The Pawn
As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.
But he is saved from all perils
and he manages to reach the last line in time.
How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !
For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.
– C. P. Cavafy
(Translation by Rae Dalven)
પ્યાદું
જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.
પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!
કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.
– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)
શતરંજ – તકલીફોના પહાડ પરથી આત્મહત્યાનો ભૂસકો..
મૃત્યુ જીવનના રસ્તાની આખરી અને નિશ્ચિત મંઝિલ છે એ જાણવા છતાં કોઈ મુસાફરી છોડી દેતું નથી. કયો શ્વાસ છેલ્લો છે જાણતાં ન હોવા છતાં કોઈ લીધેલો શ્વાસ પકડીને બેસી રહેતું નથી. જીવન પણ કદી સીધું કે સરળ હોતું નથી. શતરંજની બાજી જેવી જિંદગીમાં એક પગલું શ્વેત છે તો બીજું શ્યામ. ચારેતરફથી અનવરત હુમલાઓ થતા જ રહે છે. જીવનશતરંજ સામાની ચાલબાજી અને આપણી ચાલની બાજી છે. ચારેતરફ બની-બેઠેલાં સ્થાપિત હિતોની ભીડ વચ્ચે કૉમનમેન એક પ્યાદા સમો છે. કવાફીની કવિતા આ પ્યાદાની કવિતા છે.
વીસમી સદીના સૌથી પ્રસિદ્ધ ગ્રીક કવિનું નામ લેવું હોય તો કોન્સ્ટન્ટિન પીટર કવાફી પર તરત જ આંગળી મૂકી શકાય. જન્મતારીખ અને મૃત્યુતારીખ એક જ પણ વચ્ચે ૭૦ વર્ષનું અંતર. (૨૯-૦૪-૧૮૬૩ ~ ૨૯-૦૪-૧૯૩૩; એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) સાત વર્ષની વયે પિતાનું અવસાન. કુલ આઠ ભાઈ-બહેન. દારુણ ગરીબીનો અનુભવ થયો. અખબાર અને સ્ટોક એક્સચેન્જમાં પણ કામ કર્યું. સિંચાઈ ખાતામાં ૩૦ વર્ષની સરકારી નોકરી. ૯થી ૧૬ની તરુણ વય ઇંગ્લેન્ડમાં પસાર થઈ જ્યાં કવિતા અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. પહેલી કવિતા ગ્રીકના બદલે અંગ્રેજીમાં લખી. યુદ્ધના ખતરાની ઘંટડી સાંભળીને માતા સંતાનો સાથે કોન્સ્ટન્ટિનોપલ આવી ગઈ અને એલેક્ઝાન્ડ્રિયાનું ઘર કવાફીના કાગળિયાં અને પુસ્તકો સહિત બોંબમારામાં તબાહ થઈ ગયું. તરુણાવસ્થામાં જ કવિતા અને સમલૈંગિકતા તરફ વળ્યા. જીવનકાળ દરમિયાન કવાફી એકાંતપ્રિય રહ્યા અને પોતાની કવિતાઓ છપાવવામાં બહુ રસ લીધો નહીં. એમની રચનાઓ એમના મિત્રમંડળમાં જ ફરતી. કદાચ કવિતામાં સાફ ડોકાતી જાતીય અંગત જિંદગી આ નિરસતા પાછળનું કારણ હોઈ શકે. ડબ્લ્યુ. એચ. ઑડેન લખે છે: ‘કવાફી હોમોસેક્સ્યુઅલ હતા અને એની કામુક કવિતાઓએ કદી હકીકત છૂપાવવાની કોશિશ કરી નથી…. પ્રેમ એમના માટે શારીરિક આનંદથી વિશેષ કંઈ નહોતો… પણ સાથોસાથ, એ એવો દેખાવ કરવાનો ઇનકાર કરે છે કે વિષયસુખની ઘડીઓ નાખુશ હતી કે ગુનાહિત લાગણીઓથી ખરડાયેલી હતી.’ ઇતિહાસના ઊંડા અભ્યાસુ. પરિણામે ગ્રીક અને રોમન ઇતિહાસ પણ એમની કવિતાઓમાં અવારનવાર ડોકાય છે. કવાફીની કવિતાનો ત્રીજો અગત્યનો આયામ મૃત્યુ છે. સ્વરપેટીના કેન્સરથી એમનું નિધન થયું. મરતાં પૂર્વે એમણે એક કોરા કાગળ પર વર્તુળ દોર્યું અને એની મધ્યમાં ટપકું મૂક્યું.
