ચર્ચપ્રવેશ શક્ય નથી. ધર્મસ્થળે પ્રવેશતાં પહેલાં કે પ્રાર્થના-ઉપદેશ પહેલાં અને પછી પાદરીઓ હાથ-પગ ધુએ છે. કહે છે: ‘હે પ્રભુ! મને મારા અધર્મમાંથી ધોઈ નાંખ અને મારા પાપમાંથી સાફ કર.’ પાઝનો પાક અભિગમ એમની વાતમાંથી પણ સાફ થાય છે: ‘કામકેલિ સહજ છે; તે પ્રકૃતિમાં એક ભૂમિકા ભજવે છે. વિચાર પરિચિત છે, પણ એમાં એક વિસંગતિ છે: કામવાસનાથી વધુ સાહજીક બીજું કંઈ નથી; અને બીજું કંઈ નથી જે એ સ્વરૂપો કરતાં ઓછું સાહજિક હોય જેમાં એ પ્રગટ અને સંતુષ્ટ થાય છે.’ સમજી શકાય છે કે પાઝ માટે મનની જિંદગી તનની જિંદગીથી બહુ અળગી કે અલગ નથી. કદાચ આજ ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ની વિચારધારા કાવ્યાંતે ઝળાંહળાં થાય છે જ્યારે સ્તનને પવિત્ર ગણીને નાયક એમાં પોતાના હાથ ધુએ છે.

અંતે પાઝની જ ‘સનસ્ટોન’ નામની દીર્ઘકવિતાનો એક અંશ મમળાવીએ:

કેમકે બે શરીર, નગ્ન અને વીંટળાયેલાં,
સમય પરથી કૂદી જાય છે, તેઓ અભેદ્ય છે,
કશું જ તેમને સ્પર્શી નહીં શકે, તેઓ મૂળ તરફ પરત ફરે છે,
ત્યાં કોઈ તું નથી, હું નથી, આવતીકાલ નથી,
ગઈકાલ નથી, નામ નથી, બે જણનું સત્ય
એક જ કાયામાં, એક જ આત્મામાં,
ઓહ સંપૂર્ણ હોવું…

ગ્લૉબલ કવિતા: ૫૪ : પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

પ્યાદું

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજ – તકલીફોના પહાડ પરથી આત્મહત્યાનો ભૂસકો..

મૃત્યુ જીવનના રસ્તાની આખરી અને નિશ્ચિત મંઝિલ છે એ જાણવા છતાં કોઈ મુસાફરી છોડી દેતું નથી. કયો શ્વાસ છેલ્લો છે જાણતાં ન હોવા છતાં કોઈ લીધેલો શ્વાસ પકડીને બેસી રહેતું નથી. જીવન પણ કદી સીધું કે સરળ હોતું નથી. શતરંજની બાજી જેવી જિંદગીમાં એક પગલું શ્વેત છે તો બીજું શ્યામ. ચારેતરફથી અનવરત હુમલાઓ થતા જ રહે છે. જીવનશતરંજ સામાની ચાલબાજી અને આપણી ચાલની બાજી છે. ચારેતરફ બની-બેઠેલાં સ્થાપિત હિતોની ભીડ વચ્ચે કૉમનમેન એક પ્યાદા સમો છે. કવાફીની કવિતા આ પ્યાદાની કવિતા છે.

વીસમી સદીના સૌથી પ્રસિદ્ધ ગ્રીક કવિનું નામ લેવું હોય તો કોન્સ્ટન્ટિન પીટર કવાફી પર તરત જ આંગળી મૂકી શકાય. જન્મતારીખ અને મૃત્યુતારીખ એક જ પણ વચ્ચે ૭૦ વર્ષનું અંતર. (૨૯-૦૪-૧૮૬૩ ~ ૨૯-૦૪-૧૯૩૩; એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) સાત વર્ષની વયે પિતાનું અવસાન. કુલ આઠ ભાઈ-બહેન. દારુણ ગરીબીનો અનુભવ થયો. અખબાર અને સ્ટોક એક્સચેન્જમાં પણ કામ કર્યું. સિંચાઈ ખાતામાં ૩૦ વર્ષની સરકારી નોકરી. ૯થી ૧૬ની તરુણ વય ઇંગ્લેન્ડમાં પસાર થઈ જ્યાં કવિતા અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. પહેલી કવિતા ગ્રીકના બદલે અંગ્રેજીમાં લખી. યુદ્ધના ખતરાની ઘંટડી સાંભળીને માતા સંતાનો સાથે કોન્સ્ટન્ટિનોપલ આવી ગઈ અને એલેક્ઝાન્ડ્રિયાનું ઘર કવાફીના કાગળિયાં અને પુસ્તકો સહિત બોંબમારામાં તબાહ થઈ ગયું. તરુણાવસ્થામાં જ કવિતા અને સમલૈંગિકતા તરફ વળ્યા. જીવનકાળ દરમિયાન કવાફી એકાંતપ્રિય રહ્યા અને પોતાની કવિતાઓ છપાવવામાં બહુ રસ લીધો નહીં. એમની રચનાઓ એમના મિત્રમંડળમાં જ ફરતી. કદાચ કવિતામાં સાફ ડોકાતી જાતીય અંગત જિંદગી આ નિરસતા પાછળનું કારણ હોઈ શકે. ડબ્લ્યુ. એચ. ઑડેન લખે છે: ‘કવાફી હોમોસેક્સ્યુઅલ હતા અને એની કામુક કવિતાઓએ કદી હકીકત છૂપાવવાની કોશિશ કરી નથી…. પ્રેમ એમના માટે શારીરિક આનંદથી વિશેષ કંઈ નહોતો… પણ સાથોસાથ, એ એવો દેખાવ કરવાનો ઇનકાર કરે છે કે વિષયસુખની ઘડીઓ નાખુશ હતી કે ગુનાહિત લાગણીઓથી ખરડાયેલી હતી.’ ઇતિહાસના ઊંડા અભ્યાસુ. પરિણામે ગ્રીક અને રોમન ઇતિહાસ પણ એમની કવિતાઓમાં અવારનવાર ડોકાય છે. કવાફીની કવિતાનો ત્રીજો અગત્યનો આયામ મૃત્યુ છે. સ્વરપેટીના કેન્સરથી એમનું નિધન થયું. મરતાં પૂર્વે એમણે એક કોરા કાગળ પર વર્તુળ દોર્યું અને એની મધ્યમાં ટપકું મૂક્યું.

એમની શૈલી પણ અનૂઠી અને બિલકુલ મૌલિક હતી. ભાષા સપાટ, વાત સીધી. લય અને સંગીત એમની કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે. એ સ્ફુરે એટલી કવિતા કાગળ પર લખીને પરબીડિયામાં મૂકી રાખતા. જ્યારે એમ લાગે કે કવિતા પૂરી કરી શકાય એમ છે ત્યારે પરબીડિયું ખોલીને આગળ વધતા. જીવનભર આજ પદ્ધતિ એમણે રાખી. એમની કવિતાઓ વર્ષોના પુનર્વિચાર અને પુનર્લેખનની નીપજ છે. ગ્રીક કવિ જ્યૉર્જ સેફેરિસે કહ્યું હતું: ‘એની કવિતાની બહાર કવાફીનું અસ્તિત્વ જ નથી.’ કવાફી પોતે પોતાને ‘કવિ-ઇતિહાસકાર’ અને ‘કવિ-નવલકથાકાર’ તરીકે ઓળખાવતા.

પ્રસ્તુત રચનામાં વાત શતરંજની રમતની છે. ૮-૮ની ૮ હરોળમાં કુલ ચોંસઠ કાળાં-સફેદ ચોકઠાંમાં બે હરીફો વચ્ચે ખેલાતું વૈચારિક મહાયુદ્ધ એટલે શતરંજ. બંને પક્ષે એક રાજા, એક રાણી(કે વજીર), બે ઊંટ, બે ઘોડા, બે હાથી અને આઠ પ્યાદાંઓનું બનેલ સૈન્ય સદીઓથી વિશ્વ આખાને હચમચાવતું રહ્યું છે. ચોપાટની રમત અને ગ્રાંડ માસ્ટર મામા શકુનિ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આજની ચેસનું સ્વરૂપ ઘડાયું હોવાનું મનાય છે. છઠ્ઠી સદીમાં એ ‘ચતુર-અંગ’ (ચાર અંગ-પાયદળ, ઘોડેસવાર, હાથીસવાર અને રથી) તરીકે ઓળખાઈ અને રેશમના વેપારના રસ્તે પૂર્વ અને પશ્ચિમમાં પ્રસરી. સૌપ્રથમ સુબંધુ (ઈ.સ. ૪૫૦)ની ‘વાસવદત્તા’ અને બાણભટ્ટ (ઈ.સ.૬૨૫)ના ‘હર્ષચરિત’માં તેમજ રુદ્રતના ‘કાવ્યાલંકાર’માં ચતુરંગનો ઉલ્લેખ જોવા મળે છે. આ ચતુરંગ-ચતરંગ પરથી જ અરબી ભાષાનો શતરંજ શબ્દ ઉતરી આવ્યો છે.

કવાફી આ અછાંદસ રચનાને ૧૬-૨-૩-૫ પંક્તિઓના અનિયમિત ભાગમાં વહેંચે છે. છંદની ગેરહાજરી અને સ્વરૂપની અનિયમિતતા શતરંજની રમતમાં સર્જાતા કેઓસ-અરાજકતાની સૂચક હોઈ શકે? પ્રથમ સોળ પંક્તિમાં કવિતાનો પિંડ આરામથી બંધાય છે પણ પછી મૃત્યુની ઝાપટ ગતિ સાથે આવે છે. સમજી શકાય છે કે નાયકને શતરંજમાં રસ છે, આટાપાટા જોવા ગમે છે એટલે જ એ ઘણીવાર શબ્દ પ્રયોજાયો છે. શતરંજ ખેલનારાઓને જોતી વખતે નાયકની આંખ એક પ્યાદા પર સ્થિર થઈ જાય છે જે એક-એક પગલું આગળ વધીને સમયસર છેલ્લી પંક્તિ સુધી પહોંચી જાય છે. અહીં પહોંચવા માટેનો એનો ઉત્સાહ અને ચપળતા એવા હોય છે કે સહેજે એમ જ લાગે કે આ આખરી પંક્તિ એની જિંદગીનું સાચું ગંતવ્ય હશે અને ત્યાં પહોંચતાવેંત જ જીતની ઉજવણી શરૂ થઈ જશે. એનો રસ્તો સરળ નહોતો. ચારેતરફથી એના માથે મુસીબતોના પહાડ તૂટતાં જ રહે છે પણ બધા જ ખતરાઓ વટાવીને એ આખરી પંક્તિ સુધી સમયસર પહોંચી જાય છે. આખી રચનામાં ‘આખરી પંક્તિ’ અને ‘સમયસર’ ત્રણવાર પ્રયોજાયા છે જે આ આખી કવાયતને બરાબર અંડરલાઇન કરી આપે છે.

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! ભઈ વાહ! પ્યાદાને ખબર જ છે કે ત્યાં પહોંચતાવેંત જ એ નાશ પામશે જેના માટે એ તકલીફો ઊઠાવી રહ્યું છે, મુસીબતો સામે ઝઝૂમી રહ્યું છે પણ શતરંજના નર્કાગારમાં ધકેલાવા પાછળનો એનો એકમાત્ર ઉદ્દેશ કમોતે મરી ગયેલી રાણીને એની કબરમાંથી પુનર્જીવિત કરીને પુનઃ રમતમાં આણવાનો છે. રમતનો મૂળ ઉદ્દેશ તો પોતાના રાજાને બચાવવાનો અને સામાના રાજાને ચેક-મેટ આપી મત કરવાનો છે પણ પ્યાદું જાણે છે કે રાજાને એકલા હાથે બચાવવાનું તો એનું ગજું નથી જ પણ યેનકેન પ્રકારે સામે છેવાડે પહોંચી જઈ શકાય તો રાણીને ફરી રમતમાં લાવી શકાય અને તો બંને મુરાદ બર આવવાની સંભાવના વધારે છે.

જીમ ક્લાસ હિરોઝ એમના આલ્બમ ‘ધ ક્વિન એન્ડ આઇ’માં ગાય છે: ‘રાણી બીજું કંઈ નથી, એક પ્યાદું છે વિલક્ષણ મુદ્રાધારી.’ વાત સાચી છે પણ શું પ્યાદાની કુરબાનીના ભોગે પુનર્જીવન પામનાર રાણી કદી પ્યાદાને પુનર્જીવન આપવાની કોશિશ કરશે ખરી? શતરંજનું રૂપક હંમેશા જિંદગીની સાથે સંકળાતું આવ્યું છે. ચૌસરની ‘કેન્ટરબરી ટેલ્સ’, શેક્સપિઅરના ‘ધ ટેમ્પેસ્ટ’, થોમસ ઇલિયટની ‘બુક ઓફ ગવર્નર’, એડગર એલન પો, જ્યૉર્જ એલિયટ, થોમસ હાર્ડી, અગાથા ક્રિસ્ટી- વિશ્વસાહિત્યના ખૂણેખૂણે શતરંજની રમત અને એના નાનાવિધ રૂપક તરીકેનાં પ્રયોજન જોવા મળશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

કવિતાનો આખરી બંધ જ આ આખા રમતવર્ણનને કવિતાનો દરજ્જો આપે છે. પોતે નાશ પામશે એની જાણ હોવા છતાં પ્યાદું એટલા માટે તકલીફોના પહાડ ચડીને આત્મહત્યા કરવા ધસમસી જાય છે કે એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જે દિવસે માનવજાતનો પહેલવહેલો નેતા જન્મ્યો હશે એ દિવસે જ પ્યાદાં-વ્યવસ્થાનો પણ જન્મ થયો હશે. એકવીસમી સદીનો સળગતો પ્રશ્ન આતંકવાદ છે અને આ સમસ્યા સતત સળગતી જ રહેવા પાછળનું પ્રમુખ કારણ નાના માણસોનું બ્રેઇનવૉશ કરીને કરવામાં આવતું પ્યાદાકરણ જ છે. પ્યાદાંઓ સતત ફના થવા માટે તત્પર જ રહે છે, કેમકે એ જ રીતે એમનું માઇન્ડસેટ કરવામાં આવ્યું છે. એક બહેતર કલ્પવિશ્વની મૃગજળી આશામાં આજના વિશ્વને દોઝખ બનાવી દેવાયું છે. આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓમાં માનવજાતના પ્યાદાકરણ અને સરમુખત્યારશાહીના જોખમોની આગાહી રુંવાડા ઊભા કરી દે છે. વર્જિનિયા એલિસન કહે છે, ‘જો મારે રમતમાં પ્યાદું જ બનવું હોત, તો મેં ચેસની પસંદગી કરી હોત…’

વિલ્હેમ સ્ટૈનિટ્ઝ નામના ચેસ-માસ્ટરે કહ્યું હતું: ‘બલિદાનનો શ્રેષ્ઠ રદિયો એનો સ્વીકાર છે.’ બીજી તરફ
ફ્રાન્કોઇસ ફિલિડોર નામનો ૧૮મી સદીનો ખેલાડી ‘પ્યાદાં શતરંજનો આત્મા છે’ એમ કહે છે. હકીકત એ છે કે પ્યાદાં એ આપણી પદપ્રણાલિ (hierarchy)નું સૌથી અનિવાર્ય હોવા છતાં નિમ્ન કોટિનું અંગ બની ગયું છે. માનવતાને સંબોધીને ઈ.ઈ.કમિંગ્સ કહે છે, ‘હું તને ચાહું છું કેમકે જ્યારે તું મુસીબતમાં આવી પડે છે ત્યારે તું તારી બુદ્ધિમતાને પ્યાદું બનાવીને ડ્રીંક ખરીદી લે છે.’ પ્યાદાને પગથિયું બનાવીને ઉપર ચડવાની પ્રથા આપણા લોહીમાં એ રીતે ઓગળી ગઈ છે કે ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ ત્યાં અલગ-અલગ સ્વરુપમાં પ્યાદાંઓ સામેની આખરી કતાર સુધી સમયસર પહોંચી જવાની હોડમાં જાનની બાજી લગાવી દોડતાં નજરે ચડે છે. પ્યાદાંની કુરબાનીઓના ભોગે નવજીવન પામેલી કોઈ રાણીએ પ્યાદાંઓને ઊગારી લીધા હોવાના દાખલાઓની બાબતમાં ઇતિહાસ લગભગ વાંઝિયો છે. ટૂંકમાં આ કવિતા સર્વકાલીન સર્વસ્થાનીય માનવજીવનની સર્વશ્રેષ્ઠ વિભાવના છે. શતરંજની રમતની બાબતમાં સૌથી ઉત્તમ બાબત કોઈ હોય તો એ એ છે કે શતરંજ તમને શીખવે છે કે તમે કોઈપણ પગલું ભરવા માટે સ્વતંત્ર છો પણ દરેક પગલું એની સાથે એનાં પરિણામ લઈને જ આવે છે.