એમની શૈલી પણ અનૂઠી અને બિલકુલ મૌલિક હતી. ભાષા સપાટ, વાત સીધી. લય અને સંગીત એમની કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે. એ સ્ફુરે એટલી કવિતા કાગળ પર લખીને પરબીડિયામાં મૂકી રાખતા. જ્યારે એમ લાગે કે કવિતા પૂરી કરી શકાય એમ છે ત્યારે પરબીડિયું ખોલીને આગળ વધતા. જીવનભર આજ પદ્ધતિ એમણે રાખી. એમની કવિતાઓ વર્ષોના પુનર્વિચાર અને પુનર્લેખનની નીપજ છે. ગ્રીક કવિ જ્યૉર્જ સેફેરિસે કહ્યું હતું: ‘એની કવિતાની બહાર કવાફીનું અસ્તિત્વ જ નથી.’ કવાફી પોતે પોતાને ‘કવિ-ઇતિહાસકાર’ અને ‘કવિ-નવલકથાકાર’ તરીકે ઓળખાવતા.
પ્રસ્તુત રચનામાં વાત શતરંજની રમતની છે. ૮-૮ની ૮ હરોળમાં કુલ ચોંસઠ કાળાં-સફેદ ચોકઠાંમાં બે હરીફો વચ્ચે ખેલાતું વૈચારિક મહાયુદ્ધ એટલે શતરંજ. બંને પક્ષે એક રાજા, એક રાણી(કે વજીર), બે ઊંટ, બે ઘોડા, બે હાથી અને આઠ પ્યાદાંઓનું બનેલ સૈન્ય સદીઓથી વિશ્વ આખાને હચમચાવતું રહ્યું છે. ચોપાટની રમત અને ગ્રાંડ માસ્ટર મામા શકુનિ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આજની ચેસનું સ્વરૂપ ઘડાયું હોવાનું મનાય છે. છઠ્ઠી સદીમાં એ ‘ચતુર-અંગ’ (ચાર અંગ-પાયદળ, ઘોડેસવાર, હાથીસવાર અને રથી) તરીકે ઓળખાઈ અને રેશમના વેપારના રસ્તે પૂર્વ અને પશ્ચિમમાં પ્રસરી. સૌપ્રથમ સુબંધુ (ઈ.સ. ૪૫૦)ની ‘વાસવદત્તા’ અને બાણભટ્ટ (ઈ.સ.૬૨૫)ના ‘હર્ષચરિત’માં તેમજ રુદ્રતના ‘કાવ્યાલંકાર’માં ચતુરંગનો ઉલ્લેખ જોવા મળે છે. આ ચતુરંગ-ચતરંગ પરથી જ અરબી ભાષાનો શતરંજ શબ્દ ઉતરી આવ્યો છે.