ગ્લૉબલ કવિતા : ૫૩ : ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ

Talking in their sleep

“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”

“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”

“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”

– Edith Matilda Thomas

ઊંઘમાં બબડાટ

“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.

– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

શંકા મૃત્યુ છે, વિશ્વાસ જિંદગી છે…

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસે કહ્યું હતું, ‘માત્ર પરિવર્તન જ સ્થિર છે’ (Change is the only constant). પ્રકૃતિમાં ગતિમાં જ સ્થિરતા છે. એવી રાત જ નથી બની જેની પાછળ દિવસ નથી ઊભો અને એવો દિવસ જ ઊગ્યો નથી જે રાતમાં આથમતો નથી. કાળચક્ર અને ઋતુચક્ર સતત ફરતાં જ રહે છે. पुनरपि जननम, पुनरपि मरणम, पुनरपि जननी जठरे शयनम। (શંકરાચાર્ય). જે બિંદુથી શરૂ કરીએ છીએ, ફરી એજ બિંદુએ આવીને ઊભા રહેવાનું છે. ‘આ સમય પણ ચાલ્યો જશે’ એટલું સમજી લેવાય તો સુખમાં છકી ન જવાય ને દુઃખમાં મરી ન જવાય. પ્રસ્તુત રચના પણ કાળચક્રના પરિવર્તનના આ નિયમને જ સરળ-સહજ-સાધ્ય ભાષામાં રજૂ કરે છે.
એડિથ મટિલ્ડા થોમસ. ૧૨-૦૮-૧૮૫૪ના રોજ અમેરિકાના ઓહાયો ખાતે જન્મ. બાળપણથી જ કળા તરફ ઝૂકાવ. કાકાએ કીટ્સનો સંગ્રહ ભેટ આપ્યો, જેનાથી તેઓ ખાસ્સા પ્રભાવિત રહ્યાં. આ ઉપરાંત અમેરિકન લેખક હેલન હન્ટ જેક્સનનો પોતાના સર્જન પર પ્રભાવ હોવાનું એડિથે પોતે સ્વીકાર્યું છે. ૧૮૮૭ પછી ન્યૂયૉર્કમાં જ રહ્યાં અને ૧૩-૦૯-૧૯૨૫ના રોજ દેહાવસાન. ન્યૂયૉર્ક ટાઇમ્સે એમને ‘સૌથી વધુ નામાંકિત અમેરિકન કવિઓમાંના એક’ લેખાવ્યાં.

કવિતા ઉપરાંત નિબંધો અને વિવેચનગ્રંથો પણ એમણે આપ્યાં. છંદો પરની પકડ અને અમલ તથા અનવરત ગ્રીક ઉલ્લેખોની દૃષ્ટિએ સાચા અર્થમાં શાસ્ત્રીય કવિ હતાં. શાસ્ત્રીય કવિતાથી માંડીને હળવાંફૂલ ગીતો સુધી એમની સીમા વિસ્તરી હતી. આધુનિકીકરણ અને શહેરીકરણની ઉત્તેજનાને સાચા અર્થમાં વાચા આપનાર કદાચ તેઓ પ્રથમ કવયિત્રી હતાં. કેનેડિયને કવિ ચાર્લ્સ રૉબર્ટ્સે એડિથ માટે કહ્યું હતું: ‘આ ગીતો એટલા બધા રક્તરંગી છે, વિચારો અને કલ્પનાઓમાં એટલા બધા સઘન, એટલા બધા પરિપૂર્ણપણે વ્યક્તિગત અને વચનમાં મુક્ત છે કે એના લેખકનું નામ ક્યારનું દીવા જેવું સુસ્પષ્ટ બની ગયું છે…’ એન લિન્ચ બોટા નામની કવયિત્રી ‘ટુ મિસ એડિથ એમ. થોમસ’ કવિતામાં લખે છે કે, ‘એડિથ, તારો પાંખાળો ઘોડો એક તારો બની ગયો છે ને તને દૂરસુદૂરના સ્વર્ગમાં લઈ જાય છે. આ તારાઓ અથવા નાયકો અને દેવતાઓથી ભરેલું પ્રાચીન ગ્રીસ તારું ઘર છે, જ્યાં તું સૉનેટ અને ગીતો સાથે પ્રણયચેષ્ટા કરે છે; મા પ્રકૃતિ એનો પાસવર્ડ કે ચાવી અમારામાંથી શ્રેષ્ઠતમને પણ આપતી નથી પણ તારી પાસે એ બંને છે, અને તારી ફુરસદે તું એના સૌથી રહસ્યમયી ઠેકાણાઓ, અને સૌથી બહુમૂલ્ય ખજાના મેળવી શકે છે. અમારા ટટ્ટુઓ તો દોડ માટે બન્યાં જ નથી અને શ્રેષ્ઠ કોશિશો બાદ પણ તારી સાથે તાલમેલ રાખી શકે એમ જ નથી.’ આ કવિતા પરથી એડિથનું સ્થાન અને સન્માન બંને સમજી શકાય છે.

કવિતાનું શીર્ષક છે, “ટૉકિંગ ઇન ધેર સ્લીપ” પરથી સમજી શકાય છે કે આ નિદ્રાલાપ યાને સૉમ્નિલોકી (Somniloquy)ની વાત છે. સૉમ્નિલોકી ‘પેરાસોમ્નિયા’ (ઊંઘમાં થતા અકુદરતી વર્તનની બિમારીઓ)નો એક પ્રકાર છે. ઊંઘમાં બોલવું કે ચાલવું એ ઘણી સહજ વાત છે. આંકડાઓ કહે છે કે દુનિયામાં પચાસ ટકા બાળકો અને ચાર ટકા વયસ્કો ઊંઘમાં બોલતા હોય છે. ઊંઘમાં માણસ અસ્પષ્ટ બબડાટથી લઈને સુસ્પષ્ટ ઘાંટા પણ પાડી શકે છે. ક્યારેક દિવસ દરમિયાન ઘટેલ આખેઆખો ઘટનાક્રમ માણસ ઊંઘમાં બોલતો હોય છે, જેમાં ઊંઘમાં બોલનારને તો આપણે સાંભળી શકીએ છીએ પણ સામાના પાત્રોના સંવાદ અને સ્થળ વિશે આપણે કલ્પના જ કરવાની રહે. નવાઈ લાગે પણ નિદ્રાલાપ બહુધા વારસાગત હોય છે. શેક્સપિઅરના ‘મેક્બેથ’ નાટકમાં લેડી મેકબેથનું મીણબત્તી લઈને ઊંઘમાં ચાલવાનું અને બોલવાનું દૃશ્ય બહુખ્યાત છે. વૉલ્ટ વ્હિટમેને ‘ધ સ્લીપટૉકર’ નામની નવલકથા પણ લખી હતી. લૉર્ડ બાયરન પણ ‘પરિસિનિયા’માં નિદ્રાલાપનો ઉલ્લેખ કરે છે જ્યારે હ્યુગો પથારીમાં બીજાની સ્ત્રીને ભોગવવાની લાલચથી જાય છે અને એ સ્ત્રી દિવસે જે નામ બોલવાની હિંમત ન કરી શકાય એ નામ ઉચ્ચારે છે. (And mutters she in her unrest, a name she dare not breathe by day)

૧૮૮૫માં એડિથે આ ગીત લખ્યું ત્યારે તેઓ નામાંકિત કવયિત્રી થઈ ચૂક્યાં હતાં. શાળાના પાઠ્યપુસ્તકોમાં આવતી આ કવિતા પેઢી દર પેઢી હજારો-લાખો વિદ્યાર્થીઓએ મોઢે કરી હશે. ખૂબ જ સરળ ભાષામાં -લગભગ બાળકાવ્ય લાગે એટલી સરળ ભાષામાં કામ કરવાનું જોખમ એડિથે લીધું છે. કવિતામાં સજીવારોપણ કે વ્યક્તિકરણ (પર્સોનિફિકેશન)ના પ્રયોગ એ ચોથું પરિમાણ છે. નિર્જીવ વસ્તુના વિચારો રજૂ કરીને કવિ નવી જ દિશામાં ભાવકને લઈ જવાનો પ્રયાસ આ દ્વારા કરે છે. અહીં પણ એડિથે સજીવારોપણ વડે સામાન્ય લાગતી બાબતને અસામાન્ય બનાવીને કાવ્યતત્ત્વ જન્માવ્યું છે. ગુજરાતીમાં જેમ કટાવ છંદ પ્રયોજાય છે એમ કવયિત્રીએ અહીં આયંબ મીટર પ્રયોજ્યું છે. ત્રણ અંતરાની આ કવિતાના દરેક અંતરાની પ્રાસરચના AABCCB DEED પ્રકારની છે અને દરેક અંતરો એક જ સવાલની પુનરુક્તિથી શરુ થાય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે શિયાળાના કાતિલ દિવસોની અહીં વાત છે. હિમવર્ષાના કારણે સૃષ્ટિ સમગ્ર થીજી ગઈ છે. શીતનિદ્રા જ છે પણ મૃત્યુ જેવી લાગે છે. ‘વિન્ટર-સ્લીપ’ નામની એક કવિતામાં એડિથ કહે છે, ‘મને ખબર છે કે હું મરી જ રહી રહું છું, કેમકે હું વલખી રહી છું જિંદગી માટે- જિંદગી, મજબૂત જિંદગી, અને નથી કરી રહી વિચાર કબરનો, આ બર્ફિલા વરસમાં.’

સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. ઊંઘ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. ઊંઘ અને મૃત્યુની વચ્ચે માત્ર શ્વાસ જેટલો જ તફાવત રહેલો છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે.

સૌપ્રથમ સફરજનનું ઝાડ કવયિત્રીને પૂછે છે, ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ શિયાળા અને બરફના કારણે ઝાડ પર એકે પાંદડાં બચ્યાં નથી, ડાળો બરફના ભારથી ઝૂકી-તૂટી ગયેલી છે અને થડ પર શેવાળ બાઝી રહી છે. પણ આવતા મે મહિનાની વસંત માટેની કૂંપળ એના હૈયામાં ગોપવીને એ ઊભું છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. નાયિકાને જે ઝાડ મરણાસન્ન લાગે છે ને કદાચ એણે જેની દયા ખાધી હશે એ ઝાડને એના મૂળ પાસે પથરાયેલું ઘાસ મરણાસન્ન લાગે છે ને એ એની દયા ખાય છે. ઘાસ પણ તૂટી-ફૂટીને નિર્જીવ થઈ ગયેલું જ દેખાય છે. શિયાળામાં માથે ધાબળો ઓઢી લઈને આપણે જેમ બાહ્ય તાપમાનનો સફળ પ્રતિકાર કરીએ છીએ એમ જ આ સૂકું-કચડાયેલું ઘાસ પણ બરફનો ધાબળો માથે ઓઢીને પડ્યું છે ને બરફનો ધાબળો ઓઢીને જ ઋતુચક્રની વિષમતાનો સફળ પ્રતિકાર કરે છે. કલાપી યાદ આવે: ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ પણ અહીં એથી વિપરીત વાત કવિ કહે છે. અહીં જે સંહારક છે એનું જ શરણું લઈને ઘાસ મૃત્યુને હાથતાળી આપી રહ્યું છે. બરફ ઉષ્માનો ઉત્તમ અવાહક છે. તાજા પડેલા બરફના કણોમાં ૯૦-૯૫ ટકા હવા રહી જાય છે જેના કારણે અંદરની ઉષ્મા વાતાવરણમાં ભળીને લુપ્ત થઈ જતી નથી. પરિણામે ઘાસ કે બી જીવંત રહે છે.

વસંત જ્યારે નાચતી-ગાતી આવશે ત્યારે એ પુનઃફૂટવા માટે એકદમ તૈયાર જ બેઠું છે. સફરજનના ઝાડને એની દયા આવી હતી ને એને ડાળ અને મૂળ વિના પડેલા ફૂલની દયા આવે છે. ફૂલનો અવાજ મૃદુ છે. એ પણ ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ના પ્રશ્નથી જ કેફિયત આપવી આદરે છે. ફૂલ કહે છે કે એ ખર્યું ખરું પણ મર્યું નહોતું. પવન પરાગરજથી લઈને બી સુધી વહન કરે છે અને સૃષ્ટિચક્રને ગતિમંત રાખે છે. શિયાળામાં દિવસ તો ટૂંકા હોય છે પણ કલાક લાંબા હોય છે, કેમકે એ વીતતા જ અનુભવાતા નથી. આમેય પ્રતીક્ષા સમયને દ્વિગુણિત જ કરતી હોય છે. ધૈર્યપૂર્વક બીમાં સંતાઈ રહેલું ફૂલ વસંત આવતાં જ ફરી ખીલી ઊઠશે… અને જેણે જેણે દયા ખાધી છે એ બધા પર હસશે… આમ તો ફૂલોનું હાસ્ય નિર્દોષ હોય પણ અહીં પોતાના પર દયા ખાનારા પર વસંતમાં ખીલી ઊઠતાં સેંકડો ફૂલો જાણે કે મરણ ઉપર જેવનની જીતનું જશ્ન ન મનાવતાં હોય એમ અટ્ટહાસ્ય વેરે છે… એક હેસિડિક (યહૂદી) નેતાની પ્રાર્થના યાદ આવે: ‘મારે મરવું નથી, હું જ્યાં સુધી જીવું છું.’ મકરંદ દવે પણ યાદ આવે:

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

પુનરુક્તિ આ કવિતાની જાન છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે. એક જ વાત અલગ અલગ મોઢેથી ફરી-ફરી કહીને કવયિત્રી ‘ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી)ની નીચે ગાઢી લીટી કરે છે. અને કહે છે, દેવહૂમા (ફિનિક્સ) પંખીની જેમ રાખમાંથી ફરી બેઠાં થવાનો આ વિશ્વાસ જ જિંદગી છે. એક કવિતામાં એ કહે છે, ‘મોત સામે હું નમતું જોખું છું, પણ શંકા સામે નહીં, જે પહેલાં જ મારી નાખે છે!’ શંકા મૃત્યુ પહેલાં જ મારી નાખે છે પણ શ્રદ્ધા મૃત્યુના કાંઠેથી પણ પરત લાવી શકે છે. સાવિત્રીની શ્રદ્ધા જ સત્યવાનને યમપાશમાંથી ફરી લાવી શકે.

ગ્લૉબલ કવિતા : ૫૨ : તૂટ, તૂટ, તૂટ – આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન

Break, Break, Break

Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.

O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!

And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!

Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.

– Alfred, Lord Tennyson

તૂટ, તૂટ, તૂટ

તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.

ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.

અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!

તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.

– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)

અંગત દુઃખના ચશ્માંમાંથી દેખાતો દુનિયાનો નજારો…

પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. આપણા માથે વીજળી કેમ ન ભાંગી પડી હોય, પાડોશમાં છોકરાઓ રમવાનું છોડી દેતાં નથી. કહ્યું છે ને-

कौन रोता है किसी और की खातिर ऎ दोस्त!
सब को अपनी ही किसी बात पे रोना आया। (સાહિર લુધિયાનવી)

આવી જ, નિકટતમ સ્વજનને ખોઈ બેસવાની પીડા અને એનાથી અજાણ દુનિયાની નિરવરોધ ગતિવિધિને સામસામે બેસાડીને શોકની લાગણીને વધુ બળકટ બનાવતું આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસનનું ગીત અહીં પ્રસ્તુત છે.

૧૮૩૦થી ૧૮૯૦ સુધીના સાંઠ વર્ષનો ગાળો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયન યુગ તરીકે જાણીતો છે. આ યુગમાં સૌથી વધુ જાણીતી ત્રણ જીવિત વ્યક્તિઓમાં પહેલાં, ખુદ રાણી વિક્ટોરિયા; બીજા, બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ ચાર-ચાર ટર્મ સુધી અને સૌથી મોટી ઊંમરે વડાપ્રધાન બનનાર અને કદાચ બ્રિટિશ-ઇતિહાસના સૌથી મહાન વડાપ્રધાન ગણાયેલા વિલિયમ ગ્લેડસ્ટૉન; અને ત્રીજા, આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન-એક કવિ! અંગ્રેજીમાં લખનાર બીજા કોઈ કવિને જીવતેજીવત આવી નામના નસીબ થઈ નથી. આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન. જન્મ ૦૬-૦૮-૧૮૦૯ના રોજ. પિતા દ્વારા અપમાનિત અને જબરદસ્તી પાદરી બનાવાયેલ જ્યૉર્જ ક્લેટન ટેનિસનના બાર સંતાનોમાંના એક. પિતાને દારુ અને ડ્રગ્સની લત હતી. બાર સંતાનોમાંના લગભગ તમામ ઓછામાં ઓછી એકવાર ગંભીર માનસિક બિમારીના શિકાર બન્યા હતા. પરિણામે એમની કવિતાઓમાં પાગલપન, ધનલાલસા, કૃપણતા, સગવડિયા લગ્ન, સંબંધોની વિષમતા અને ખૂનામરકી અવારનવાર જોવા મળે છે. કદાચ પારિવારિક દુઃખી વાતાવરણના ઈલાજરૂપે જ ટેનિસને કવિતા લખવી શરુ કરી હતી. શાળામાં ગોઠ્યું નહીં. કેમ્બ્રિજ ગયા પણ ડિગ્રી લીધા વિના કોલેજ છોડી દીધી. વર્ડ્સવર્થ પછી ૧૮૫૦માં એ રાજકવિ નિમાયા. ૧૮૮૪માં ઉમરાવપદ પામ્યા. લૉર્ડ ગણાયા. ૦૬-૧૦-૧૮૯૨ના રોજ ૮૩ વર્ષની જૈફ વયે પરિવારના સભ્યોની હાજરીમાં એ મૃત્યુ પામ્યા ત્યારે હાથમાં શેક્સપિઅરનું પુસ્તક હતું.

એક ગીતકવિ તરીકે ટેનિસનને લય અને ધ્વનિની જે નૈસર્ગિક બક્ષિસ સાંપડી હતી એ કદાચ તમામ અંગ્રેજી ગીતકવિઓથી ચડિયાતી ગણી શકાય. ગાલિબની જેમ એ કવિતા મનમાં જ લખતા, યાદ રાખતા અને પાછળથી કાગળ પર ઉતારતા. એ લય અને છંદના બેતાજ બાદશાહ હતા. ધ્વનિનો ફોટોગ્રાફ કવિતામાં ઝીલી શકવાની કાબેલિયત એમનામાં હતી જે બહુ ઓછામાં જોવા મળે છે. પણ ટેનિસન વિક્ટોરિયન યુગની દંભી નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ હતા. એમનો અંતરાત્મા કુદરતી અને ગામઠી સૌંદર્ય તરફ એમને ખેંચતો હતો, પણ ઇંગ્લેન્ડના રાજકવિ તરીકે ઝડપભેર ફેલાઈ રહેલા શહેરીકરણ, આધુનિકીકરણ અને ઔદ્યોગિકીકરણની ઉજવણી તરફની નૈતિક ફરજ – આ બેની વચ્ચે ક્યારેક કવિતા રહેંસાઈ પણ જતી.

૧૨ વર્ષની ઉંમરે તો એમણે ૬૦૦૦ પંક્તિનું મહાકાવ્ય લખી કાઢ્યું હતું. પૂરા ૧૮ વર્ષનાય નહોતા ને પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. આ કાવ્યસંગ્રહ આર્થર હેન્રી હેલમની આગેવાનીમાં ચાલતી ડઝનેક સાહિત્યકારોની ‘એપોસલ્સ’ (Apostles) ક્લબમાં એમને જોડાવા માટેનું નિમિત્ત બન્યો. હેલમ સાથે પરમ મિત્રતા થઈ. કૌટુંબિક કલહથી દૂર પહેલીવાર ટેનિસનને સાચા સ્નેહનો પરિચય થયો. હેલમ ટેનિસનની બહેન એમિલીના પ્રેમમાં પડ્યો, સગાઈ પણ થઈ પણ લગ્ન થાય એ પહેલાં જન્મજાત ખામીના કારણે મગજમાં રક્તસ્ત્રાવના કારણે હેલમનું નિધન થયું. ટેનિસનને લાગ્યું કે એની જિંદગી તહસનહસ થઈ ગઈ છે અને એ મરવા માંગતા હતા. દસ વરસ સુધી એમણે કોઈ કવિતા પણ પ્રગટ ન કરી. હેલમની યાદમાં કવિતા ઉત્તમને પામી. પોતાના એક સંતાનનું નામ પણ એમણે હેલમ રાખ્યું હતું. પ્રસ્તુત રચના પણ હેલમની યાદમાં જ લખાયેલ ઉત્તમ શોકગીત છે.

રચનાની દૃષ્ટિએ ગીત ચાર અંતરાનું બનેલું છે. અંગ્રેજીમાં સમાન્ય રીતે વપરાતા આયંબિક (લગા) મીટરના સ્થાને અહીં એનાપેસ્ટિક (લલગા) મીટર પ્રયોજાયું છે. વચ્ચે-વચ્ચે મોનોસિલેબિક ફૂટ (એકવર્ણીય પાદ) જેમકે તૂટ, તૂટ, તૂટ (ગા/ગા/ગા) અને વજનદાર અને ધીમી ગતિવાળા સ્પોન્ડી (ગાગા) વપરાયા છે. છંદની આ અનિયમિતતા સમુદ્રના મોજાંની અનિયત ગતિ સાથે સુસંબદ્ધ જણાય છે. (સમુદ્રના મોજાંની આવજાની ધારી અસર ઉપજાવવા કાંતે ‘ઝૂલણા’ છંદમાં લખેલું ‘સાગર અને શશી’ કાવ્ય અહીં યાદ આવ્યા વિના નહીં રહે) ABCB મુજબની પ્રાસરચના અને અનિયમિત લયગતિના કારણે એન્ગ્લો-સેક્સન યુગની જૂની અંગ્રેજી કવિતામાંથી પસાર થતા હોવાની અનુભૂતિ પણ થાય છે. ગીતની શરૂઆત ‘Break, break, break’થી થાય છે. ત્રણ ગુરુ વર્ણ એકસાથે પ્રયોજાયા હોવાથી ગીતનો ઊઠાવ ગતિ અને જોશસભર બને છે. શોકગ્રસ્ત કવિનું હૈયાના તૂટવાની સાથે અને પથ્થર પર અથડાઈને તૂટતા મોજાંના ધ્વનિની સાથે આ ‘તૂટ, તૂટ, તૂટ’ની સીધી આદેશાત્મક વાક્યરચના ધારી અસર નિપજાવવામાં સફળ રહે છે એમ કાવ્યમાંથી પસાર થતાં સહેજે સમજાય છે.

ઉત્તમોત્તમ ગીતના ઉદાહરણ તરીકે ટાંકી શકાય એવું છે આ ગીત. સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે. સ્વજનની યાદમાં લખાયેલા આવા ઘણા અમર શોકગીતો આપણી વિરાસતનો એક હિસ્સો છે. ચૌદમી સદીના કો’ક અજ્ઞાત કવિનું ‘Pearl’, મિલ્ટનનું ‘Lycidas’, મેથ્યુ આર્નોલ્ડના ‘ Thyrsis’ અને ‘The Scholar Gypsy’, બેન જોન્સનનું ‘My First Sonne’, શેલીનું ‘Adonais’, કેથેરિન ફિલિપ્સનું ‘Epitath’, તથા ઑડનનું ‘Stop All The Clocks’ કેટલાક દૃષ્ટાંત છે. ખુદ ટેનિસને હેલમની યાદમાં ઘણાં કાવ્યો રચ્યાં. જેમાંની એક દીર્ઘ કવિતા ‘ In Memorium’ પણ ઉત્તમ શોકગીત ગણાય છે જેમાં ટેનિસને પ્રયોજેલ દુર્લભ છંદ ‘ઇન મેમોરિયમ મીટર’ તરીકે ઓળખાય છે.

કવિ દરિયાકિનારે ઊભા છે. દરિયાની વિશાળતા કવિના દુઃખની વિશદતાની દ્યોતક છે. પણ આ દુઃખનો કિનારો છે, એ રેતાળ નહીં, ખડકાળ છે. અહીં મોજાં તો આવે છે પણ માથાં પટકી-પટકીને ચૂરેચૂરા થઈ જાય છે. આ ખડકોમાં ઉષ્મા નથી બચી, ઠંડાગાર છે. ખડકોનો ભૂખરો રંગ પણ બેરંગ જિંદગીનું પ્રતીક છે. દરિયા પાસે તો દુઃખમાં પથ્થરો પર માથાં પટકી-પટકીને આક્રંદ કરવાની સગવડ છે પણ કવિ નિઃશબ્દ છે. એ માત્ર ઇચ્છા જ કરી શકે છે કે કાશ! પોતાના માનસપટલ પર જે વિચારો ઊઠી રહ્યા છે એને એની જીભ વાચા આપી શકે.

બીજા અંતરામાં દુનિયાની બેખબરી સાથે અંગત દુઃખને juxtapose કરીને કવિ સંવેદનાના વિરોધાભાસને ધાર કાઢે છે. ખૂબ જ ટૂંકા લસરકા મારીને કવિ એકદમ સજીવ ચિત્રો તાદૃશ કરી આપે છે. આ ટેનિસનની કળા છે. દરિયાકિનારે એક તરફ કવિની નજરે માછીમારના બાળકો રમતાં નજરે ચડે છે. કવિની પીડાથી અજાણ છોકરો બૂમ પાડીને પોતાની બહેન સાથે રમી રહ્યો છે. કવિના મૌનની સામે આ બૂમનો અને કવિની સ્થિરતાની સાથે એમની રમતનો વિરોધાભાસ વાતને વધુ ઊંડી બનાવે છે. બીજું ચિત્ર ખાડીમાં હોડીમાં બેસીને ગાઈ રહેલા ખારવાનું છે. અહીં ફરીથી એ જ ગતિ અને ગીત સાથેનો વિરોધાભાસ વધુ બળવત્તર બનતો અનુભવાય છે. ત્રીજા અંતરાને કવિ પોતાના અંતરની જેમ વચ્ચેથી ચીરીને બે ભાગ કરી દે છે. પહેલી બે પંક્તિમાં ટેકરીઓની નીચે બારામાં જઈ રહેલાં આલિશાન જહાજો નિર્દેશાયા છે. કવિતાની સાર્થકતા એ છે કે એમાં એકપણ શબ્દ વધારાનો ન હોય. ટેનિસને આ કવિતામાં જે કરકસર કરી છે એ અપ્રતિમ છે. જહાજોની વિશાળતા કવિને પડેલી ખોટની વિશાળતાનો પડઘો પાડતી હોય એમ અનુભવાય છે. અને બંદરને સ્વર્ગની ઉપમા આપીને કવિ જિંદગીમાં આવી પડેલા વેદનાસિક્ત નર્કને બખૂબી ઉપસાવી આપે છે. એક વાત સાફ થાય છે કે કોઈના જવાથી સૃષ્ટિચક્ર કદી પણ અને જરી પણ અટકવાનું નથી. વિશાળ સાગરમાં આપણે એક બિંદુ માત્ર છીએ. બિંદુના હોવા-ન હોવાથી સાગરને કશો ફરક પડનાર નથી. (સચોટ ચિત્ર રજૂ કરતા આવા ચિત્રકાવ્યો ઇડિલિક કે પેસ્ટોરલ પોએમ્સ તરીકે પણ ઓળખાય છે.)

ત્રીજા અંતરાના બીજા ભાગમાં કાવ્યારંભે જે ભૂખરી ઠંડીગાર પીડા ધૂંધળી અનુભવાય છે, એ સાફ થાય છે. ‘ઓ સાગર’, ‘ઓહ, સારું છે’ પરથી કવિ ‘અરે, પરંતુ’ સુધી આપણને લઈ આવે છે અને જેનો સ્પર્શ હજી રહી ગયો છે એ હાથ અને જેનો ધ્વનિ હજી કાનોમાં પડઘાય છે એ અવાજની ‘કાયમી’ ગેરહાજરીથી અવગત કરે છે. અને જે ઘડીએ આપણે કવિના શોકમાં સંમિલિત થઈએ છીએ એ જ ઘડીએ કવિ ફરી એકવાર ‘તૂટ, તૂટ, તૂટ’ના ઝડપી પુનરાવર્તન સાથે રહીસહી આશાને કરાડો પર અફાળી-પછાડીને ચકનાચૂર કરી દે છે. દરિયાકિનારે ઊભેલો માણસ પ્રતીક્ષાનું પ્રતીક છે પણ આવી-આવીને પરત ફરી જતાં મોજાં અને ક્ષિતિજ પર આથમી જતો સૂરજ એ વાત ઇંગિત કરે છે કે જે સમય અને માણસ ચાલ્યા ગયા છે એ કદી પાછા ફરતા નથી… સાંજના સમયે દરિયાકિનારે ઊભા રહીને મોજાંની આવ-જા જોતાં હોઈએ ત્યારે આપણા હૈયામાં સહેજે અકથ્ય ગ્લાનિ અનુભવાતી હોય છે. મેથ્યુ આર્નોલ્ડની ‘ડોવર બીચ’ કવિતામાં મોજાંની આવ-જા સાથે ફંગોળાતા પથ્થરોની કર્કશ ગર્જનામાં સંભળાતા ‘ઉદાસીના શાશ્વત સૂર’ (The eternal note of sadness) અહીં સહેજે સાંભરે છે.

‘દુઃખદર્દ લઈ જાય એ મૃત્યુ મીઠું’ એમ એક જગ્યાએ ટેનિસન કહે છે પણ આ મૃત્યુ તો કવિની સકળ સૂધબુધ લઈ જાય એવું છે. ‘ઇન મેમોરિયમ’માં એ હેલમ માટે જ કહે છે કે, ‘ઈશ્વરની આંગળી એને સ્પર્શી અને એ સૂઈ ગયો.’ પણ અહીં હૃદય આવું સમાધાન સ્વીકારતું નથી. સાંજ થઈ ચૂકી છે, દિવસ મરી પરવાર્યો છે પણ હજી દિવસની મૃદુ કૃપા સંધ્યાની લાલિમા બનીને માથે ઉતરી રહેલા અનિવાર્ય અંધારા સામે ઝઝૂમી રહી છે. (દિવસના મૃત્યુની વાતથી કિટ્સના ‘ઓડ ટુ ઓટમ’ના અંતે આવતો ‘સોફ્ટ-ડાઇંગ ડે’ જરૂર યાદ આવે. જોકે ટેનિસન મૃત્યુ પામતા દિવસ સાથે ‘કૃપા’ જોડીને સમયને વધુ માનવીય બનાવે છે.) આવતી કાલે જે ઊગશે એ દિવસ અને એ સાંજ નવા જ હશે, એ આ દિવસ કે આ સાંજ કદી પણ નહીં જ હોય. જે વહી ગયું, એ વહી ગયું. માત્ર બાવીસ વર્ષની કાચી વયે કવિમિત્ર આર્થર હેલમ આથમી ગયો… હવે એની મિત્રતાની કૃપા ફરી કદી વરસવાની નથી. આ જિંદગી છે. આ જ જિંદગીની વાસ્તવિકતા છે.