કવાફી આ અછાંદસ રચનાને ૧૬-૨-૩-૫ પંક્તિઓના અનિયમિત ભાગમાં વહેંચે છે. છંદની ગેરહાજરી અને સ્વરૂપની અનિયમિતતા શતરંજની રમતમાં સર્જાતા કેઓસ-અરાજકતાની સૂચક હોઈ શકે? પ્રથમ સોળ પંક્તિમાં કવિતાનો પિંડ આરામથી બંધાય છે પણ પછી મૃત્યુની ઝાપટ ગતિ સાથે આવે છે. સમજી શકાય છે કે નાયકને શતરંજમાં રસ છે, આટાપાટા જોવા ગમે છે એટલે જ એ ઘણીવાર શબ્દ પ્રયોજાયો છે. શતરંજ ખેલનારાઓને જોતી વખતે નાયકની આંખ એક પ્યાદા પર સ્થિર થઈ જાય છે જે એક-એક પગલું આગળ વધીને સમયસર છેલ્લી પંક્તિ સુધી પહોંચી જાય છે. અહીં પહોંચવા માટેનો એનો ઉત્સાહ અને ચપળતા એવા હોય છે કે સહેજે એમ જ લાગે કે આ આખરી પંક્તિ એની જિંદગીનું સાચું ગંતવ્ય હશે અને ત્યાં પહોંચતાવેંત જ જીતની ઉજવણી શરૂ થઈ જશે. એનો રસ્તો સરળ નહોતો. ચારેતરફથી એના માથે મુસીબતોના પહાડ તૂટતાં જ રહે છે પણ બધા જ ખતરાઓ વટાવીને એ આખરી પંક્તિ સુધી સમયસર પહોંચી જાય છે. આખી રચનામાં ‘આખરી પંક્તિ’ અને ‘સમયસર’ ત્રણવાર પ્રયોજાયા છે જે આ આખી કવાયતને બરાબર અંડરલાઇન કરી આપે છે.
શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! ભઈ વાહ! પ્યાદાને ખબર જ છે કે ત્યાં પહોંચતાવેંત જ એ નાશ પામશે જેના માટે એ તકલીફો ઊઠાવી રહ્યું છે, મુસીબતો સામે ઝઝૂમી રહ્યું છે પણ શતરંજના નર્કાગારમાં ધકેલાવા પાછળનો એનો એકમાત્ર ઉદ્દેશ કમોતે મરી ગયેલી રાણીને એની કબરમાંથી પુનર્જીવિત કરીને પુનઃ રમતમાં આણવાનો છે. રમતનો મૂળ ઉદ્દેશ તો પોતાના રાજાને બચાવવાનો અને સામાના રાજાને ચેક-મેટ આપી મત કરવાનો છે પણ પ્યાદું જાણે છે કે રાજાને એકલા હાથે બચાવવાનું તો એનું ગજું નથી જ પણ યેનકેન પ્રકારે સામે છેવાડે પહોંચી જઈ શકાય તો રાણીને ફરી રમતમાં લાવી શકાય અને તો બંને મુરાદ બર આવવાની સંભાવના વધારે છે.
જીમ ક્લાસ હિરોઝ એમના આલ્બમ ‘ધ ક્વિન એન્ડ આઇ’માં ગાય છે: ‘રાણી બીજું કંઈ નથી, એક પ્યાદું છે વિલક્ષણ મુદ્રાધારી.’ વાત સાચી છે પણ શું પ્યાદાની કુરબાનીના ભોગે પુનર્જીવન પામનાર રાણી કદી પ્યાદાને પુનર્જીવન આપવાની કોશિશ કરશે ખરી? શતરંજનું રૂપક હંમેશા જિંદગીની સાથે સંકળાતું આવ્યું છે. ચૌસરની ‘કેન્ટરબરી ટેલ્સ’, શેક્સપિઅરના ‘ધ ટેમ્પેસ્ટ’, થોમસ ઇલિયટની ‘બુક ઓફ ગવર્નર’, એડગર એલન પો, જ્યૉર્જ એલિયટ, થોમસ હાર્ડી, અગાથા ક્રિસ્ટી- વિશ્વસાહિત્યના ખૂણેખૂણે શતરંજની રમત અને એના નાનાવિધ રૂપક તરીકેનાં પ્રયોજન જોવા મળશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.