ટેનિસન જાણે છે કે, ‘કદી નહીં, ઓહ ! કદી નહીં, મરશે કશું પણ; ઝરણું વહેશે, પવન ફૂંકાશે, વાદળ દોડશે, હૃદય ધબકશે, કશું નહીં મરે’ હેલમના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!

ગ્લૉબલ કવિતા : ૫૧ : કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

કવિ, પ્રેમી, બર્ડવૉચર

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

हम इंतिज़ार करेंगे तेरा क़यामत तक़….

કવિતા એટલે કાંદો એમ હું કહું તો તમને હાર્ટ એટેક તો નહીં આવે ને? કાંદાના પડ ઉખેડી જોજો. એક પડ ઉખેડો ને બીજું નીકળે, બીજું ઉખેડો ને ત્રીજું. એમ કરતાં કરતાં છેલ્લે હાથમાં કશું જ નહીં બચે. એક કવિતા હાથમાં લો. સંવેદનાના એક સ્તરે એને ચકાસો ત્યાં તો બીજું નીકળશે… એક અર્થ વિચારો ત્યાં બીજો સમજાશે. એમ એક પછી એક રહસ્યોના પડળ ખોલતા જાવ અને અંતે નાકમાં જે તીવ્ર ગંધ, આંખમાં જે આંસુ અને હાથમાં જે શૂન્ય બચી જાય એ જ છે કવિતા. કવિતાની વિભાવના સમજવાની સાથોસાથ એ ક્યાંથી આવે છે એ સમજવા પણ સદીઓથી કોશિશ ચાલુ જ છે પણ આકાશનો છેડો મળે તો આ શોધનો છેડો મળે. મુકુલ ચોક્સી કહે છે:

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

જ્યાં સુધી લોહી ન વહે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી એ કવિતાની સર્વપ્રથમ અને કદાચ એકમાત્ર શરત છે. એક ડચ કહેવત છે: ‘મુઠ્ઠીભર ધીરજ આઠ ગેલનભર મગજથી વધુ મૂલ્યવાન છે.’ નિસીમ ઇઝેકિલ એમની કવિતામાં ધીરજના ફળ મીઠાંની જ વાત લઈને આવ્યા છે.

નિસીમ ઇઝેકિલ. મુંબઈના મધ્યમવર્ગના મરાઠીભાષી યહૂદી પરિવાર (બેન ઇઝરાઈલ)માં ૧૬-૧૨-૧૯૨૪ના રોજ જન્મ. પિતા અંગ્રેજી શાળાના આચાર્ય અને માતા બીજી શાળામાં મરાઠીશિક્ષક. મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યું અને બોમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. આઝાદી બાદ તરત સાડા ત્રણ વર્ષ લંડન જઈ ફિલસૂફી ભણવાની સાથોસાથ થિએટર, સિનેમા અને કળામાં ડૂબી ગયા. ૧૯૫૨માં ભારત પરત ફર્યા, એ જ વરસે એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને એજ વરસે ડેઇઝી જેકબ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અંગ્રેજી ભાષા નહીં, રક્તસંસ્કાર હોવાથી અંગ્રેજી સિવાયની કોઈ ભાષા કલમને અડી જ નહીં. ભારતીય કવિના અંગ્રેજી કાવ્યો લોકોને પચતા બહુ વાર લાગી. ઇઝરાઈલના જન્મ પછી પણ અન્ય યહૂદીઓની જેમ ભારત છોડી જવાના બદલે તેઓ ભારતમાં જ રહ્યા. ભારતસરકાર તરફથી પદ્મશ્રી એનાયત કરાયો. સાહિત્ય અકાદમીએ પણ પુરસ્કારથી નવાજ્યા. જિંદગીના આખરી વર્ષો અલ્ઝાઇમરની બિમારીગ્રસ્ત હોવાના કારણે કવિતા પણ લકવાગ્રસ્ત થઈ ગઈ. મુંબઈ ખાતે જ ૦૬-૦૧-૨૦૦૪ના રોજ નિધન.

તેઓ ભાષાશિક્ષક, નાટ્યકાર, સંપાદક, કળા-વિવેચક અને અભિનેતા પણ હતા. સ્વાતંત્ર્યોત્તર ભારતીય અંગ્રેજી આધુનિક-કવિતાના પિતા કહેવાયા. પારંપારિક ભારતીય અંગ્રેજી સાહિત્યને એમણે આધુનિકતાનો ઓપ આપ્યો અને આજપર્યંત અસ્પૃશ્ય ગણાતી રોજબરોજની વાતો, ક્ષુલ્લક પ્રસંગો, વિ.ને નવા જ પરિપ્રેક્ષ્યમાં, નવા જ દૃષ્ટિકોણ સાથે રજૂ કરી એમણે એમના સમકાલીનો અને અનુગામીઓ માટે નવી જ દિશા ખોલી આપી. નવી પેઢીના કવિઓને માર્ગદર્શન આપવામાં કદી પાછી પાની કરતા નહીં. એમની અંગત જિંદગીની બહુ ઓછી હકીકતો જાણીતી છે પણ એમની કવિતાઓમાં એમની જિંદગી અને કેફિયત સતત ડોકાતી જોવા મળે છે. અંગ્રેજી કવિતાને સામાન્ય માણસ સુધી પહોંચાડવામાં એમનો સિંહફાળો હતો એમ કહી શકાય. વંશવાદનો વસમો ઘૂંટડો પણ પીવા મળ્યો હોવા છતાં નિસીમની કવિતાઓના મૂળ ભારતમાં જ ખોડાયેલા જોવા મળે છે અને મુંબઈ તો એમનું ચેતનાકેન્દ્ર છે. ‘આઇલેન્ડ’માં એ લખે છે: ‘હું આ ટાપુ નહીં છોડી શકું, હું અહીંજ જન્મ્યો છું અને અહીંનો જ છું.’ એક એન્ય કવિતા ‘બેકવર્ડ, કેઝ્યુઅલી’માં તેઓ કહે છે: ‘મેં હવે મારી પ્રતિબદ્ધતાઓ નક્કી કરી દીધી છે./ આ એક છે: જ્યાં છું, ત્યાં જ રહેવું,/જેમ અન્યો પોતાની જાતને/કોઈક દૂરના અને પછાત સ્થળને સોંપી દે છે./મારું પછાત સ્થળ હું જ્યાં છું એ જ છે.’

પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. થિસિયસ કહે છે કે ‘પાગલ, પ્રેમી અને કવિ આ બધા વધુ પડતી કલ્પનાના શિકાર છે.’ શેક્સપિઅર આ ત્રણેયને એક જ શ્રેણીમાં મૂકે છે, તો નિસીમ ત્રણેયમાં બીજો લઘુત્તમ સામાન્ય અવયવ શોધી કાઢે છે: ધીરજ! દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે.

મૂળે આ કવિતા કવિતાની વિભાવનાની વાત કરે છે. કવિતા (પોએમ) શબ્દ ગ્રીક શબ્દ ‘પોએસિસ/પોએઇન’ (Poiesis/Poiein) પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ છે-‘બનાવવું’. પણ કવિતા બને છે કે જન્મે છે એ વિષય પણ શરૂથી ચર્ચાનો વિષય રહ્યો છે. યીટ્સે કહ્યું હતું કે સ્ત્રીઓની જેમ કવિઓએ પણ સુંદર બનવા માટે વેણ લેવું જોઈએ. પણ કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. વર્ડ્સવર્થ કહે છે: ‘કવિતા એ તાકતવર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે- જે શાંત ચિત્તમાં જમા થયેલ ભાવાવેશમાંથી જન્મે છે.’ શૂન્ય પાલનપુરી કવિતાને કળા અને કસબ બંને ગણે છે. માત્ર તમારી અંદર ભાવના જન્મે એ પૂરતું નથી એને કાગળ પર ક્યારે અને કેવી રીતે ઉતારવી એ આવડવુંય આવશ્યક છે. નિસીમ કહે છે સાચો કવિ શબ્દની રાહ જુએ છે. જોકે અન્ય એક કવિતામાં એ એમ પણ કહે છે, ‘હું નહોતો જાણતો કે શબ્દો દગો કરે છે.’ કવિતા સામાન્યરીતે અભિધા પર રમતાં રમતાં લક્ષણા અને વ્યંજના સુધી પહોંચી જતી જોવા મળે છે. કવિતા જેટલું બતાવે એથી વધુ છૂપાવીને ચાલતી હોય છે અને બે શબ્દો વચ્ચેનો અવકાશ કે બે પંક્તિઓ વચ્ચેનું લખાણ ઘણીવાર વધુ અગત્યનું હોય છે પણ નિસીમની આ કવિતા ‘हाथ कंगन को आरसी क्या?’ જેવી સ્વયંસ્પષ્ટ હોવાનું અનુભવાય છે.

આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. ‘ધીરજ તાકાત છે. ધીરજ ક્રિયાનો અભાવ નથી; પણ સાચા સમયની પ્રતીક્ષા છે’ (રોમન પાદરી ફુલ્ટન શીન) કાયમ ઉતાવળ જ કર્યે રાખવી અને લગરિક પણ સ્થિર-શાંતચિત્તે બેસવું નહીં એ સ્ત્રીઓ, પક્ષીઓમાં કે કવિતામાં રસ હોય એ લોકોનું લક્ષણ નથી. ઉત્તમ કવિઓ શબ્દોની પાછળ દોડતા નથી, તેઓ તો પ્રેરણાની રાહ જોતાં તપ કરે છે. કવિતા લખવાની ઇચ્છા થઈ એટલે કાગળ-કલમ હાથ ઝાલીને મચી પડવાની આ વાત નથી. જુલી હબર્ટ ‘લાઇફ ઇઝ પેશન્સ’ કવિતામાં લખે છે: ‘આપણને બધાને જે જોઈએ છે એ તરત મળતું નથી, અને પ્રતીક્ષા જરૂરી છે આપણને રસ્તો બતાવવા માટે’ કોઈ દુર્લભ ભીરુ, શરમાળ પક્ષીની પાંખ માત્રની નજીવી હલચલ પણ ચૂકવા ન માંગતો પક્ષીપ્રેમી મહેનત કરીને ટેકરી લાંઘે ને પછી ચુપચાપ એક જ જગ્યાએ હલનચલન કર્યા વિના પ્રેમથી બસ રાહ જોયા જ કરે, જોયા જ કરે અને પક્ષીને ભરોસો બેસે કે આ જગ્યાએ ખતરો નથી અથવા પક્ષીને ખતરો પણ વહાલો લાગે અને એ ધારી ગતિવિધિ કરે, કે પ્રેમીજન આજ રીતે સ્ત્રીની પ્રતીક્ષા કરે, ઉતાવળે એક પગલું પણ ન ભરે અને બસ પ્રેયસીને જાણવા દે કે આ માણસ એને ભરપૂર ચાહે છે, પ્રેમની ખાતરી થવા દે અને એ ક્ષણે સ્ત્રી ઝોખમ સ્વીકારીને પણ સંપૂર્ણ સમર્પિત થઈ જાય અથવા કવિ આ કાવ્યત્ત્વ-પ્રેરણા-સાચા શબ્દની પ્રતીક્ષાની પરીક્ષાને જ પોતાની નૈતિકતા ગણીને જ્યાં સુધી ક્રૌંચવધ જોઈને જે રીતે વાલ્મિકીનો આત્મા હચમચી ઊઠ્યો એમ આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો કવિતા પણ જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ સામે ચાલીને આવી મળશે. ‘સંબંધમાં કદી ધસી ન જવું. સાચો પ્રેમ વહેલો-મોડો પ્રકટ જરૂર થાય છે.’ (જેઇડન હેઇસ)

આ ધૈર્ય હકીકતમાં ઘણું બધું કહી જાય છે. તમારી ભીતરના દુર્લભતમ પક્ષીઓને પામવા હોય તો તમારે તમારા અસ્તિત્વની સુમશાન ગલીઓમાં થઈને પસાર થવું પડશે, તમારા અહેસાસની નિઃશબ્દ નદીના મૂળ સુધી પહોંચવું પડશે અને હૃદયના અંધારા તળના ઠે..ઠ દૂરના ને કાંટાળા-કષ્ટદાયક કાંઠે-કાંઠે થઈને પ્રવાસ કરવો પડશે. સ્ત્રીઓ તેજપુંજ સમાન છે, એમના કમનીય વળાંક તમારા જીવનને રોમાંચથી ભરી દે છે પણ આ તેજપુંજના કેન્દ્રમાં રહસ્યોનું અંધારું છે, સ્ત્રીઓનો ભેદ પામવો સહલ નથી પણ જો તમારી ભક્તિનું સોનું ધીરજની એરણ પર ખરું ઉતરશે તો સ્ત્રીઓ સામે ચાલીને પરત ફરશે અને તમારી થશે. અને આ ક્ષણે શબ્દ માટે વ્યગ્ર વ્યાકુળ કવિઓ માટે હોંશપ્રાપ્તિની ક્ષણ છે. કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.

આમ જોઈએ તો કવિ સાથે પ્રેમી અને બર્ડવૉચરની સરખામણી જ જરા અનૂઠી લાગે. છોકરીઓ પટાવવા નીકળેલા રોમિયો ‘બર્ડવૉચિંગ’ સંજ્ઞા પણ વાપરતા હોય છે. કવિને શું એ પણ અભિપ્રેત હશે? જે હોય તે, પણ આખી કવિતામાં આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

શેલીની ‘ટુ અ સ્કાયલાર્ક’માં વિચારના પ્રકાશમાં સંતાઈને વણબોલાવેલ ગીત ગાઈ વિશ્વને આશા અને ડર બંને માટે સમાન અનુકંપા અનુભવતું કરતો કવિ યાદ આવે. અભિનવગુપ્ત પણ अविघ्ना संवित् કહે છે. અભિનવગુપ્ત એમ પણ કહે છે કે आत्मैव स्थायी| અર્થાત્, ચૈતન્ય જ સાચું સ્થાયી તત્ત્વ છે. ધ્વન્યાલોક પર ટીકા કરતી વખતે રા.વિ.પાઠક કહે છે કે સ્થિતપ્રજ્ઞત્વ કે શાન્તનો અર્થ, હું લાગણી વિનાની નિષ્ક્રિયતા કે નિશ્ચેષ્ટતાની સ્થિતિ નથી કરતો. રવીન્દ્રનાથ ટાગોર શાકુન્તલનું રહસ્ય એ બતાવે છે કે પ્રેમ છેવટે તપથી શુદ્ધ થઈ શાન્ત રૂપ ગ્રહણ કરે છે. સાચો કવિ સાચી કવિતાની પ્રતીક્ષામાં આવી સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરે છે. એની સ્થિરતા એનું ખરું ચેતન છે. ‘સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક.’ (રાજેન્દ્ર શુક્લ) ‘રહે છે દૂર માંગે તો ને ન માંગ્યે દોડતા આવે’ એવા-

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર

કવિ મિત્ર વિવેક ટેલરનું એક વધુ બાળગીત આજે… એમની વેબસાઇટ પર બાળગીતોના શબ્દો શોધતા આ ટીપ્પ્પણી નજરે ચડી, જે અહીં કોપી પેસ્ટ જ કરું છું – એક મઝાનો સવાલ એણે ઉઠાવ્યો છે, જવાબ તમે આપશો?

“બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

સ્વર – વિવેક ટેલર

.

( …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

બાળદિન Special 2:સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર

આજનું આ ગીત – મારું અને મારી દિકરી આન્યાનું પણ એકદમ favorite!

(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.
સ્વર – વિવેક ટેલર

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)