કવિતાનો આખરી બંધ જ આ આખા રમતવર્ણનને કવિતાનો દરજ્જો આપે છે. પોતે નાશ પામશે એની જાણ હોવા છતાં પ્યાદું એટલા માટે તકલીફોના પહાડ ચડીને આત્મહત્યા કરવા ધસમસી જાય છે કે એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જે દિવસે માનવજાતનો પહેલવહેલો નેતા જન્મ્યો હશે એ દિવસે જ પ્યાદાં-વ્યવસ્થાનો પણ જન્મ થયો હશે. એકવીસમી સદીનો સળગતો પ્રશ્ન આતંકવાદ છે અને આ સમસ્યા સતત સળગતી જ રહેવા પાછળનું પ્રમુખ કારણ નાના માણસોનું બ્રેઇનવૉશ કરીને કરવામાં આવતું પ્યાદાકરણ જ છે. પ્યાદાંઓ સતત ફના થવા માટે તત્પર જ રહે છે, કેમકે એ જ રીતે એમનું માઇન્ડસેટ કરવામાં આવ્યું છે. એક બહેતર કલ્પવિશ્વની મૃગજળી આશામાં આજના વિશ્વને દોઝખ બનાવી દેવાયું છે. આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓમાં માનવજાતના પ્યાદાકરણ અને સરમુખત્યારશાહીના જોખમોની આગાહી રુંવાડા ઊભા કરી દે છે. વર્જિનિયા એલિસન કહે છે, ‘જો મારે રમતમાં પ્યાદું જ બનવું હોત, તો મેં ચેસની પસંદગી કરી હોત…’
વિલ્હેમ સ્ટૈનિટ્ઝ નામના ચેસ-માસ્ટરે કહ્યું હતું: ‘બલિદાનનો શ્રેષ્ઠ રદિયો એનો સ્વીકાર છે.’ બીજી તરફ
ફ્રાન્કોઇસ ફિલિડોર નામનો ૧૮મી સદીનો ખેલાડી ‘પ્યાદાં શતરંજનો આત્મા છે’ એમ કહે છે. હકીકત એ છે કે પ્યાદાં એ આપણી પદપ્રણાલિ (hierarchy)નું સૌથી અનિવાર્ય હોવા છતાં નિમ્ન કોટિનું અંગ બની ગયું છે. માનવતાને સંબોધીને ઈ.ઈ.કમિંગ્સ કહે છે, ‘હું તને ચાહું છું કેમકે જ્યારે તું મુસીબતમાં આવી પડે છે ત્યારે તું તારી બુદ્ધિમતાને પ્યાદું બનાવીને ડ્રીંક ખરીદી લે છે.’ પ્યાદાને પગથિયું બનાવીને ઉપર ચડવાની પ્રથા આપણા લોહીમાં એ રીતે ઓગળી ગઈ છે કે ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ ત્યાં અલગ-અલગ સ્વરુપમાં પ્યાદાંઓ સામેની આખરી કતાર સુધી સમયસર પહોંચી જવાની હોડમાં જાનની બાજી લગાવી દોડતાં નજરે ચડે છે. પ્યાદાંની કુરબાનીઓના ભોગે નવજીવન પામેલી કોઈ રાણીએ પ્યાદાંઓને ઊગારી લીધા હોવાના દાખલાઓની બાબતમાં ઇતિહાસ લગભગ વાંઝિયો છે. ટૂંકમાં આ કવિતા સર્વકાલીન સર્વસ્થાનીય માનવજીવનની સર્વશ્રેષ્ઠ વિભાવના છે. શતરંજની રમતની બાબતમાં સૌથી ઉત્તમ બાબત કોઈ હોય તો એ એ છે કે શતરંજ તમને શીખવે છે કે તમે કોઈપણ પગલું ભરવા માટે સ્વતંત્ર છો પણ દરેક પગલું એની સાથે એનાં પરિણામ લઈને જ આવે છે.
ઊત્તમ રચના ! પ્યાદાની શહાદત,એની કુરબાનીના પાળીયા નજરે આવતા નથી! શુન્ય થઈ જવાની તાલાવેલીની દાસ્તાં અદ્ભુત રીતે આ કાવ્યમાં બયાં કરી કવિએ પ્યાદાને શ્રધ્ધાંજલી આપી , એ વાત કાબીલે તારીફ છે !! કવિશ્રેી વિવેક ટૅલરનુ આ કાર્ય વિશ્વકવિતાને ટહુકોના આંગણૅ ઊતારવાનુ, ગુજરાતી સાહિત્યપ્રેમીઓની સેવા છે. અભિનંદન !!
આપના આવા મજાના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર…